વોશિંગ્ટન, તા. ૧૬
હાફિઝ સઈદ સહિતના ભારત વિરોધી ત્રાસવાદીઓ સામે પાકિસ્તાનના નિષ્ક્રિય વલણ વિષે સ્પષ્ટ ચેતવણી આપતાં ભારતના વિદેશ સચિવે ભારતની મર્યાદાને નબળાઈ ન માની લેવાની ચેતવણી આપી હતી. વોશિંગ્ટનના વૂડ્રો વિલ્સન કેન્દ્ર ખાતે નાગરિકો સાથે પ્રશ્નોત્તરના એક કાર્યક્રમમાં વિદેશ સચિવે જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં સર્વાંગી શાંતિ-વાર્તા ખૂબ જ મુશ્કેલ છે.
ત્રાસવાદનો ભોગ બનેલા પાકિસ્તાન સાથે સર્વાંગી શાંતિ-વાર્તા માટે ભારત ના કેમ પાડે છે તેવા લાહોરના નિવાસી એવા એક પાકિસ્તાનીના પ્રશ્નનો વિદેશસચિવ જવાબ આપી રહ્યા હતાં. વિદેશ સચિવ નિરુપમા રાવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વએ જેને ત્રાસવાદી જાહેર કર્યા છે તે હાફિઝ સઈદ અને જમાત ઉદ દાવા અને લશ્કરે તોઈબા જેવા તત્ત્વોને પાકિસ્તાનમાં છૂટથી ફરવા દેવાય છે, તેઓ મીડિયા સાથે વાત કરી શકે છે, ભારત વિરુદ્ધ મનફાવે તેમ ઝેર ઓકી શકે છે એ વાત અમારા માટે ચિંતાજનક છે.
ભારતમાં સામાન્ય લોકલાગણી એવી છે કે, અમે ખૂબ લાંબા સમયથી ખૂબ બધું સહન કર્યું છે. છતાં પાકિસ્તાનના આતંકી તત્ત્વો ખુલ્લેઆમ ભારત પર હુમલાના પડકાર કરી શકે છે. આ બધું જ ભૂલીને શાંતિ-વાર્તા આગળ ધપાવવી શક્ય નથી. એટલે જ હાલ સર્વાંગી શાંતિ-વાર્તા ખૂબ ખૂબ મુશ્કેલ છે. છતાં અમે શાંતિ-વાર્તાના દરવાજા સાવ બંધ નથી કરી દીધા. અમે વિદેશ સચિવ કક્ષાએ તાજેતરમાં જ વાત કરી હતી. પરંતુ ભારતની આ માનવતાને નબળાઈ માનવાની ભૂલ કોઈએ કરવાની જરૃર નથી. ભારત જાતે પણ એ ત્રાસવાદીઓ સામે પગલાં ભરી શકે તેમ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે અમે પાકિસ્તાન સરકારને કહ્યું હતું કે તેઓ ત્રાસવાદને કાબૂમાં લઈ શકશે તેવી બાંહેધરી આપે તો સર્વાંગી શાંતિ-વાર્તા માટે આગળ વધી શકાય. પરંતુ આજે પાક. સરકાર કહે છે કે તે ત્રાસવાદને નાથવાની ખાતરી આપી શકે તેમ નથી. આવા સંજોગોમાં પાકિસ્તાની ધરતી ઉપરથી પ્રેરિત ત્રાસવાદી હુમલાઓનો વારંવાર ભોગ બની ચૂકેલા ભારતીય પ્રજાજનોે સર્વાંગી શાંતિ-વાર્તાને ટેકો આપી જ ન શકે.
અમે પાકિસ્તાનને અસ્થિર બનાવવાની આક્રમક યોજના બનાવી નથી, અમે તો ઈચ્છીએ છીએ કે તે સ્થિર અને વિકાસશીલ રાષ્ટ્ર બને.
નિરુપમા રાવે અફઘાનિસ્તાન વિષે વાત કરતાં કહ્યું હતું કે ભારત ત્યાંથી ઉચાળા ભરે તે માટે ત્રાસવાદી હુમલા કમરાઈ રહ્યા છે. પરંતુ અમે ત્યાંથી ઉચાળા ભરવાના નથી. અમારા માણસોની સલામતી માટે કડક જોગવાઈઓ કરવાના છીએ. અહીં પરિસ્થિતિ થાળે પડે ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય સમાજે હાજરી રાખવી જરૃરી છે.
-
અમારી માનવતાને નબળાઈ માનવાની ભૂલ ન કરશો
-
વોશિંગ્ટનમાં વિદેશ સચિવ નિરુપમા રાવનો ટંકાર
-
ત્રાસવાદી તત્ત્વો ભારત વિરુદ્ધ બેફામ ઝેર ઓકે છે તે ચલાવી લેવાય નહીં