પંચમહાલ-દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

Jun 07,2010 Home > Baroda > Panchmahal-Dahod >Article
 
comment    e-mail    print    
 
Viewed 169
Rate 0
Rating
Bookmark The Article
 
 

ગોધરા, તા.૭

પંચમહાલ જિલ્લામાં સોમવારની વહેલી સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવવા સાથે જાણે ચોમાસાની વિધિવત આગમન થયું હતું. જિલ્લામાં સવારે આઠ વાગ્યાથી દિવસ દરમ્યાન સમગ્ર વિસ્તારોમાં વરસાદી ઝાપટા થયા હતા. જિલ્લાવાસીઓએ ઉકળાટ ભર્યા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં હાશકારો અનુભવ્યો હતો. જો કે લગ્નસરાની જારી રહેલી સીઝનમાં આયોજકો દોડધામ સાથે મુંઝવણમાં મુકાવાનો વખત સર્જાયો હતો.

છેલ્લા ચાર દિવસથી અરબી સમુદ્રમાં સર્જીત થયેલા ચક્રાવાતના પગલે ગુજરાતમાં વરસાદી ઝાપટા અને વાવાઝોડાની આગાહી હવામાન ખાતા તરફથી કરવામાં આવી હતી. જો કે ચક્રાવાત પાકિસ્તાન તરફ ફંટાઇ જતાં ગુજરાત પરથી જોખમ ટળ્યું હતું. જો કે વાતાવરણના આંશિક પલ્ટા વચ્ચે બે દિવસ પૂર્વે મેઘરાજાએ અણધાર્યું આગમન કર્યું હતું. ચોમાસાની ઋતુનું વિધિવત આગમન થયું હોવાના અણસારો વચ્ચે ધરતી પુત્રો ખેતરો સફાઇ કરવા અને ગ્રામ્ય વિસ્તારોમાં મકાનની છત પર મુકેલા નળીયા અને થાપડાના સમાર કામમાં જોતરાયા હતા. મેઘરાજાની પધરામણી વચ્ચે માંગલિક પ્રસંગોનો દોર પણ જારી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં સોમવારે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક આવેલા પલ્ટા વચ્ચે કાળા ડિબાંગ વાદળો સર્જાયા હતા. જિલ્લાના લુણાવાડા સંતરામપુર શહેરા સહિતના નગરોમાં તબક્કાવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી. વહેલી સવારે બિન્દાસપણે નોકરી ધંધાએ જવા માટે નીકળેલા બાઇક સવારો અને રાહદારીઓને વરસાદથી બચવા સલામત સ્થળ શોધવાનો વારો આવ્યો હતો. દિવસ દરમ્યાન તડકા- છાંયડાવાળા વાતાવરણ વચ્ચે મેઘરાજાનું છાંટા રૃપી આગમન સમયાંતરે જારી રહ્યું હતું. સવારે થયેલા વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી ભીંજાયેલી ભીની માટીની સુંગધ વચ્ચે આહલાદક વાતાવરણ સર્જીત થયું હતું. વરસાદની સાથે સાથે નાના ભુલકાઓ પણ ગલીઓમાં ઉતરી આવી મેઘરાજાના આગમનને સ્નાન કરી વધાવી લીધું હતું. જો કે વરસાદી આગમન વચ્ચે માંગલિક પ્રસંગોમાં દોડધામ વચ્ચે વ્યવસ્થા ખોરવાઇ હતી.

આજે દાહોદ શહેર તેમજ જિલ્લાના અન્ય ભાગોમાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ થતાં વરસાદનું ઝાપટું પડયું હતું પ્રથમ વરસાદ આમ તો જો કે વિધિવત ચોમાસાનો તો ન કહેવાય છતાં ધરતીપુત્રોમાં વરસાદી ઝાપટાંના પગલે આનંદ છવાઈ ગયો છે.  અને ખેતીના કામમાં જોતરાવાની તૈયારીઓમાં લાગ્યા છે. આજે વરસાદનું ઝાપટું આવતાં ખરીદી તેમજ અન્ય કામે નીકળેલા દાહોદવાસીઓએ વરસાદી ઝાપટાંથી બચવા કોઈ ઓથ શોધવાનું ટાળી વરસાદના પાણીમાં પલળવાની મજા માણી હતી જ્યારે નાના ટાબરીયાઓએ પણ વરસાદના પાણીમાં છબછબીયા કરવાનો લ્હાવો લીધો હતો. જિલ્લાના અન્ય ભાગોમાં પણ આજે વરસાદી ઝાપટાં પડયાનું જાણવા મળેલ છે.

જાંબુઘોડામાં આજે સવારથી ધીમીગતિના સમાચારની માફક વરસી રહેલા વરસાદે ભારે સાંત્વના આપી હતી. સવારના નવેક વાગ્યાથી પવનના સુસવાટા સાથે આવેલ વરસાદે કેટલાક કલાકોના વિશ્રામ પછી બપોરના ત્રણેકવાગ્યાથી ફરીથી વરસવાનું શરૃ કરતાં વાતાવરણમાં ઠંડક વ્યાપી છે. બપોરના ચાર વાગ્યા સુધી અત્રે ચૌદ મીમી જેટલો વરસાદ પડયો છે. જે હજુ વરસી રહ્યો છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com