મેલબોર્ન, તા.૧૩
ઓસ્ટ્રેલિયામાં નૌકાદળના 'એચએમએએસ સક્સેસ' જહાજના પુરુષ ક્રૂ-મેમ્બર્સ તેમની મહિલા સાથીઓ જોડે સૌથી પહેલા કોણ સેક્સ માણે છે તે અંગે શરત લગાવતા હોવાનો એક ટેલિવિઝન ચેનલ દ્વારા પર્દાફાશ કરાયો છે.
રોકડ પુરસ્કારો જીતવા ક્રૂ-મેમ્બર્સ 'ધ લેજર' નામના એક લિસ્ટમાં દરેક મહિલા સાથીનું મૂલ્ય આંકતા હતા અને મહિલા અધિકારી સાથે કે સમલિંગી સાથે જાતીય સંબંધ બાંધીને 'એક્સ્ટ્રા પોઇન્ટ્સ' મેળવતા હતા. પુલ ટેબલ સહિતની અવનવી જગાએ સેક્સ માણવાના પણ અલગ પોઇન્ટ્સ આપવામાં આવતા હતા.
ગત વર્ષે ટૂર ઓફ ડયુટી દરમિયાન આ સેક્સ ગેમ્સમાં સંકળાયેલી રહેલી ફિમેલ સેલર્સને (મહિલા નાવિકો) અવારનવાર ડ્રગ્સ અને શરાબના નશામાં ધૂત કરીને પુરુષ નાવિકો તેમની સાથે સેક્સ માણતા હતા અને કોઇને તે અંગે કંઇ ન કહેવાની ધમકી આપતા હતા.
ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સના સિનિયર કાઉન્સેલ ડગ્લાસ કેમ્પબેલે કહ્યું હતું કે, ક્રૂ-મેમ્બર્સ સાથેના ઇન્ટરવ્યૂથી જાણવા મળ્યું છે કે, પુરુષ નાવિકો સહેલાઇથી ફોસલાવી શકાય તેવી મહિલાઓને તેમની જાળમાં ફસાવતા હતા. પ્રારંભિક તપાસને કાનૂની નિષ્ણાતોએ પક્ષપાતી ગણાવ્યા બાદ આ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ સેક્સ બેટિંગ રિંગ જુલાઇ, ૨૦૦૯માં 'ચેનલ સેવન'ના એક ન્યૂઝ રિપોર્ટના પગલે પ્રકાશમાં આવી હતી. તપાસના પ્રથમ દિવસે 'એચએમએએસ સક્સેસ'ના કમાન્ડરે જણાવ્યું કે, તેમના જહાજ પર મહિલા નાવિકોને શરાબ પીવડાવીને તેમની સાથે ધાકધમકીથી સેક્સ માણવામાં આવતું હોવાની તેમને મહિલા નાવિકોએ જ જાણ કરી હતી.
કમાન્ડિંગ ઓફિસર સાયમન બ્રાઉનના કહેવા મુજબ, નવી મહિલા સભ્યો સાથે સૌપ્રથમ સેક્સ કોણ માણે છે તેના પર પુરુષ નાવિકોમાં શરતો લાગતી હતી. તે પૈકીના બે બનાવનો ઉલ્લેખ કરતા તેમણે આક્ષેપ કર્યો હતો કે, એક સિનિયર સેલરે યુવા ફિમેલ સેલર સાથે એક ચાઇનીઝ બારમાં સિનિયર ઓફિસર્સની નજર સામે સેક્સ માણ્યું હતું. તેની વીડિયો પણ ઉતારવામાં આવી હતી. બે મહિના લાંબી ટૂર ઓફ ડયુટી દરમિયાનના અન્ય એક કિસ્સામાં એક જુનિયર ફિમેલ સેલરે સિનિયર પુરુષ અધિકારી સાથે જહાજના મેસ ડેક (તૂતક) પર સેક્સ માણ્યું હતું.