મહેસાણા તા.૧૫
મહેસાણા ખાતે લાખવડી ભાગોળ વિસ્તારના રોહિતવાસમાં પાણીની સમસ્યાના મામલે રોષિત બનેલી મહિલાઓએ નગરપાલિકામાં હંગામો મચાવ્યો હતો અને સીટી એન્જિનીયરની ઓફિસ સામે માટલાં ફોડવામાં આવ્યાં હતાં. આ વિસ્તારમાં પાણીની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકાએ પ્રશ્ન હલ કરવામાં ઉદાસીનતા દાખવી હતી. લાખવડી ભાગોળ વિસ્તારના રોહિતવાસમાં પાણીનો પ્રશ્ન ન ઉકેલાય તો જલદ કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર મહેસાણા ખાતે લાખવડી ભાગોળ વિસ્તારમાં ઘણા સમયથી પાણીની અછત વર્તાઈ રહી છે. રોહિતવાસમાં અપૂરતું પાણી આવતાં અગાઉ મહેસાણા પાલિકામાં રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો. પાણીની સમસ્યાથી તંગ થયેલી રોહિતવાસની મહિલાઓ વિફરી હતી અને ખાલી માટલાં સાથે પાલિકાની કચેરીમાં પહોંચી હતી.
ઉશ્કેરાયેલી મહિલાઓએ પાલિકા કચેરીમાં હંગામો મચાવ્યો હતો અને એન્જિનીયરની ઓફિસ સામે માટલાં ફોડયાં હતાં. નોંધપાત્ર છે કે, ઉનાળાની શરૃઆત થતાં જ મહેસાણાના શહેરી વિસ્તારોમાં પાણીની સમસ્યા વકરતી જાય છે. નાગલપુર વિસ્તારના રહીશોએ પણ પાણીના મુદ્દે મૌખિક રજૂઆત કરી હતી.
નાગલપુર નજીકની સોસાયટીઓમાં પાણીના મુદ્દે રહીશોમાં આક્રોશ
મહેસાણાના નાગલપુર વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશોને એક સપ્તાહથી પીવા લાયક પાણી ન મળતાં રોષે ભરાયા હતા. આજે સવારે સોસાયટીનાં રહીશોએ નગરપાલિકામાં પાણીના મુદ્દે મૌખિક રજૂઆત કરી હતી. રહીશો પાણી મેળવવા નળ નજીક ઊંડા ખાડા કરવા છતાં પણ પાણી મળતું નથી. નાગલપુર વિસ્તારને નગરપાલિકામાં સમાવાયા બાદ વધુ મુશ્કેલીઓનો સામનો રહીશો કરી રહ્યા છે. એક સપ્તાહથી ઉનાળાના શરૃઆતના દિવસોમાં નગરપાલિકા દ્વારા છોડવામાં આવતાં પાણીના ધાંધિયા થતાં ધનલક્ષ્મી સોસાયટી તેમજ વિજયાલક્ષ્મી સોસાયટીના રહીશોએ પાણી મેળવવા નળની નજીકમાં મસ મોટા ખાડાં કરી પાણી મેળવવા પ્રયત્નો નિષ્ફળ નિવડયા હતા. પાણીની સમસ્યા હલ કરવા સોસાયટીના રહીશો નગરપાલિકામાં દોડી આવ્યા બાદ પાણી મુદ્દે મૌખિક રજુઆત કરી હતી.