ગણદેવી. તા.૧૦
ગણદેવી તાલુકાના એંધલ ગામે ઇલેકટ્રીક ટ્રાન્સફોર્મરમાંથી ૮૦ લીટર ઓઇલની ચોરી કરનારા ચાર શખ્સો પકડાઈ જતા તેઓને ગણદેવી કોર્ટમાં રજુ કરી રીમાંન્ડની માંગણી કરાય હતી. કોર્ટે આ આરોપીના એક દિવસના રીમાન્ડને મંજૂરી આપી હતી.
મળતી વિગતો પ્રમાણે ગણદેવી તાલુકાના એંધળ ગામમાં નેશનલ હાઇવે નંબર આઠના પશ્ચિમે સંપતભાઇ લાલભાઇ નાયકની વાડીના સેડા ઉપર આવેલા ઇલેકટ્રીક ટ્રાન્સફોર્મરને ખોલી કાઢી તસ્કરો એંસીલીટર ઓઇલ ચોરી ગયા હતા.
આ ઓઈલની કિંમત રુ. ૬૪૦૦ થાય છે. ઓઈલની ચોરી થતા તે અંગેની ફરીયાદ તા. ૨૫-૩-૨૦૦૯ના રોજ ગણદેવી પોલીસ સ્ટેશનમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની ગણદેવીના નાયબ ઇજનેર પ્રકાશચંદ્ર મોહનલાલ પટેલે નોંધાવી હતી. દરમિયાનમાં નવસારી ખાતે પકડાયેલા ચાર ઇસમો રાજેન્દ્ર સંતલાલ યાદવ (ઉ.વ ૩૦, રહે. હાલ બાબેનગામ તા. બારડોલી, મૂળ રાજાગઢ યુ. પી), જીતુ ભુવનેશ્વર યાદવ (ઉ.વ. ૨૧, રહે. હાલ તેન ફળિયા, બારડોલી, મૂળ શીવહર બિહાર), ઓમપ્રકાશ ઉર્ફે છોટુ ઇમુ સોનવને (ઉ.વ. ૨૮, હાલ બાબેનગામ બારડોલી, મૂળ જલગાવ મહારાષ્ટ્ર), લલ્લુપ્રસાદ હરીહર ચમાર (ઉ. વ.૨૧ રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, ખાડી કીનારે, પાંડેસરા, સુરત. મૂળ અલ્હાબાદ) નવસારી સબ જેલમાં હતા તેમને ટ્રાન્સફર વોરન્ટથી ગણદેવી લાવી પુછપરછ કરાઈ હતી. આ વખતે આ આરોપીઓએ એંધળમાં ટ્રાન્સફરમરમાંથી ઓઇલ ચોરી કરવાનો ગુન્હો કબૂલી લીધો હતો.
ચારેને ગણદેવી કોર્ટમાં રજૂ કરી રીમાંન્ડ માંગ્યા હતા. જેથી કોર્ટે એક દિવસના રીમાન્ડને મંજૂરી આપી છે. આ ઘટનામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.