બેંગલોરમાં ઈસરો સેન્ટરની બહાર ગોળીબાર : બે ફરાર

Mar 16,2010 Home > National >Article
 
Tags:   isro comment    e-mail    print    
 
Viewed 1854
Rate 5.0
Rating
Read in English
Bookmark The Article
 
 

બેંગલોર, તા.૧૬

બેંગલોરના ઈસરો કેન્દ્રના સુરક્ષા જવાનો પર મંગળવારે વહેલી સવારે અજાણ્યા ઈસમોએ ગોળીબાર કર્યો હોવાના અહેવાલ છે. બેંગલોર નજીક બ્યાલાલુ ખાતે આવેલા ભારે સુરક્ષા વ્યવસ્થા ધરાવતા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ની બહાર ફરજ બજાવતા સુરક્ષા જવાનોએ જણાવ્યું હતું કે તેમની ઉપર બે અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો. ગૃહપ્રધાન ચિદમ્બરમે તથા ઈસરોના અધિકારીઓએ આ ત્રાસવાદી હુમલો હોવાની શક્યતા નકારી દીધી હતી.

બેંગલોર શહેરથી આશરે ૪૦ કિલોમીટરના અંતરે સ્થિત બ્યાલાલુમાં ડીપ સ્પેસ નેટવર્ક કેન્દ્ર છે. અહીં ચંદ્રયાન જેવા અનેક ઉપગ્રહોએ મોકલેલી માહિતી મેળવીને પૃથક્કરણ કરવામાં આવે છે. સુરક્ષા જવાનોએ વહેલી પરોઢે ૩.૨૦ કલાકે કમ્પાઉન્ડ દીવાલ પાસે અજાણ્યા ઈસમોને શંકાસ્પદ હિલચાલ કરતાં જોતાં તેમની ઓળખાણ માગી હતી. જવાબમાં તેમને દેશી તમંચો કાઢીને ગોળીબાર કર્યા હતા. અને ગોળીબાર કરતાં કરતાં અંધારાનો લાભ લઈ ભાગી છૂટયા હતા. ઈસરો કામ્પ્લેક્સમાં બાંધકામ ચાલતું હોવાથી અહીં આખી રાત રેતીની ટ્રકો ખાલી કરવામાં આવે છે.

બનાવ બાદ સમગ્ર બેંગલોરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. સંસ્થાના પ્રવક્તા એસ.સતીષે કહ્યું હતું કે, બનાવમાં કોઈને પણ ઈજા અથવા તો ખુવારી થઈ નથી. પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે અને તપાસ હાથ ધરાઈ છે. ઘટનાસ્થળે હુમલાખોરોની ગોળીઓના ખાલી કારતૂસ કે કમ્પાઉન્ડની દીવાલ પર ગોળીના નિશાન જોવા મળ્યા નથી. અહીંના એડીજીપીએ જણાવ્યું હતું કે બહારથી ગોળીબાર થયાનાં કોઈ ચિહ્નો જોવા મળતાં નથી.

મુખ્ય દરવાજા પાસેથી વળતો ગોળીબાર કરનાર જાધવ નામના જવાને છોડેલી આઠ ગોળીઓમાંથી છના ખાલી કારતુસ મળી આવ્યા હતા. સલામતી દળના અન્ય જવાનો અને સ્ટાફની આ ઘટના સબંધે પૂછપરછ ચાલી રહી છે.

 ગૃહમંત્રાલય ઈસરોની ઈમારતને ત્રાસવાદીઓ માટેના સૌથી પ્રાથમિકતાના ટાર્ગેટ તરીકે ગણે છે. સંભવિત ત્રાસવાદી હુમલાની ચેતવણી બાદ ઈસરોની ઈમારતની આસપાસ પહેલાથી જ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગોળીબાર કરનાર બંને શખસો કોણ હતા તે અંગે હજુ જાણી શકાયું નથી.

શૂટઆઉટના દાવા અંગે પોલીસને શંકા

આતંકવાદી હુમલો હોવાનો ચિદમ્બરમનો ઈનકાર

તમામ પ્રકારની દહેશતને ફગાવી દઈને કેન્દ્રીય ગૃહપ્રધાન પી.ચિદમ્બરમે આજે કહ્યું હતું કે બેંગલોરમાં ઈસરોની સુવિધાની બહાર આજે થયેલો ગોળીબાર કોઈ આતંકવાદી હુમલો ન હતો. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે પ્રાથમિક અહેવાલ દર્શાવે છે કે ઈસરો ખાતે ફરજ બજાવતા જવાનો પર બે શખસોએ વહેલી સવારે ૧૦થી ૧૫ મીટરના અંતરથી ગોળીબાર કર્યો હતો. હુમલાખોરોએ તેમના ચહેરા ઢાંકેલા હતા. સુરક્ષાની ફરી સમીક્ષા કરવા સીઆઈએસએફને કહેવામાં આવ્યું છે. દરમિયાન, ગૃહ રાજ્યપ્રધાનને પણ આ મામલામાં ધ્યાન આપવા કહેવામાં આવ્યું છે. બીજી બાજુ ઈસરો નજીક શૂટઆઉટના દાવા અંગે પોલીસે શંકા ઉઠાવી છે. ઈસરોની બહાર બે લોકો અને તેમની વચ્ચે સામ સામે ગોળીબાર થયો હતો તેવા સીઆઈએસએફના કોન્સ્ટેબલના દાવા અંગે પણ પોલીસે શંકા ઉઠાવી છે. પોલીસે કહ્યું છે કે ઘટનાસ્થળે કોઈપણ ખાલી કારતૂસ મળી આવ્યા નથી અથવા તો બાઉન્ડરીની દીવાલ પર બુલેટના કોઈ નિશાન પણ મળ્યા નથી. બહારથી કોઈપણ ગોળીબાર થયો નથી તેવો દાવો પોલીસે કર્યો છે.

બ્યાલાલુ કેન્દ્ર શું છે?

ઈન્ડિયન ડિપ સ્પેશ નેટવર્ક બેંગલોર નજીક બ્યાલાલુ ગામ ખાતે ૨૦૦૮માં શરૃ કરવામાં આવ્યું હતું. આઈડીએસએનમાં ટેક્નિકલ સુવિધાઓ આવેલી છે. જેમાં ૩૨ મીટર ડિપ સ્પેશ એન્ટેના, ૧૮ મીટર એન્ટેના ર્ટિમનલ, ૧૧ મીટર એન્ટેના ર્ટિમનલ, ઈન્ડિયન સ્પેશ સાયન્સ ડેટા સેન્ટર અને ટેક્નિકલ ર્સિવસ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે. આઈડીએસએન તેના પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે જેના વડે ઈસરો અવકાશયાનો સાથે સંદેશાવ્યવહાર કરી શકે છે.

 

  • અજાણ્યા ઈસમોને સુરક્ષા કર્મચારીએ પડકારતાં તેમણે ગોળીબાર કર્યો
  • અજાણ્યા હુમલાખોરોના કોઈ સગડ કે તેમની ગોળીના કારતૂસ મળ્યા નથી
 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com