લખનૌ, તા. ૧૬
કોઇ રાજકીય નેતાનું કદાચ આ સૌથી ખર્ચાળ સન્માન હોઇ શકે છે. રાજકારણીઓને સિક્કાઓથી તોલીને અને ચલણી નોટોના હાર પહેરાવીને સન્માન કરવાનું ચલણ ભારતમાં વર્ષો જૂનું છે. પણ ગઇકાલે દલિત નેતા અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન માયાવતીને પહેરાવવામાં આવેલા હારમાં રૃ. ૧,૦૦૦ની ચલણી નોટોએ ફરી એક વખત માયાની ‘માયા’ની ચર્ચા જગાડી છે. આ વિશાળકાય હારમાં કુલ રૃ. બેથી પાંચ કરોડની નોટો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ હારે તો ભારે વિવાદ જન્માવ્યો છે. માયાના આ ‘મની’ હારની આજે સંસદની અંદર અને બહાર ખાસી ટીકા કરવામાં આવી હતી. તેમના વિરોધ પક્ષોએ તો આ હારના નાણાંના સ્ત્રોતમાં કેન્દ્રીય તપાસની માગણી પણ કરી છે. જેને અનુલક્ષીને હવે આવકવેરા વિભાગ આ હારના મૂળની તપાસ કરશે. કોંગ્રેસની આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ પણ કેન્દ્રીય તપાસની માગમાં સૂરમાં સૂર પુરાવ્યો હતો.
નાણાંની રેલમછેલ કરવાના મામલે માયાવતી અગાઉ પણ વિવાદોમાં ઘેરાયેલા રહ્યાં છે. પોતાના જન્મદિવસે ડોનેશન્સ ઉઘરાવવા તો તેમના એક ઉત્સાહી કાર્યકર્તાએ તો તેમને ચંદ્ર પર પ્લોટ આપીને ભારે વિવાદ જન્માવ્યો હતો. તેમના ડાયમંડ જ્વેલરીના સેટ્સ અને તેમની પ્રતિમાઓની ચર્ચા તો રાજકીય વર્તુળોમાં સતત થતી રહે છે. પરંતુ સોમવારે પોતાની પાર્ટીના ૨૫ વર્ષ અને તેના સ્થાપક કાંશીરામની ૭૬મી જન્મ જયંતીની ઉજવણીએ તો છાક્કો પાડી દીધો હતો.
આ હારનું મૂળ ક્યાં છે તે હાલમાં જાણી શકાયું નથી કેમ કે બીએસપીના નેતાઓ આ બાબતે એકદમ ચૂપકીદી સેવી રહ્યા છે. પ્રારંભિક અહેવાલો એવા છે કે આ હાર પાર્ટીના કર્ણાટક એકમમાંથી આવ્યો છે. પરંતુ કર્ણાટક યૂનિટના વી.એન. શર્માએ આ હાર તેમના યૂનિટમાંથી ભેટ આપવામાં આવી હોવાનો ઇનકાર કર્યો છે. જોકે તેમ કહેવાથી પોતાની જાતને અટકાવી શક્યા ન હતા કે દેશભરમાં બીએસપીના કાર્યકર્તાઓએ ફાળો આપીને તેને તૈયાર કરાવ્યો હશે.
નવેસરથી વિવાદમાં આવનાર માયાવતીની ટીકા કરતાં કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે માયાવતી હવે ‘દલિત કી બેટી’ નથી રહ્યાં. પરંતુ તેઓ ‘દૌલત કી બેટી’ બની ગયાં છે. તેઓ સામાન્ય માનવીના પ્રતિનિધિ ક્યાં રહ્યા છે? આવા જંગી નાણાંના હારની તપાસ થવી જોઇએ.લોકસભામાં એસપી અને કોંગ્રેસના સભ્યોએ આ મામલે ભારે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે બપોરના બે કલાક સુધી ગૃહની કામગીરી મુલતવી રાખવામાં આવી હતી. તેમણે તો આ હારમાં રૃ. ૧૦થી ૧૫ કરોડની ચલણી નોટો હોવાનો અંદાજ મૂક્યો હતો.
માયાવતીની રેલીમાં માખીઓ કોણે છોડી ?
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાને બહુજન સમાજવાદી પક્ષની સ્થાપનાનાં ૨૫ વર્ષ પૂરાં થયાની ઉજવણી માટે લખનૌમાં યોજેલી મહારેલીમાં મધમાખીઓનું ઝુંૂંડ ભારે આતંક મચાવતું રહ્યું હતું. મંચ ઉપર પણ માયાવતી પોતાના પ્રવચનની અધવચ્ચે હતાં ત્યારે જ મધમાખીઓનું ઝૂંડ આવી પહોંચ્યું હતું અને માયાવતી ઊભાં હતાં તેની ઉપર જ છતમાં પૂડો બનાવવા લાગી હતી. જોકે માયાવતીએ તેમનાથી ડર્યા વિના પોતાનું પ્રવચન ચાલુ રાખ્યું હતું.
હવે માયાવતીને આમાં રાજકીય કાવતરું હોવાની ગંધ આવી છે અને તેમણે મધમાખીઓ કોણે મોકલી હતી અને શી રીતે આવી હતી તેની ઝીણવટભરી તપાસ કરવાના આદેશ આપી દીધા છે.