લંડન,તા. ૧૩
બ્રિટીશ કોર્ટે ગયા વર્ષે એપ્રિલમાં ટીનેજર યુવતી પર બળાત્કાર ગુજારવા બદલ ૨૩ વર્ષીય ભારતીયને દોષિત ઠેરવ્યો હતો. લંડનમાં ઇસલેવર્થ ક્રાઉન કોર્ટે બે સપ્તાહ સુધી ચાલેલી ટ્રાયલ બાદ ૨૫મી સપ્ટેમ્બર ૨૦૦૯ના દિવસે જગદીપ ચાહલને દોષિત ઠેરવ્યો હતો. ગઇકાલે આ કોર્ટે તેનો ચુકાદો આપ્યો હતો. આ ભારતીયને સેક્સ ઓફેન્ડર્સ (જાતીય ગુનેગાર ) રજિસ્ટર પર પણ મૂકવામાં આવ્યો છે. કોર્ટે આ મામલાની સુનાવણી ચલાવતી વેળા કેસના ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે દોષિત શખસે આઠમી એપ્રિલ ૨૦૦૯ના દિવસે યુક્સબ્રિજ રોડ પર બસ સ્ટોપથી ૧૮ વર્ષીય ભોગ બનેલી યુવતીનો પીછો કર્યો હતો.
બળાત્કારનો ભોગ બનેલી યુવતીને તેનો પીછો કરવામાં આવ્યા બાદ શંકા જતા આરોપી આગળ જતો રહે તે માટે પોતાની ચાલવાની ઝડપ ધીમી કરી હતી. જો કે આરોપીએ સતત તેનો પીછો કર્યો હતો. ત્યાર બાદ તેને બળજબરીપૂર્વક પકડી લીધી હતી. ચાહલે ભોગ બનેલી યુવતીને ધમકી આપ્યા બાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે થોડાક સમયમાં લોકોના ટોળાં ભેગાં થઇ ગયાં હતાં અને પોલીસને જાણ કરી હતી. ચાહલ પર નવમી એપ્રિલના દિવસે બળાત્કારના આરોપ મૂકવામાં આવ્યા હતા.