વાંસદા, તા.૧૫
વાંસદા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી બીએસએનએલ કંપનીના રઢીયળ કારભારને પગલે પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે. બીએસએનએલના મોબાઈલમાં નેટવર્ક પકડાતું નથી. તો ક્યારેક લેન્ડલાઈન સેવા ઠપ થઈ જાય છે. જેના કારણે કચેરી, સંસ્થા અને વેપારીઓના કામો અટવાઈ રહ્યા છે. વાંસદા પંથકમાં છેલ્લા ઘણાં સમયથી મોબાઈલ અને લેન્ડલાઈન ધારકો મુશ્કેલી વેઠી રહ્યા છે.
ગત ૧૪મી માર્ચના રોજ સવારથી બીએસએનએલની લેન્ડલાઈન સેવા ઠપ થઈ હતી. જેના કારણે પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. લેન્ડલાઈન સેવા ઠપ થવાથી લોકોના કમ્પ્યૂટરના ફેક્સના કામો અટવાયા હતા સાથે સાથે લોકો એસટીડીનો ઉપયોગ કરી શક્યા ન હતા. ફોન સેવા ઠપ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તેવી જ રીતે છેલ્લા કેટલક સમયથી બીએસએનએલના રેઢિયાળ કારભારથી મોબાઈલમાં નેટવર્કની સમસ્યા વર્તાઈ છે. ચાલુ મોબાઈલ ફોન કટ થઈ જવું, ઘરમાં કે ઓફિસમાં મોબાઈલ નેટવર્ક ન પકડાવા, જેવી સમસ્યાને લઈ લોકો બીએસએનએલને બદલે હવે ખાનગી કંપની મોબાઈલ અને લેન્ડલાઈન સેવા તરફ વળે તેવી સ્થિતિ ઉદભવી છે. જો સત્વરે આ સમસ્યાનું નિરાકરણ ન થશે તો આવનાર દિવસોમાં વાંસદા તાલુકામાં બીએસએનએલ માત્ર નામનું જ રહી જશે.