રાજકોટ તા.૧૦ :
રાજયમાં કદાચિત સૌથી વધુ જમીન કૌભાંડ રાજકોટમાં થાય છે. આની પાછળ પોલીસની નિષ્ક્રીયતા, આડકતરી ભાગીદારી કે રાજકીય શેહશરમ તો કારણભૂત છે જ, પરંતુ આવા કૌભાંડિયાઓને પાયાથી પોષવામાં ભૂંડી ભુમિકા ભજવે છે, કેટલાક વકિલોની સિન્ડિકેટ.
થોડા માસથી નવતર ઢબે ટોકન રૃપે નહીંવત રકમ આપી સાટાખત કુલમખત્યારનામુ કે, દસ્તાવેજો કરાવી લેનાર ભુમાફીયા - ગેંગો પાછળ પણ ભેજાબાજ વકિલની વરવી ભુમિકા હોઈ શકે.ભૂમાફીયાઓના ગોઠવેલા વ્યુહચક્ર સબ રજી. કચેરી પર મુરગા સમાન ભોળવાયેલા ખેડૂતો પહોંચતા જ પહેલેથી વધેરવા માટેના જરૃરી બોગસ દસ્તાવેજો સ્ટેમ્પ પેપર તૈયાર રાખીને કૌભાંડીયાઓનો વકીલ ઉપસ્થિત જ હોય છે. અગાઉના કિસ્સાઓમાં પણ કેટલાક લાલચી વકીલોની જમીન કૌભાંડમાં સંડોવણીઓ ખુલી હતી અને ધરપકડો પણ થઈ હતી. નવતર ઢબે આચરાતાં જમીન કૌભાંડમાં પણ પોલીસ વકીલની ભૂમિકા તપાસી રહી છે અને દસ્તાવેજી પુરાવા મળ્યે આવા વકીલ પર પણ કાયદાનો સકંજોે કસાય શકે તેવા નિર્દેશ છે. એક નામાંકિત વકિલે એવો વસવસો વ્યકત કર્યો હતો કે, લોકોને ન્યાય અપાવવાના અમારા ક્ષેત્રમાં કેટલાક આવા વકિલોના કારણે વકિલ આલમની છાપ ખરડાઈ રહી છે.