વોશિંગ્ટન,તા.૧૩
ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર સમસ્યાનું નિરાકરણ પણ લશ્કર-એ-તોયબા અને અન્ય ત્રાસવાદી જૂથોને સંતોષી શકે તેમ નથી.મુંબઈ હુમલા અને ભારતીય સંસદ પર હુમલા કરાવનાર ત્રાસવાદી જૂથો માટે કાશ્મીર નહીં પણ ભારત મુખ્ય લક્ષ્ય છે. આ જૂથો પાકિસ્તાનમાં સત્તા કબજે કરવા માંગે છે.લશ્કર-એ-તોયબા માત્ર ભારત જ નહીં પણ પશ્ચિમી જગત ખાસ કરીને અમેરિકા માટે ગંભીર પડકાર બની રહેશે.અમેરિકન સંસદ સમક્ષની સુનાવણીમાં કેટલાક નિષ્ણાતોએ આ પ્રકારનાં મંતવ્યો રજૂ કર્યા છે.
કાર્નેગી એન્ડોવમેન્ટ રેર ઈન્ટરનેશનલ પીસના એશ્લે ટેલીસ અને દક્ષિણ એશિયા સેન્ટરના વડા શુઝા નવાઝે અમેરિકન સંસદ સમક્ષની સુનાવણીમાં સાંસદોએ વ્યક્ત કરેલી ચિંતાના જવાબમાં જણાવ્યું હતું કે, લશ્કર-એ-તોયબાને કાશ્મીર સમસ્યા નહીં પણ ભારતને લક્ષ્ય બનાવવામાં રસ છે.મુંબઈ હુમલા તથા ભારતીય સંસદ પર હુમલા માટે જવાબદાર તોયબા પાકિસ્તાનમાં સત્તા મેળવવા માંગે છે.આમ કરીને તોયબા ભારત તથા અમેરિકા સામે ગંભીર પડકાર બનવા માંગે છે.સંસદીય સમિતિ સમક્ષ જ બોલતા હેરિટેજ ફાઉન્ડેશનના લીસા કર્ટીસે કાશ્મીર સમસ્યા ઉકેલવા મુશર્રફે ૨૦૦૬માં કરેલી ફોર્મ્યુલાનો ઉલ્લેખ કર્યો હતો.મુશર્રફે અંકુશ રેખાને બિનઆધારભૂત ગણવા ,કાશ્મીરેને વધુ સ્વાયતતા આપવા,કાશ્મીરના બે ભાગ વચ્ચે એક તંત્ર દ્વારા વિચારવિમર્શ સૂચવ્યો હતો.
એશ્લે ટેલીસે લશ્કર-એ-તોયબાને અત્યંત ખતરનાક ત્રાસવાદી જૂથ ગણાવતા ઉમેર્યું હતું કે આ જૂથ ૨૧ દેશોમાં તેનું નેટવર્ક ધરાવે છે.તોયબાની વિચારધારા સ્પષ્ટપણે પશ્ચિમ વિરોધી છે.તોયબાને કાશ્મીર સમસ્યા ઉકેલાવામાં સહેજ પણ રસ નથી.તેને તો ભારત,અમેરિકાના મુખ્ય લક્ષ્ય ઉપરાંત પાકિસ્તાનમાં સત્તા મેળવવામાં રસ છે.શુઝા નવાઝે તોયબાને ફ્રેન્કેન્સ્ટેઈનના દાનવો તરીકે ઓળખાવતા ઉમેર્યું હતું કે આ દાનવો પણ કાશ્મીરી આઝાદી માટે ઊભા થયા હતા જે પાછળથી સુન્ની પંજાબી ચળવળમાં ફેરવાયા હતા.આઈએસઆઈની પકડ નબળી પડતાં તોયબા વધુ આત્મનિર્ભર બન્યું હતું.