સુરત, તા. ૧૦
ગોધરામાં ૧૬ વર્ષના કિશોરના અકસ્માતમાં થયેલા મોત બાદ પરિવારે કરેલા વળતરના દાવાને અંશતઃ માન્ય રાખીને કોર્ટે રૃા. ૨.૭૦ લાખનું વળતર ચૂકવવા માટે આદેશ કર્યો હતો.
૧૬ વર્ષનો પુષ્પરાજસિંહ પ્રહલાદસિંહ સોલંકી ગત તા. ૧૮-૯-૦૪ના રોજ તેના મિત્ર નિર્મલસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ સાથે ગોધરા ખાતે હનુમાન દાદાના દર્શન કરવા માટે બાઈક પર નીકળ્યો હતો. રસ્તામાં અન્ય એક બાઈકચાલકે ટક્કર મારતા પુષ્પરાજસિંહ બાઈક પરથી ફંગોળાઈને રસ્તા પર પટકાયો હતો જેના પરથી ત્યાંથી પસાર થતી ટ્રક ફરી વળતા તેનું ત્યાં જ મોત થયું હતું.
આ દુર્ઘટના બાદ પુષ્પરાજસિંહના પિતા પ્રહલાદસિંહ અને માતા નયનાબેને (રહે, ખોડલકૃપા સોસાયટી, શક્તિ વિજય સોસાયટી પાસે, નાના વરાછા)એ બાઈકના ચાલક પુષ્પરાજના મિત્ર નિર્મલસિંહ, ટ્રકના ચાલક, માલિક જશવંતસિંહ સોલંકી (રહે, પંચમહાલ), આકાશ કનુભાઈ ભાટીયા (ગોધરા), જગદીશ ખેમચંદ વીરવાને (રહે, ગોધરા), ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ અને ધી ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ સામે રૃા. ત્રણ લાખનો દાવો માંડયો હતો. આ દાવો આજે એડિશનલ સેશન્સ જજ કે.જે. ઉપાધ્યાયની કોર્ટે અંશતઃ મંજૂર કરીને રૃા. ૨.૭૦ લાખનું વળતર ચૂકવવા માટે આદેશ કર્યો હતો.