ધાડ પાડવાની તૈયારી કરતાં ૫ ઝડપાયા

Mar 11,2010 Home > Surat > Surat City >Article
 
comment    e-mail    print    
 
Viewed 905
Rate 5.0
Rating
Bookmark The Article
 
 

સુરત તા.૧૦

સચિનના તલંગરોડ પર કેટલીક વ્યક્તિઓ ધાડ પાડવાની તૈયારી કરી રહી હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડીને પાંચ આરોપીઓને ઝડપી પાડયા હતા. આરોપીઓ પાસેથી ઘાતક હથિયારો અને મરચાની ભૂકી પણ પોલીસે કબજે લીધી હતી. પાંચેય આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેમણે આ વિસ્તારની ચાર ચોરીની કબૂલાત પણ કરી લીધી હતી.

સચિન પોલીસમથકના ઇન્સ્પેક્ટર કે.એમ. પટેલના જણાવ્યા અનુસાર સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ છગન મનાભાઇને બાતમી મળી હતી કે, સચિન પોલીસમથકની હદમાં અગાઉ જુદી જુદી ચોરીમાં સંડોવાયેલો વિચિત્ર રામબરન ઠાકુર જેલમાંથી છૂટયા બાદ ફરીથી ચોરીઓમાં સક્રિય થયો છે તેમજ તલંગપોર રોડ ખાતે તેના સાગરીતો સાથે ભેગા મળીને તે સચિન જીઆઇડીસીમાં ધાડ કરવા જવાનો છે. આ બાતમીના આધારે પોલીસ સબઇન્સ્પેક્ટર એમ.વી. તડવીએ સ્ટાફ સાથે મળીને તલંગપોર રોડ પર ગઇકાલે રાત્રે વોચ ગોઠવી હતી.

દરમિયાન સિદ્ધિગણેશ પેટ્રોલપંપ પાસે બાતમી મુજબની નંબરપ્લેટ અને હુડ વગરની રિક્ષા દેખાતા તેને અટકાવીને તેમાં તપાસ કરતાં રિક્ષામાંથી એક રેમ્બો છરો, એક કોઇતો, ત્રણ લાકડાંના ફટકા તેમજ મરચાંની ભૂકી ભરેલી થેલી મળી આવતાં તેમાં બેઠેલા ચારેય જણાની ધરપકડ કરી હતી.પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપીઓમાં સચિનના પાલીગામ ખાતે રહેતા રાજકુમાર બાલચંદ્ર કુર્મીપટેલ તેમજ સુરેશ લાલચંદ કુર્મીપટેલ ,  જીઆઇડીસી પાછળ આવેલા શિવનગરમાં રહેતા વિચિત્ર ઉર્ફે રાજુ રામબરન ઠાકુર, રાજુ ઉર્ફે જાડિયો શિવરામ કેવટ અને રવિ ઉર્ફે મનુ મદન માલિયાનો સમાવેશ થાય છે.વિચિત્ર કુર્મીપટેલ પહેલાં પાંડેસરા જીઆઇડીસીમાં રોડ નંબર ૭ પર આવેલા ખાતાનંબર ૯૪૦માં કાપડના કારખાનામાં કામ કરતો હતો. આ કારખાનામાં નવમી તારીખે કારીગરોને પગાર કરવામાં આવતો હોવાની વાત તે જાણતો હોવાથી ધાડમાં મોટી રકમ મળશે તેવી ખબર હોવાથી આ સ્થળે ધાડ પાડવાની યોજના તેમણે ઘડી કાઢી હતી. તેઓ તેમના બદઇરાદામાં સફળ થાય તે પહેલાં જ તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ આ વિસ્તારમાં ચાર જેટલી ઘરફોડ ચોરીમાં પણ સંડોવાયા હોવાનું જણાવ્યું હતું.

સચિનની અન્ય

બે ચોરીના ભેદ પણ ઉકેલાયા

સચિન હાઉસિંગ બોર્ડ ખાતે આવેલા યોગેશ્વરનગરમાં રહેતા રામજીભાઇ લક્ષ્મીદાસ કટારિયા જીઆઇડીસી રોડ પર આદિત્ય કરિયાણા સ્ટોરમાં ગઇ તારીખ ૨૮ ફેબ્રુઆરીથી ૭મી માર્ચ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો. તેમની દુકાનના ગલ્લાંમાંથી રોકડાં રૃપિયા ૩૦,૦૦૦, બે મોબાઇલ ફોન તેમજ રૃપિયા ૧૨,૪૦૦ની કિંમતની રિચાર્જ કુપન ચોરાઇ ગઇ હતી. સચિન હાઉસિંગબોર્ડમાં આવેલી આશાપુરી સોસાયટીમાં રહેતા મનોજકુમાર પ્રફુલ્લભાઇ મહારાણાની તલંગપોર રોડ ખાતે આવેલી દુકાનમાંથીગઇ તારીખ ૨૪મી ફેબ્રુઆરીના રોજ ટી.વી., ડી.વી.ડી., કેસેટ વગેરે મળીને કુલ રૃપિયા ૨૦,૬૦૦ની કિંમતની મતાની ચોરી થઇ હતી. બનાવમાં આ ટોળકીની જ સંડોવણી બહાર આવી છે.

વાઘોડિયાની હદમાં થયેલો લૂંટ વીથ મર્ડરનો ગુનો ઉકેલાયો

સચિન પોલીસના જણાવ્યા અનુસાર ધાડ પાડવા જતી ટોળકી સાથે ઝડપાયેલો એક આરોપી રાજુ ઉર્ફે જાડિયો શિવરામ કેવટ અગાઉ પાંડેસરા પોલીસમથકની હદમાં લૂંટના ગુનામાં પકડાઇ ચૂક્યો છે. તેની પૂછપરછમાં તેણે તેના સાગરીતો સાથે મળીને ગઇ તારીખ ૨૧મી જાન્યુઆરીના રોજ વાઘોડિયા પોલીસમથકની હદમાં ભંગારની દુકાનમાં લૂંટ ચલાવી હતી. તે વખતે ત્યાં હાજર રહેલી એક વ્યક્તિની હત્યા પણ કરી નાંખી હોવાની કબૂલાત પણ તેણે કરી લેતા આ અંગે વડોદરાના વાઘોડિયા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. જેને લીધે વાઘોડિયા પોલીસે ટ્રાન્સ્ફર વોરંટથી તેને કબજે લેવાની તજવીજ હાથ ધરી હતી.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com