વડોદરા,તા. ૧૦
શહેરની જમીનોમાં બોગસ બાનાખત ઉભા કરવાના પ્રકરણમાં માસ્ટર માઈન્ડ યુસુફ કડિયાને જૂના સ્ટેમ્પ પેપરો પૂરા પાડવાના આરોપ હેઠળ ધરપકડ કરાયેલાં સ્ટેમ્પ વેન્ડર નીતિન શાહના કારેલીબાગ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને સી.આઈ.ડી. ક્રાઈમ ઈકો સેલે દરોડો પાડીને જૂની તારીખના રૃ.૧૦ અને ૨૦ના દરના રૃ.૩,૫૭૦ની કિંમતના કુલ ૧૯૭ સ્ટેમ્પ પેપર કબજે કર્યાં છે. બનાવટી બાનાખત તૈયાર કરવાના કૌભાંડ અંગેની ફરિયાદ દાખલ થતાં શહેરના લગભગ ૧૨ જેટલા બિલ્ડરોએ સી.આઈ.ડી. ઈકો સેલનો સંપર્ક સાધીને રજૂ કરેલાં યુસુફ કડિયાના બનાવટી બાનાખતો પૂરાવાના સ્વરૃપમાં સત્તાવાર રીતે કબજે કરવામાં આવ્યા છે. સ્ટેમ્પ સ્કેન્ડલ અંતર્ગત સી.આઈ.ડી.એ વડોદરાના નિવૃત્ત ડે.મામલતદાર એસ.આર. વાળંદ તથા વડોદરાના સ્ટેમ્પ વેન્ડર નીતિન શાહ, ફરીદ મેમણ તથા જગદિશ રાજગોરની ધરપકડ કરી છે. જેઓ તા. ૧૨મી સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર છે. વડોદરાના ૩ સ્ટેમ્પ વેન્ડરો પૈકીના નીતિન શાહ તથા જગદિશ રાજગોરના લાઈસન્સ સરકાર દ્વારા ડિસમિસ કરવામાં આવ્યાં છે. આ કૌભાંડમાં ભાગેડું જાહેર કરાયેલાં યુસુફ કડિયાએ સને ૨૦૦૬ના અરસામાં જગદિશ રાજગોર પાસેથી ૧૬ સ્ટેમ્પ પેપરો ખરીદયાં હોવાની હકિકત સી.આઈ.ડી.ની તપાસમાં ખુલી છે.
સી.આઈ.ડી. ક્રાઈમ ઈકો સેલના અધિકારી ભગીરથસિંહ જાડેજાની રાહબરી હેઠળ સમગ્ર સ્ટેમ્પ કાંડની તપાસ ચાલી રહી છે. ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતંુ કે, આરોપી નીતિન શાહના કારેલીબાગ,પાણીની ટાંકી પાસે સ્વાતંત્ર્ય સેનાની નગર સોસાયટી ખાતેના નિવાસસ્થાનેથી કબજે કરવામાં આવેલા સ્ટેમ્પ પેપર તેના લાઈસન્સ ડિસમિસ થવાના પહેલાના છે. માસ્ટર માઈન્ડ યુસુફ કડિયા દ્વારા રચવામાં આવેલા ગુનાઈત કાવતરાંનો શિકાર બનેલાં બિલ્ડરો સી.આઈ.ડી.નો સંપર્ક સાધી રહયાં છે. જેઓની પાસેથી પૂરાવાઓ એકત્રીત કરવાની હાલ કાર્યવાહી ચાલી રહી છે.