રાજકોટ, તા.૧૩
સતત પાંચ કલાક સુધી ધમાસાણ..... ૮૦૦ રાઉન્ડ ફાયરિંગ અને ર૧ પાકિસ્તાની બોટોને ખદેડી મૂકાઈ... છેલ્લા ૭૧ દિવસમાં કચ્છની બોર્ડર પર બનેલી ઉપરા-છાપરી ચાર-ચાર ઘટનાઓને કારણે હરામીનાળાનો વિસ્તાર લાઈમ લાઈટમાં આવી ગયો છે. ભારત માટે મજબૂરી અને પાકિસ્તાની ઘૂસણખોરો માટે જન્નત સમાન આ વિસ્તાર છે શું ? તેવો સવાલ અત્યાર દરેકના મનમાં ઘૂમરાય છે ત્યારે મળી રહેલી હકિકતો અનુસાર હરામીનાળુ એટલે ર૦ માઈલનો ‘દરિયાઈ ગાડા માર્ગ’. જેનો ઉપયોગ પાકિસ્તાન દ્વારા ભારતમાં ઘૂસણખોરી માટે કરવામાં આવી રહ્યો છે. ભૌગોલિક રીતે આ દરિયાઈ વિસ્તાર એવા પ્રકારે બનેલો છે કે, નાપાક ખતરનાક ઈરાદાઓ પાર પાડવા માટે પાકિસ્તાની ઘૂસણખોરોને તમામ રીતે મદદરૃપ થઈ શકે છે. જ્યારે તેને રોકવા માટે ભારતીય સૈન્યના જવાનોને લોઢાના ચણા ચાવવા પડે છે. આટલી ભયંકર સ્થિતિમાં પણ અત્યાર સુધી બી. એસ. એફ. નાં જાંબાઝ જવાનોએ માં ભોમની સુરક્ષા કરી છે. વણસી રહેલી સ્થિતિ પર કાબુ મેળવવા માટે અત્યારે સૈન્યને દેખો ત્યાં ઠારના આદેશો પણ આપી દેવાયા છે. ભારતના પશ્વિમ દરિયાઈ કિનારા અરબી સમુદ્ર સાથે હરામીનાળુ જોડાયેલું છે. લખપત નજીકનાં અરબી સમુદ્ર પાસેના અત્યંત સંવેદનશીલ અને વિવાદાસ્પદ એવા સરક્રિક પાસેથી ર૦ માઈલની લંબાઈ અને ર.પ મીટરની પહોળાઈ ધરાવતા હરામીની શરૃઆત થાય છે. જેનો પૂર્વ છેડાનો ૧૨ માઈલ જેટલો વિસ્તાર ભારત અને પશ્વિમ છેડાનો ૮ માઈલ જેટલો વિસ્તાર પાકિસ્તાનમાં આવેલો છે. અત્યાર સુધી સૈન્ય દ્વારા બોટો લઈને ઘૂસી આવતા પાકિસ્તાનો માછીમારો પ્રત્યે થોડું માનવતા ભર્યું વલણ દાખવવામાં આવતું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ માનવતાનો ગેરલાભ ઉઠાવી રહેલ નાપાક પાકિસ્તાનને સબક શિખવવા માટે હવે સૈન્યને દેખો ત્યાં ઠારના આદેશો આપી દેવાયા છે. પાક. સરહદની રખેવાળીની જીમ્મેદારી પાક. રેન્જર્સને સોપવામાં આવી છે ત્યારે આ ઘટનામાં સંભવિત ઘૂસણખોરોને પીઠબળ પુરૃ પાડવા માટે પાક. રેન્જર્સએ સલામતી પૂરી પાડી હોવી જોઈએ. હરામીનાળાની ઘટના બાદ પાકિસ્તાનની સરહદ નજીક આવેલા ખાવડા પાસે તા.૧૨ના સવારના ૭/૩૦ વાગ્યાની આસપાસ ગોળીબારની ઘટના બની હતી. આમ તો ભૌગોલિક દ્રિષ્ટએ જોઈએ હરામીનાળાથી ખાવડાનું ખાસ્સુ અંતર છે પણ ત્યાં સુધી પહોચી ઘૂસણખોરોએ ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હોવાની શંકા છે.
