સુરત, તા. ૧૦
લંબે હનુમાન રોડ પર પાટીચાલમાં રહેતા એક યુવકે કોઈ માદક પદાર્થનો ઓવરડોઝ લઈ લેતા તે પાગલ જેવો બની ગયો હતો. શાનભાન ગુમાવી બેસેલા લાલદરવાજા વિસ્તારને માથે લીધો હતો. તે આવતા-જતા લોકો પાછળ લાકડી લઇને દોડતાં આ નશાબાજે પોલીસને પણ હંફાવી હતી. પોલીસ તેને ટીંગાટોળી કરી વેનમાં બેસાડી પોલીસસ્ટેશન તો લઇ જવાયો પરંતું પાછો ઉતારતી વેળા તેણે ગામ ગજવ્યું હતું.
મહિધરપુરા પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર સાંજે લાલદરવાજા વિસ્તારમાં એક યુવકે ભારે ધમાલ મચાવી હતી. હાથમાં લાકડી લઇને લોકોની પાછળ દોડતા આ યુવકે આખા વિસ્તારને માથે લીધો હતો. આવતા-જતા લોકોને લાકડીથી ફટકારતો હતો. સ્થાનિક ત્રણેક યુવાનોએ તેને પકડવાનો પ્રયાસ કરતા ત્રણેયને એક સાથે ફેંકી દીધા હતા.
પહેલી નજરે તે કોઈ પાગલ હોવાનું જણાતું હતું. આ બાબતે કોઈએ પોલીસ કંટ્રોલ રૃમને જાણ કરતા મહિધરપુરા પોલીસ લાલદરવાજા પટેલવાડી પહોંચી ગઈ હતી.
પોલીસ જવાનો આ યુવકને પકડવા ગયા તો તે તેમની પણ સામે થયો હતો. એક તબક્કે તો પોલીસે પણ પીછેહઠ કરવી પડી હતી. ત્યારબાદ સ્થાનિક રહેવાસીઓની મદદથી પોલીસે યુવકને ઘેરી લીધો હતો.
ટીંગાટોળી કરીને અએ યુવકને પોલીસવેનમાં બેસાડી તમામે રહાતનો દમ ખેંચ્યો હતો. આ પાગલ જેવા યુવકને લઇ મોબાઇલવાન પોલીસ સ્ટેશન તો પહોંચી પરંતું અહીં તેને વાનમાંથી બહાર કાઢતાં ફરી એ જ રામાયણ સર્જાય હતી. પોલીસે એ યુવકને ડબ્બામાંથી બહાર કાઢયો ત્યાં સુધીમાં તો તેણે ગામ ગજવી નાંખ્યું હતું.પોલીસના કહેવા પ્રમાણે એ યુવક વરાછાના લંબેહનુમાન રોડ ઉપર આવેલી પાટીચાલમાં રહેતો રામલખન રાજવીરસિંગ રાજપૂત હતો. આ યુવક પાસે તેનું નામ અને સરનામાની માહિતી મેળવતાં જ પોલીસને પરસેવો વળી ગયો હતો. આ યુવક કયા પદાર્થનો નશો કરી પાગલ જેવો બની ગયો હતો એ અંગે પોલીસ પણ કંઇ માહિતી આપી શકી ન હતી. ખરાબ દારૃ અથવા તો ગાંજા કે ચરસના ઓવરડોઝના કારણે રામલખનની આ હાલત થયાની અનુમાન પોલીસ લગાવી રહી છે. જોકે, નશામા ધૂત યુવાન દ્વારા પોલીસ સહિત લોકોને હારન કરવાના બનાવો અનેક વખત પ્રકાશમાં આવે છે. તેમ છતાં નશાખોર લોકો સુધરવાનું નામ લેતા નથી.