અમદાવાદ, તા.૧૦
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા હવે કોઈપણ પ્લાન ૩૦ જ દિવસમાં મંજૂર કરવામાં આવશે તેમ ઔડાના ચેરમેન ધર્મેન્દ્ર શાહે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, દહેગામ ગ્રોથ સેન્ટર વિસ્તારમાં ઔડા દ્વારા ર.પ૧ કરોડના ખર્ચે વિકાસના કામો તાકીદે હાથ ધરવામાં આવ્યા છે.
દહેગામ ગ્રોથ સેન્ટર ખાતે આથમણા તળાવની ઔડા દ્વારા કાયાપલટ કરવાનું કામ ચાલુ છે. તળાવની ફરતે સ્ટોન મેશનરી તથા સ્ટોન પીચિંગની કામગીરી ૭૦ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે. તળાવની હદની બાઉન્ડ્રી પર કમ્પાઉન્ડ વોલનું કામ રપ લાખના ખર્ચે ૮૦ ટકા જેટલું પૂર્ણ થઈ ચૂકયું છે.
શાહે વધુમાં જણાવ્યું હતું કે, ઔડામાં અત્યાર સુધી પ્લાન મંજૂર કરવામાં ૯૦ દિવસ જેટલો સમય લાગી જતો હતો. તેમાંય ૮પમા દિવસે જાવક નંબર નાખે તો વધુ બે માસ લંબાઈ જતાં હતા. હવે તેમાં ફેરફાર કરી માત્ર ૩૦ દિવસમાં પ્લાન મંજૂર કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઔડાનું કાર્યક્ષેત્ર ૧૮૦૦ ચોરસ કિ.મી. છે જે મ્યુનિ.થી ઘણું જ મોટું હોવા છતાં ઔડાનો કુલ સ્ટાફ માત્ર ર૦૦નો છે. જ્યારે કોર્પોરેશનનો સ્ટાફ લગભગ છ હજાર કર્મચારીનો છે.
તેમણે જણાવ્યું હતું કે, વરસાદી પાણીના નિકાલ માટે ૩૬ ઈંચના વ્યાસવાળી પાઈપલાઈનો નાખવાના કામ સહિત કુલ ૩ કામને ૮૦ લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. રોડ રિસરફેસિંગનાં કામો ૬૮ લાખના ખર્ચે કરાવાયા છે. હવે આગામી દિવસોમાં નવાં કામો હાથ પર લેવાશે.