ગાંધીનગર, સોમવાર
આવતીકાલનો દિવસ ગાંધીનગર માટે અતિ મહત્વનો બની રહેશે. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ગોધુલિ સમયે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની રચના માટેની જાહેરાત થવાની સંભાવના છે. અત્યાર સુધી આ મામલે અકળ મૌન ધારણ કરીને બેઠેલા શહેરી મંત્રી પોતાની જાહેરાત કરે તેવી અટકળો છે.
પાટનગર ગાંધીનગર માટે મહાનગરપાલિકાની રચના અંતર્ગત અત્યાર સુધી વિધાનસભ્યો દ્વારા સરકારને પ્રશ્નો પૂછવામાં આવ્યા. પરંતુ દરેક સમયે સમયના અભાવે આ મહત્વનો પ્રશ્ન ગૃહમાં ચર્ચામાં આવી શક્યો નથી તેથી આ મામલો આજદિન સુધી રહસ્ય બની રહ્યું છે. પરંતુ સમગ્ર રહસ્ય પરથી પડદો આવતીકાલે ૧૬મીના મંગળવારે ઉંચકાઈ જશે. ગાંધીનગરને કોર્પોરેશન આપવાની બાબત સરકારની વિચારણા હેઠળ હોવાનું તથા નિર્ણય થયેલી અમલી બનાવવાનો ઈરાદો સરકારે સભ્યોને આપેલા જવાબ દ્વારા વ્યક્ત કરી દીધો છે. આવતીકાલે અસ્સલ વાત ખૂલીને બહાર આવી જશે. મહાનગરપાલિકાની રચના માટેની હાઈકોર્ટે આપેલા ચૂકાદાની મુદત ૧૭મીના બુધવારે પુરી થાય છે. આથી જે પણ કંઈ કરવું હશે તે માટે સરકાર પાસે આવતીકાલનો છેલ્લો દિવસ રહેશે. જોકે શહેરી મંત્રીએ પણ ૧૬મીના મંગળવાર સુધી રાહ જોવાનો આડકતરો ઈશારો કર્યો હતો. હવે ઈંતેજારીની ઘડીઓ ગણાઈ રહી છે.
મહાનગરપાલિકાની રચનાની જાહેરાત માટે કાઉન્ટડાઉન શરૃ થઈ ગયું છે. હવે સરકાર દ્વારા જાહેર કરવાના આડે ગણતરીના કલાકો રહ્યા છે. આજે સોમવારે દિવસભર શહેરી અગ્રણીઓ તથા સરકારી કર્મચારીઓમાં આ બાબત ચર્ચની એરણે રહી હતી. આ સાથે જ શરૃ થનાર વસતી ગણતરીની પ્રક્રિયા માટે સરકારી કર્મચારીઓને ટ્રેનીંગ આપવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રના ૩૦થી ૩૫ જેટલા કર્મચારીઓને વસતી ગણતરીની કાર્યવાહીથી અવગત કરવામાં આવ્યા હતા. આગામી ૨૧ એપ્રિલથી વસતી ગણતરી શરૃ થશે. જે માટે પહેલા હાઉસ કાઉન્ટીંગ થશે તેને નંબર આપવામાં આવશે. ઘરની સંખ્યા પરથી બ્લોક નક્કી થશે. સામાન્ય રીતે ૧૫૦ મકાનો અથવા તો ૬૦૦ જેટલી વસતી જે વધુ હોય તેને આધારે બ્લોકની રચના કરાશે. ૨૦૦૧ની વસતી ગણતરી પ્રમાણે પાટનગર ૩૭ વોર્ડ અને ૩૫૪ બ્લોકમાં વિભાજીત હતું. પરંતુ આ વખતે લગભગ એકસો જેટલા બ્લોક વધવાની શક્યતા છે.
આવતીકાલે ૧૬મીના મંગળવારે સવારે ૮.૩૦ કલાકથી વિધાનસભા શરૃ થશે. પ્રારંભમાં આરોગ્ય વિભાગ, શ્રમ અને રોજગાર, ઉદ્યોગ અને ખાણ વિભાગ વગેરેની માંગણીઓ ચર્ચાશે. સરકાર દ્વારા અલગથી રચવામાં આવેલો વિભાગ ક્લાઈમેન્ટ ચેન્જ પણ ચર્ચામાં છે. ત્યારબાદ બપોરે ૨.૩૦ કલાકે પ્રશ્નોત્તરી અને પછી શહેરી વિકાસ વિભાગની માંગણીઓ આવશે. સાંજે લગભગ ૬.૩૬ કલાક મહત્વની ઘડી બની રહેશે. જ્યારે પાટનગર ગાંધીનગરને ચૈત્રનો બેસતો મહિનો તથા નવરાત્રીના પ્રથમ દિને સરકારની જાહેરાત સાથે કંઈક સૌગાદમાં મળશે.