નવી દિલ્હી, તા.૧૫
ભારતમાં ઇન્સ્ટિટયૂટ શરૂ કરવા ઇચ્છતી વિદેશી યુનિર્વિસટીએ રૂ. ૫૦ કરોડ કોર્પસ ફંડ તરીકે જમા કરાવવા પડશે અને ભારતમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ થકી થનારો નફો આ યુનિર્વિસટીઓ સ્વદેશ પરત લઇ જઇ શકશે નહીં. વિદેશી શિક્ષણ સંસ્થાઓને ભારતમાં પ્રવેશ અને કામકાજની મંજૂરી માટે કેન્દ્રીય કેબિનેટે આજે મંજૂર કરેલા એક ખરડામાં આ આકરી શરતો રજૂ કરવામાં આવી છે.
કેબિનેટ દ્વારા આજે લેવાયેલા અન્ય નિર્ણયોમાં ચા, રબર તથા અન્ય પ્લાન્ટેશન્સમાં જોડાયેલા કામદારોના આરોગ્ય, સલામતી અને કલ્યાણના ધોરણો સુધારવા અંગેના પ્લાન્ટેશન લેબર (અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૦૮ને અને દેશભરમાં હાઇવેઝની ડિઝાઇન, બાંધકામ તથા જાળવણીના ધોરણો, મોટર વ્હીકલ્સ માટે સલામતીનાં ધોરણો અને ટ્રોમા સેન્ટર્સ માટે ભલામણ કરવા રાષ્ટ્રીય સંસ્થા રચવા અંગેના ખરડાના મુસદ્દાને મંજૂરીનો સમાવેશ થતો હતો. સુપ્રીમ કોર્ટના અને હાઇકોર્ટ્સના ન્યાયાધીશોની ગેરવર્તણૂકને લગતી ફરિયાદોના સંબંધમાં ન્યાયિક ધોરણો નક્કી કરવા અને કાર્યપદ્ધતિ તૈયાર કરવા અંગેના ખરડા મામલે નિર્ણય મોકૂફ રખાયો હતો.
ચાર વર્ષ સુધી અદ્ધરતાલ રહેલું ફોરેઇન એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂશન (રેગ્યુલેશન ઓફ એન્ટ્રી એન્ડ ઓપરેશન) બિલ, ૨૦૧૦ વડાપ્રધાન મનમોહનસિંહની અધ્યક્ષતા હેઠળની કેન્દ્રીય કેબિનેટે કોઇ ફેરફાર વિના મંજૂર કર્યું હતું. આ સાથે જ ખરડો સંસદમાં રજૂ કરવાનો માર્ગ મોકળો થયો છે.
ખરડાની મુખ્ય જોગવાઇ એ છે કે, ભારતમાં શિક્ષણ સંસ્થા શરૂ કરવા ઇચ્છુક વિદેશી યુનિર્વિસટીએ રૂ. ૫૦ કરોડ કોર્પસ ફંડ તરીકે જમા કરાવવા પડશે. દરેક ઇન્સ્ટિટયૂટે યુનિર્વિસટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) કે અન્ય નિયમનકારી સંસ્થામાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ખરડાની એક જોગવાઇ અંતર્ગત, કોઇ યુનિર્વિસટીની ઇન્સ્ટિટયૂટથી રાષ્ટ્રીય સલામતી પર વિપરીત અસર પડે તેમ હોવાનું સરકારને લાગે તો તે યુનિર્વિસટીની અરજી સરકાર ફગાવી શકશે.
વિદેશી ઇન્સ્ટિટયૂટ્સને કંપનીધારાની કલમ ૨૫ હેઠળની જોગવાઇઓ પણ લાગુ પડશે. આ જોગવાઇઓ અંતર્ગત ઇન્સ્ટિટયૂટ્સ ભારતમાંથી થનારો નફો સ્વદેશ પરત લઇ જઇ શકશે નહીં. તેમણે તે રકમ ભારતમાં ઇન્સ્ટિટયૂટ્સના વધુ વિસ્તરણના કામમાં જ ખર્ચવાની રહેશે.
વિદેશી શિક્ષણ સંસ્થાઓ કન્સલ્ટન્સી પ્રોજેક્ટ્સ જેવી અન્ય પ્રવૃત્તિઓમાં પણ જોડાઇ શકશે અને આ પ્રોજેક્ટ્સથી થનારો નફો સ્વદેશ લઇ જઇ શકશે.
વિદેશી શૈક્ષણિક સંસ્થાઓને ભારતમાં કેમ્પસ શરૂ કરવા માટેની મંજૂરી આપવા પ્રસ્તાવિત ખરડામાં સમય આધારિત માળખું રજૂ કરાયું છે. તે મુજબ, આ ગાળા દરમિયાન વિદેશી સંસ્થાઓએ વિવિધ સ્તરની રજિસ્ટ્રેશન પ્રોસેસમાંથી પસાર થવું પડશે અને છેવટે યુજીસી કે અન્ય નિયમનકારી સંસ્થામાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
નિયમનકારી સંસ્થા વિદેશી યુનિર્વિસટીઓની દરખાસ્તોની ઝીણવટભેર ચકાસણી કરશે અને જે-તે યુનિર્વિસટીને ભારતમાં કેમ્પસ શરૂ કરવા મંજૂરી આપવી કે નહીં તે અંગે સરકારને સલાહ આપશે.
ભારતમાં કેમ્પસ શરૂ કરતી વિદેશી યુનિર્વિસટીઓને અનામતના કાયદા લાગુ પડશે નહીં, તેમ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલ અગાઉ કહી ચૂક્યા છે.