વલસાડ તા.૧૦
પારડી તાલુકાના રોહિણા ગામની આશ્રમશાળાની ૧૧ વર્ષીય વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારી કુંવારી માતા બનાવવાના ચકચારી પ્રકરણમાં પોલીસે પકડેલ આ.શા.ના રસોઇયાનો ડી.એન.એ. ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ આજરોજ આ પ્રકરણમાં આવેલા આંચકાજનક વળાંકમાં છોકરીના સગા કાકાના સગીર વયના દિકરાએ જ બળાત્કાર ગુજારી કુંવારી માતા બનાવી હોવાનું બહાર આવતાં, પોલીસે તેની ધરપકડ કરી નવસારી રિમાન્ડ હોમમાં મોકલી આપ્યો છે. જ્યારે પોલીસના રિપોર્ટના આધારે કોર્ટે શૈલેષ પટેલને નિર્દોષ ઠેરવી છોડી મૂક્યો છે.
'ટોક ઓફ ધ ડિસ્ટ્રીક્ટ' બનેલ આ ચકચારી પ્રકરણની હકીકત એવી છે કે, રોહિણા આ.શા.માં ધો.૬ માં અભ્યાસ કરતી કપરાડા તાલુકાના એક ગામના સરપંચની માત્ર ૧૧ વર્ષીય પુત્રી કોઇક હવસખોરના બળાત્કારનો ભોગ બની કુંવારી માતા બની હોવાનો અહેવાલ મીડિયામાં પ્રસિધ્ધ થતાં, પોલીસ દોડતી થઇ ગઇ હતી અને ભોગ બનેલી વિદ્યાર્થીનીની ફરિયાદને આધારે આ.શા.માં રસોઇયા તરીકે ફરજ બજાવતાં શૈલેષ પટેલની ધરપકડ કરી હતી. પરંતુ તમામ પ્રકારના ટેસ્ટો અને તપાસ માટે તૈયાર હોવાનું રટણ ચાલુ રાખનાર શૈલેષ પટેલની કાકલૂદીને નજરઅંદાજ કરનાર પારડી પોલીસે ત્યારે પીછેહઠ કરી જ્યારે શૈલેષ પટેલનું ડી.એન.એ. પરીક્ષણ નેગેટીવ આવ્યું હતું.
સુરત એફ.એસ.એલ.ની તપાસમાં શૈલેષ પટેલનો ડી.એન.એ. ટેસ્ટ નેેગેટીવ આવતાં ભીંસમાં મુકાઇ ગયેલ પારડી પોલીસે છોકરીની કડક પૂછપરછ કરતાં ભાંગી પડેલી વિદ્યાર્થીનીએ તેના સગા કાકાના માત્ર ૧૪ વર્ષીય દિકરાએ જ ગત વૈશાખ મહિનામાં વેકેશનમાં ઘરે ગઇ હતી ત્યારે બે વખત બળાત્કાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી કબુલાત કરતાં પોલીસ પણ ડઘાઇ ગઇ હતી. વિદ્યાર્થીનીની ફરિયાદને આધારે પોલીસે તેણીના કાકાના છોકરાની કડક પૂછપરછ કરતાં પોતાનો ગુનો કબૂલી લેતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
સગીર વયનો હોઇ નવસારી રિમાન્ડ હોલમાં મોકલી દીધો છે. જ્યારે આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલ શૈલેષ પટેલ નિર્દોષ હોવાનું પુરવાર થતાં પોલીસે કોર્ટમાં રિપોર્ટ રજુ કરતાં, નામદાર કોર્ટે તેને દોષમુક્ત જાહેર કરી નિર્દોષ છોડી મૂક્યો હતો. ત્યારે 'સો દોષિત ભલે છુટી જાય પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઇએ' તે ઉક્તિ અહીં ખરા અર્થમાં ચરિતાર્થ થઇ છે.
માતા-પિતા હકીકત જાણતાં હોવા છતાં મૌન રહ્યા
આ ચકચારી પ્રકરણમાં ભોગ બનેલી વિદ્યાર્થીનીએ પોલીસ તપાસમાં જણાવ્યું કે, ગત વૈશાખ માસમાં વેકેશન દરમ્યાન ઘરે ગઇ ત્યારે એક દિવસ માતા-પિતા બહાર જતાં, ઘરે ટી.વી. જોવા આવેલ સગા કાકાના દિકરાએ તેની સાથે બળજબરીથી સંભોગ માણ્યો હતો. આ અંગે તેણીએ માતા-પિતાને ફરિયાદ ન કરતાં, પિતરાઇ ભાઇની હિંમત ખુલી હતી અને ફરી વાર બળજબરીથી સંભોગ માણતા તેણીને ગર્ભ રહી ગયો હતો. શક્યતઃ આ કિસ્સામાં બંન્નેના મા-બાપને હકીકતની જાણ હોઇ ફરિયાદ કરવાનું ટાળતાં હોવાની ચર્ચા ઉઠી છે. આ ઘટના બહાર આવતાં બંન્ને પરિવારો માટે સમાજમાં મ્હોં દેખાડવું ભારે થઇ ગયું છે. બીજી બાજુ, શૈલેષ પટેલ વિનાકારણ દંડાયો અને ભરપાઇ ન થાય તેટલી હદે બદનામ થયો.