નવી દિલ્હી, તા. ૧૩
જર્મનીને અત્યંત રોમાંચક મુકાબલામાં ૨-૧થી હરાવી ઓસ્ટ્રેલિયા હોકી વર્લ્ડકપ-૨૦૧૦માં ચેમ્પિયન બની ગયું છે. ઓસ્ટ્રેલિયાએ ૧૯૮૬ બાદ પ્રથમ વાર હોકી વર્લ્ડકપ પોતાને નામે કર્યો છે. બીજી તરફ જર્મનીનું સતત ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન રોળાઇ ગયું હતું. જર્મની અને ઓસ્ટ્રેલિયા સતત ત્રીજી વાર વર્લ્ડકપ ફાઇનલમાં ટકરાઇ રહ્યા હતા. આ બંને વચ્ચેની ફાઇનલ અપેક્ષા અનુસાર અત્યંત રસપ્રદ બની રહી હતી. જેમાં વારાફરતી બંને ટીમનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. ઓસ્ટ્રેલિયા માટે ઓકેન્ડને છઠ્ઠી મિનીટમાં ગોલ કરી શાનદાર શરૃઆત અપાવી હતી. ઓસ્ટ્રેલિયા પ્રથમ હાફ સુધી ૧-૦ની સરસાઇ જાળવી રાખવામાં સફળ રહ્યું હતું. નેધરલેન્ડ્સના ફર્સ્ટેએ ૪૮મી મિનીટમાં ગોલ કરી સ્કોરને ૧-૧ની બરાબરી પર લાવી દીધો હતો. સ્કોર સરભર થતાં ઓસ્ટ્રેલિયાએ આક્રમક વલણ અપનાવ્યું હતું. દોરેનરે ૫૯મી મિનીટમાં નિર્ણાયક ગોલ કરી ઓસ્ટ્રેલિયાના ચેમ્પિયન બનવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓસ્ટ્રેલિયા માત્ર બીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. બીજી તરફ અન્ય મેચમાં ઇંગ્લેન્ડને ૩-૪થી હરાવી નેધરલેન્ડ્સની ટીમે ત્રીજો ક્રમ મેળવ્યો હતો.
કોણ કયા ક્રમે
૧. ઓસ્ટ્રેલિયા
૨. જર્મની
૩. નેધરલેન્ડ્સ
૪. ઇંગ્લેન્ડ
૫. સ્પેન
૬. કોરિયા
૭. આર્જેન્ટિના
૮. ભારત
૯. ન્યૂઝીલેન્ડ
૧૦ દ.આફ્રિકા
૧૧ કેનેડા
૧૨ પાકિસ્તાન