સુરત, તા. ૧૦
શહેરના પડતર પ્રશ્નોની રજૂઆત માટે શહેરી વિકાસ પ્રધાન નીતિન પટેલની મુલાકાતે ગયેલા શહેર ભાજપના પ્રતિનિધિ મંડળની બેઠક પૂરી થઇ ગયા બાદ સ્થાયી સમિતિના ચેરમેન મુકેશ દલાલે ડહાપણ કરી અઠવા-અડાજણ કેબલ સ્ટેયડનો મુદ્દો ઉઠાવતા નવો વિવાદ શરૃ થઇ ગયો છે. અઠવા-અડાજણ કેબલ સ્ટેયડ તાપીપુલ માટે રાજયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ મંજૂરીની મહોર મારી છે ત્યારે શહેરી વિકાસ પ્રધાન સમક્ષ ડહાપણ કરવાની કયાં જરૃર હતી એવી ચર્ચા શહેર ભાજપમાં શરૃ થઇ ગઇ છે.
શહેરના પડતર પ્રશ્નોની રજૂઆત માટે ધારાસભ્યો, મનપાના ચાર પદાધિકારીઓ અને શહેર ભાજપ પ્રમુખ મંગળવારે શહેરી વિકાસ પ્રધાન નીતિન પટેલને મળ્યા હતા. શહેરના વિવિધ પ્રશ્નોની રજૂઆત બાદ મોટા ભાગના આગેવાનો નીતિન પટેલની ચેમ્બરની બહાર નીકળી ગયા હતા ત્યારે સ્થાયી સમિતિના ચેરમેન મુકેશ દલાલે નીતિન પટેલને રજૂઆત કરી હતી કે અઠવા અને અડાજણને જોડતા કેબલ સ્ટેયડ તાપીપુલ માટે એકમાત્ર ટેન્ડર ૮૪.૧૦ ટકા ઊંચંુ રૃ. ૧૬૩.૭૫ કરોડનું આવ્યું છે. એકમાત્ર ટેન્ડર અંગે શું કાર્યવાહી કરવી ? એ જણાવો. આ રજૂઆત વખતે શાસક પક્ષના નેતા ભીમજી પટેલ હાજર હતા. આ વાત ચાલી રહી હતી ત્યારે અચાનક ધારાસભ્ય નાનુ વાનાણી આવી પહાંેચ્યા. તેમણે એવો મત વ્યકત કર્યો કે કેબલ સ્ટેયડ રૃ. ૧૨૫ કરોડમાં બનતો હોય તો આગળ વધવું એવો શહેર ભાજપની સંકલન બેઠકમાં નિર્ણય લેવાયો છે. આટલું ઊંચું ટેન્ડર આવે તો કઇ રીતે આગળ વધવું ? આમ સ્થાયી ચેરમેનના ડહાપણને કારણે ફરી એક વખત કેબલ સ્ટેયડ તાપીપુલના મુદ્દે વિવાદ શરૃ થઇ ગયો છે. શહેરી વિકાસ પ્રધાન સમક્ષ આ મુદ્દો ઊભો કરી સ્થાયી ચેરમેને મોટો બફાટ કરી નાખતા કેબલ સ્ટેયડના મુદ્દે ફરી શહેર ભાજપમાં ખેંચતાણ શરૃ થઇ ગઇ છે.