તવારીખ-એ-હરામીનાળા
૨૦૦૯
રપ ડિસેમ્બર : ઘુસણખોરી કરનાર છ પાકિસ્તાની બોટોને ભગાડવા માટે સતત એક કલાક સુધી સૈન્ય દ્વારા રપ૦ જેટલા રાઉન્ડ ફાયરિંગ
૨૦૧૦
૨૩ ફેબ્રુઆરી : ભારતીય સીમામાં ઘુસી ગયેલી ૭ થી ૮ જેટલી પાક. બોટોને ખદેડી મૂકવા માટે સૈન્ય દ્વારા મધરાતથી સવાર સુધીમાં ૭૦૦ થી ૧૦૦૦ રાઉન્ડ ફાયરિંગ
૮ માર્ચ : ૨૧ જેટલી પાકિસ્તાની બોટો દ્વારા તબક્કાવાર થયેલી ઘુસણખોરી અટકાવવા બી.એસ.એફ. દ્વારા મધરાતથી સવાર સુધીમાં ૮૦૦ રાઉન્ડ ફાયરિંગ
મુંબઈ-હૈદરાબાદ બ્લાસ્ટની કડીઓ હરામીનાળા સાથે સંકળાયેલી છે.
પાકિસ્તાન દ્વારા આંચરાતી ભાંગફોડીયા પ્રવૃતિમાંં હરામીનાળાનું કનેક્શન જોડાયેલું છે.
ના-પાક કૃત્યો માટે પંકાયેલા નાળાને ‘હરામી’ નામ મળ્યું
ભારત પાકિસ્તાનનાં ભાગલા પડયા ત્યારથી પાકિસ્તાની ઘૂસણખોરોનો ડોળો આ દૂર્ગમ વિસ્તાર પર છે. સ્મગલીંગથી માંડીને ડ્રગ્સ અને નકલી ચલણી નોટોને ભારતમાં ઘૂસાડવા માટે છેક એ સમયથી આ નાળાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘૂસણખોરીની પ્રવૃતિની સાથે આ પ્રકારના ગોરખધંધાઓના ધીમે ધીમે થઈ રહેલા વિકાસને કારણે ગુજરાતનાં દેશી તળપદા શબ્દ ‘હરામી’ નામથી આ નાળાનું સંબોધન થવા લાગ્યું.
ભારતીય સૈન્યને ‘ભરતી-ઓટ’ની મૂશ્કેલી
૨૦ દરિયાઈ માઈલ લાંબા હરામીનાળાનો ૧૨ દરિયાઈ માઈલ જેટલો ભારતમાં આવેલો વિસ્તાર ભરતી અને ઓટના એરિયામાં આવે છે. પંદર દિવસ સુધી અહી દરિયાનું પાણી ભરાઈ જાય છે, જ્યારે પંદર દિવસ માટે પાણી જતું રહેતા અહી કાદવ-કિચડ(દલદલ)નું સામ્રાજ્ય હોય છે. જ્યારે પાકિસ્તાનમાં આવેલો ૮ દરિયાઈ માઈલના નાળામાં કાયમીના ધોરણે પાણી ભરાયેલું રહે છે. માટે ઘૂસણખોરો ઈચ્છે ત્યારે પાણીમાં નાની હોડીઓ ઉતારીને આસાનીથી બોર્ડર સુધી આવી શકે છે.
કાદવ, પાણી, રેતી પર દોડતું ‘એ.ટી.વી.’ લશ્કરને અપાશે
કચ્છ બોર્ડર પર હરામીનાળા ખાતેથી વારંવાર થતી ઘૂસણખોરી રોકવા માટે કાદવ-કિચડ અવરોધ રૃપ બની રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા આ વિસ્તારની સુરક્ષા માટે ખાસ પ્રકારના બનેલા ‘એ.ટી.વી.’ લશ્કરના જવાનોને આપવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. સરકાર દ્વારા એની ટેરેઈન વ્હીકલ નામના ખાસ વાહનો સુરક્ષા માટે મૂકવાની તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. આ વાહનો રસ્તો હોય કે પાણી, રણની રેતી હોય કે કાદવ-કિચડ, કોઈ પણ જગ્યાએ ચાલી(આમ તો ચાલી નહી પણ દોડી) શકે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયને રિપોર્ટ મોકલાવાયો
કચ્છના ખાવડા નજીકની ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય ભૂ-સીમા પર ક્રોસ બોર્ડર ફાયરિંગ થયાના બનાવ પછી આ બાબતે ગૃહ મંત્રાલયને એક રિપોર્ટ સરહદી સલામતી દળના અધિકારીઓએ મોકલાવ્યો છે. કચ્છનાં રણમાં પાકિસ્તાની સીમા નજીકના કેટલાક સરહદી વિસ્તારોને સંભાળતી સરહદી સલામતી દળની ૪૮મી બટાલિયનના જવાનોને પાકિસ્તાની વિસ્તારમાં પ્રમાણમાં ખૂબ નજીકથી ફાયરીંગના અવાજો સંભળાતા જવાનોએ પણ પોઝિશન લઈ લીધી હતી.