રૃપેશ શાહ સામે ફોર્જરી કેસ ૮ ઉદ્યોગપતિઓને સમન્સ

Mar 11,2010 Home > Ahmedabad > Ahmedabad City >Article
 
comment    e-mail    print    
 
Viewed 944
Rate 5.0
Rating
Bookmark The Article
 
 

અમદાવાદ, તા.૧૦

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વહીવટ પર સ્થાપિત હિતોનો દોરીસંચાર જળવાઈ રહે તેવો કારસો ઘડી પ્રમુખ રૃપેશ શાહે ચેમ્બરના બંધારણમાં જે ચૂંટણીલક્ષી સુધારાઓ કરાવી લીધા હતા તે કારસ્તાનનો ભોગ રાજ્યના આઠ અગ્રણી ઉદ્યોગપતિઓ બન્યા છે. રૃપેશ શાહ સામે સુધારાઓ મંજૂર કરાવવા કારોબારીના કેટલાક સભ્યોની તદ્દન બનાવટી સહીઓ કરી હોવાનો એક ક્રિમિનલ કેસ પણ નોંધાયો છે. આ કેસમાં આજે શહેરની મેટ્રોપોલિટન કોર્ટે આ આઠ ઉદ્યોગપતિઓને ૨૨મી માર્ચે કોર્ટમાં હાજર થવાના સમન્સ જારી કર્યા છે.

બોગસ સહીઓ દ્વારા ચેમ્બરના બંધારણીય સુધારા મંજુર કરાવવામાં આવ્યા હોવાના કેસમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પી.ટી. પટેલે ટોરેન્ટ જૂથના સુધીર મહેતા અને કેડિલા જૂથના પંકજ પટેલ ઉપરાંત અરવિંદ ગ્રૂપના સંજય લાલભાઈ, અદાણી જૂથના પ્રણવ અદાણી, મેઘમણી ગ્રૂપના જયંતીભાઈ પટેલ અને નટુભાઈ પટેલ, પારસ ફાર્માના ગિરીશ પટેલ અને પ્રદીપ અગ્રવાલને સમન્સ મોકલાવ્યા છે. ફરિયાદીઓ તરફથી આ આઠ મહાનુભાવોને સાક્ષી બનાવવાની જે અરજી મેટ્રોપોલિટન કોર્ટમાં આપવામાં આવી હતી તેના અનુસંધાનમાં કોર્ટે આ સમન્સ જારી કર્યા છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની વર્ષ ૨૦૦૯-૧૦ની ચૂંટણી પૂર્વે તેના બંધારણમાં કેટલાક ચૂંટણીલક્ષી ફેરફારો કરવામાં આવ્યા હતા. જે ૩૧-૩-૦૯ની ઈજીએમમાં મંજૂર થયા હતા. પરંતુ, આ સુધારા અંગે ચેમ્બર અન્યાય નિવારણ સમિતિ દ્વારા ભદ્રની સિટી સિવિલ કોર્ટમાં એવી પિટિશન દાખલ કરવામાં આવી હતી કે, આ સુધારા તદ્દન ગેરકાયદે અને ગેરબંધારણીય છે. ચેમ્બર બહારના કેટલાક સ્થાપિત હિતોના દોરીસંચારથી અમુક નિશ્ચિત ઉમેદવારો જ ચેમ્બરના કર્તાહર્તા બની રહે તેવા આશયથી ચેમ્બરના પ્રમુખ રૃપેશ શાહ દ્વારા કરાવવામાં આવેલા આ સુધારા રદબાતલ ઠેરવવાની માંગ આ દીવાની કેસમાં કરવામાં આવી હતી. આ કેસના અનુસંધાનમાં ચેમ્બર તરફથી જે કેટલાક જવાબો રજૂ કરવામાં આવેલા તેમાં એક દલીલ એવી પણ હતી કે, ૨૮-૨-૦૯ના દિવસે ચેમ્બરની જે કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી તેમાં સર્વાનુમતે આ બંધારણીય સુધારા માન્ય રાખવામાં આવ્યા હતા અને તે પછી જ તેને ચેમ્બરની ઈજીએમમાં તેને બહાલી આપવામાં આવી હતી.

ખૂબીની બાબત એ હતી કે, ચેમ્બર તરફથી પોતાની દલીલના સમર્થનમાં કારોબારી સમિતિની સભામાં હાજર રહેલા સભ્યોના હસ્તાક્ષરવાળી જે યાદી કોર્ટમાં રજૂ કરવામાં આવી તેમાંના કેટલાય સભ્યો હકીકતમાં તો આ બેઠકમાં હાજર જ નહોતા. પરિણામે ચેમ્બર અન્યાય નિવારણ સમિતિએ આવા સભ્યોની બનાવટી સહીઓ કરવામાં આવી હોવાના મુદ્દે મેટ્રો કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો. જેમાં એવી ફરિયાદ કરવામાં આવી હતી કે ૨૦૦૯ના હોદ્દેદારો રૃપેશ શાહ, સમીર પટેલ, બિરેન પરીખ અને તેમના મળતિયાઓએ અંગત લાભ ખાતર આવા સુધારા રજૂ કર્યા હતા. પરંતુ, તેમને આ સુધારાનો ઉગ્ર વિરોધ થવાનો ભય જણાતા કેટલાક સભ્યો જે બેઠકમાં હાજર જ નહોતા તેમની બોગસ સહીઓ કરાવી હતી. આ કેસમાં તાજેતરમાં જ ચેમ્બરના પૂર્વ ચેરપર્સન પારૃ જયકૃષ્ણએ પણ મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર રહી આ સહી પોતાની ન હોવાની કેફિયત આપી હતી.

આ મહાનુભાવોને સમન્સ

સુધીર મહેતા

ટોરેન્ટ ગ્રૂપ

પંકજ પટેલ

કેડિલા ગ્રૂપ

સંજય લાલભાઈ

અરવિંદ ગ્રૂપ

પ્રણવ અદાણી

અદાણી ગ્રૂપ

જયંતીભાઈ પટેલ

મેઘમણી ગ્રૂપ

નટુભાઈ પટેલ

મેઘમણી ગ્રૂપ

ગિરીશ પટેલ

પારસ ફાર્મા

પ્રદીપ અગ્રવાલ

ટેસ્કો સિન્થેટિક

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com