વલસાડ તા.૧૦
વલસાડ તાલુકાના મગોદડુંગરી ગામના ધો.૧૨ સામાન્ય પ્રવાહના એક વિદ્યાર્થી મૃત દાદાની અગિયારમાંની વિધિનો સામાન લેવા માટે આજરોજ સવારે મોટરસાયકલ પર જઇ રહ્યો હતો. તે દરમ્યાન તેને અકસ્માત નડતા પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. જેને પગલે ઉંચકીને સેન્ટર પર લઇ જવાતા, સ્થળ સંચાલકે માનવીય અભિગમ દાખવી અલાયદી બેઠક વ્યવસ્થા કરી આપી હતી.
અડગ મનના માનવીને હિમાયલ પણ નડતો નથી એ ઉક્તિને સાર્થક કરતી આ ઘટનાની પ્રાપ્ત વિગતોનુસાર, વલસાડ તાલુકાના મગોદડુંગરી ગામનો ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતો અક્ષય સૂરજભાઇ ટંડેલના દાદા મરણ પામ્યાં હોઇ આજરોજ સવારે સૂતક કાઢયા બાદ અગિયારમાંની વિધિ માટે જરૃરી સામાન લેવા મોટરસાયકલ પર બેસી ગામમાં આવેલ એક દુકાન પર જઇ રહ્યો હતો. તે દરમ્યાન એકાએક તેની બાઇક સ્લીપ થતાં પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાસ્થળે દોડી આવેલા ગ્રામજનોએ તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પીટલમાં સારવાર અપાવી હતી. પરંતુ પગમાં ગંભીર ઇજાને પગલે ચાલવામાં મુશ્કેલી અનુભવતાં, આજના વાણિજ્ય વ્યવસ્થા (બી.એ.)ની પરીક્ષા આપી શકવા બાબતે પ્રશ્નાર્થ ઉભો થતો પરિવારજનો ચિંતામા મુકાયા હતાં. પરંતુ કોઇપણ ભોગે પરીક્ષા આપવા તત્પર બનેલા અક્ષયે પગમાં થઇ રહેલ પીડાને ગણકાર્યા વગર બે મિત્રોની મદદથી દવાખાનાથી સીધો પરીક્ષા સેન્ટર વલસાડની સેન્ટ જોસેફ સ્કૂલ પર પહોંચી ગયો હતો. બંન્ને મિત્રોએ ઉંચકીને શાળામાં દાખલ થતાં, સ્થળ સંચાલકે અશ્રયની મુશ્કેલીને જાણીને માનવીય અભિગમ દાખવી તેના બેસવાની અલાયદી વ્યવસ્થા કરી આપી હતી.
અકસ્માતનો ભોગ બનવા છતાં પેપર સારૃં ગયુ ંહોવાનું ખુશખુશાલ મુદ્રે પરીક્ષાખંડની બહાર આવી રહેલ અક્ષય ટંડેલે જણાવ્યું હતું. ત્યારે 'હિંમતે મર્દા તો મદદે ખુદા' ની ઉક્તિ સાચા અર્થમાં સાર્થક કરી છે. જોકે, પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવામાં શાળા સંચાલકોની સાથે સ્થાનિક બોર્ડના સુપરવાઈઝર અને સ્કવોર્ડના અધિકારીઓનો પણ પુરતો સહયોગ મળી રહ્યો હતો.