શિકાગો, તા. ૧૩
જે પુરુષો પોતાની જાતને સ્વસ્થ અને કસરતી રાખે છે તેઓ ૮૦ વર્ષની ઉંમરે પણ સેક્સનો આનંદ મેળવી શકે છે તેમ તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું. સંશોધન કરનારા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જે પુરુષો પોતાને ખડતલ અને સ્વસ્થ કહેતા હોય તેઓ તેમની ઉંમરના અન્ય પુરુષો કરતાં સેક્સલાઈફનો આનંદ ડબલ મેળવી શકે છે.
શિકાગો યુનિર્વિસટીના નિષ્ણાતોએ ૨૫થી ૮૫ વર્ષના ૬૦૦૦ અમેરિકન સ્ત્રી-પુરુષોનો અભ્યાસ કર્યો હતો. તેનાં તારણોમાં આ હકીકત જાણવા મળી હતી. નિષ્ણાતોને જાણવા મળ્યું હતું કે વધતી ઉંમરની અસર સ્ત્રીઓ પર થાય છે તેટલી પુરુષો ઉપર થતી નથી. ૭૫થી ૮૫ વર્ષના વયજૂથમાં માત્ર ૧૬.૮ ટકા મહિલાઓએ કહ્યું હતું કે તેઓ સક્રિય સેક્સલાઈફ માણી રહી છે. જ્યારે એ જ વયજૂથમાં ૩૮.૯ ટકા પુરુષોએ સ્વીકાર્યું કે તેઓ સક્રિય સેક્સજીવન માણી રહ્યા છે.
પુરુષ ૫૫ વર્ષની ઉંમરે બીજા ૧૫ વર્ષ સેક્સમાં સક્રિય રહેવાનું નક્કી કરી શકે અને તેનો અમલ પણ કરી શકે. સંશોધનમાં જાણવા મળ્યું હતું કે તંદુરસ્તી પુરુષોની સેક્સલાઈફમાં સાતથી ૧૫ વર્ષ ઉમેરી શકે છે. મહિલાઓ પુરુષો કરતાં પાંચ વર્ષ વહેલી સેક્સની સક્રિયતા ગુમાવી દે છે. સંશોધનમાં મેળવેલાં તારણો કહે છે કે મહિલાઓ પણ નિયમિત કસરત વગેરેથી તંદુરસ્તી જાળવી રાખે તો સેક્સલાઈફની સક્રિયતા વધારી શકે છે. આ સંશોધનનો અહેવાલ બ્રિટીશ મેડિકલ જર્નલમાં પ્રગટ કરવામાં આવ્યો હતો.