નવસારી તા. ૧૫
નવસારી જિલ્લાના ઐતિહાસિક દાંડી ગામ ખાતે આ વર્ષે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના ૬૧માં ગાંધીમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે, હાલમાં દાંડી યાત્રાની ૮૦માં વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે ત્યારે દાંડી ખાતે આગામી તા.૨૭ માર્ચથી તા.૨૯ માર્ચ દરમિયાન યોજાનારા ગાંધી મેળામાં માત્ર ખાદી અને ગ્રામોદ્યોગ જ નહીં પરંતુ સજીવ ખેતી અને આરોગ્ય વિષયક બાબતોનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે.
નવસારીના ઐતિહાસિકત દાંડી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર આગામી તા.૨૭મી માર્ચથી તા. ૨૯મી માર્ચ એમ ત્રણ દિવસ દરમિયાન યોજાનારા ૬૧માં ગાંધીમેળામાં માત્ર ખાદી અને ગ્રામોદ્યોગના સ્ટોલ નહીં હોય તેની સાથે સાથે ખેડૂતોને સજીવ ખેતી અને આરોગ્ય વિષયક માહિતી આપવામાં આવશે. ઉપરાંત ગાંધી વિચારધારા અને તેને વરેલા કર્મઠ કાર્યકરોનું સંમેલન વગેરે યોજવામાં આવશે.
તે ઉપરાંત દાંડી પંથકના યુવાનો અને મહિલા મંડળો, શૈક્ષણિક સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ વગેરે પણ આ ગાંધીમેળામાં જોડાય રહ્યા છે, જ્યારે નવસારી જિલ્લા પંચાયત જલાલપોર તાલુકા પંચાયત, મરોલી સુગર, ગણદેવી સુગર, વસુધરા ડેરી, જિલ્લા સહકારી બેન્ક, માનવ કલ્યાણ ટ્રસ્ટ, કસ્તુરબા સેવા આશ્રમ, ગાંધીઘર કછોલી, નવસારી-વલસાડ જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ સહકારી મંડળી સહીત અનેક સંસ્થાઓ ભાગ લઇ રહી છે, હાલમાં આ મેળા અંગેનું કાર્યાલય નવાસરી ખાદી ભંડાર, કન્યાશાળા નં.૧ સયાજી રોડ ખાતે કાર્યરત કરવામાં આવ્યુ છે.