સ્ત્રી એક બોસ હોય, સારી હોમ મેકર હોય, સારી પત્ની, મા, બહેન, ભાભી હોય, સારી શિક્ષક, ડોક્ટર, એન્જિનિયર, વકીલ કે પાઇલટ હોય છતાં તેને કાયમ બિચારીમાં જ ખપાવી દેવાય છે. શું તે સંવેદનશીલ છે, તે તેનો ગુનો છે? સ્ત્રીની સંવેદનશીલતાને તેની નબળાઈમાં ખપાવાય છે
આજે પણ શાળા-કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધાથી માંડીને વાર્ષિક પરીક્ષામાં સ્ત્રી અંગે નારી તું નારાયણ, પુરુષસમોવડી સ્ત્રી, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે....જેવા ચીલાચાલુ વિષયો પર જ બોલવાનું કે લખવાનું હોય છે. શાળા-કોલેજમાં જ નહિ, સમાજમાં ચાલતી ચર્ચાઓમાં, માધ્યમોમાં પણ સ્ત્રી સંદર્ભે જૂનવાણી-ઘીસીપીટી જ વાત થતી હોય છે. જ્યારે આજે પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. નબળી, લાચાર કે ઇમોશનલ ગણીને ઉતારી પાડવામાં આવતી મહિલા આજે મક્કમ નિર્ધારવાળી, કરિયર ઓરિયેન્ટેડ અને આધુનિક બની રહી છે. અત્યાર સુધી પુરુષો માટે આરક્ષિત રખાયેલાં ક્ષેત્રોમાં પુરુષો સામે જ પડકારો સર્જી રહી છે. આજની નારી બહુ બદલાઈ ગઈ છે, પરંતુ તેની ઓળખ હજુ લોકમાનસમાં એ જ છે, જે મોટા વિરોધાભાસ સર્જે છે.
આધુનિક ગણાતા સમાજમાં પણ એવી ચર્ચાઓ અને સર્વેક્ષણો ચાલુ રહે છે, જે નારી માટે હજુ સુધી ન બદલાયેલી માનસિકતાની ચાડી ખાય છે. હવે તો સોશિયલ નેટર્વિંકગ સાઇટ પર પણ આ બધી પ્રવૃત્તિ ફૂલી ફાલી છે. થોડા સમય પહેલાં ફોર્બ્સ વિમેન ફેસબુક ક્મ્યુનિટિએ એક સર્વેક્ષણ હાથ ધર્યું હતું અને તેના દરેક સભ્યને એક સવાલ કરવામાં આવ્યો હતો કે તમને લેડી બોસના હાથ નીચે કામ કરવું ગમે કે પુરુષ બોસના? અને તમે માનશો મોટા ભાગની સ્ત્રીઓએ કહ્યું કે ચોક્કસ વળી પુરુષ બોસ સાથે કામ કરવું ગમશે. આજથી વીસ વરસ પહેલાં થયેલા સર્વેક્ષણમાં પણ આ જ તારણ નીકળ્યું હતું, કારણ કે પુરુષ બોસ માટે આપણા મનમાં એક બંધ માનસિકતા છે કે તે સ્ત્રી કરતાં વધારે હોશિયાર, બુદ્ધિશાળી હોય છે. તે ત્વરાથી નિર્ણયો લઈ શકે છે, જ્યારે સ્ત્રી તો સંવેદનશીલ હોવાથી તે નિર્ણાયક બની શકતી નથી અને આ બધામાંથી બાકાત જ રહે છે. એટલે સ્ત્રીના હાથ નીચે કામ કરવામાં બહુ ઓછાને રસ પડે છે.
ઇંગ્લિશમાં સ્ત્રી માટે ‘ફેર સેક્સ’ એવો શબ્દ પ્રયોજાય છે. ફેર સેક્સ એટલે કે ‘સુંદર જાતિ’. સ્ત્રીને સુંદર ગણીને બુદ્ધિશાળીના સમૂહમાંથી બાકાત રાખવામાં આવે છે. સ્ત્રી માટે છાશવારે એવું સંભળાતું હોય છે કે બ્યુટી વિધાઉટ બ્રેઇન. અથવા તો’ બિચારી’, ‘અબળા’ જેવાં વિશેષણો લગાવાતાં રહે છે.
સ્ત્રી એક બોસ હોય, સારી હોમ મેકર હોય, સારી પત્ની, મા, બહેન, ભાભી હોય, સારી શિક્ષક, ડોક્ટર, એન્જિનિયર, વકીલ કે પાઇલટ હોય છતાં તેને કાયમ બિચારીમાં જ ખપાવી દેવાય છે. શું તે સંવેદનશીલ છે, તે તેનો ગુનો છે? સ્ત્રીની સંવેદનશીલતાને તેની નબળાઈમાં ખપાવાય છે. બિઝનેસ કરતી લેડી તો અવારનવાર સાંભળતી હોય છે કે ‘આ બિઝનેઝ છે, તેમાં ઇમોશનની કોઈ જગ્યા જ નથી. તમે સ્ત્રીઓ તો બહુ સેન્ટિમેન્ટલ આવું ચાલે જ નહીં...’ જોકે હવે આધુનિક મેનેજમેન્ટ સ્ટડીઝમાં આઈક્યુની જેમ ઈક્યુ (ઇમોશન ક્વોન્ટમ)ને પણ ઘણું ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે એટલે પરિસ્થિતિ ઘણા અંશે બદલાઈ રહી છે. દેશ-વિદેશમાં અનેક મોટી કોર્પોરેટ ઓફિસીઝ અને મલ્ટિનેશનલ કંપનીમાં ટોપમોસ્ટ હોદ્દાઓ પરથી સ્ત્રીઓ સુચારુ રીતે હેન્ડલિંગ કરે જ છે. અત્યારે દેશમાં બે પ્રેસ્ટિજિયસ બેન્કના સીઇઓના પદ પર બે સ્ત્રીઓ છે. આઈસીઆઈસીઆઈ બેન્કનાં ચંદા કોચર અને એક્સિસ બેન્કનાં શીખા શર્મા, અદ્ભુત સફળતાથી આગળ વધી જ રહ્યાં છે. રાજકારણમાં પણ અનામત વિના અનેક મહિલાઓ સક્રિય છે, તેમની સંખ્યા ભલે ઓછી છે, છતાં તેમનું સ્થાન ઘણું મજબૂત છે. સોનિયા ગાંધી તેનું ઉત્તમ ઉદાહરણ છે. તેમના પતિ રાજીવ ગાંધીના અકાળ અવસાન બાદ તેમણે જે ગરવાઈથી કોંગ્રેસનું સુકાન સંભાળ્યું છે, તે આખું ભારત જાણે છે.
સ્ત્રીની પકડ દરેક ક્ષેત્રમાં વધુ ને વધુ મજબૂત થઈ જઈ રહી છે, તો પણ તેને નીચી પાડવાની પ્રવૃત્તિ ઓછી થઈ નથી. હવે એક એવો ટ્રેન્ડ શરૃ થયો છે કે સ્ત્રીને તેની સ્ત્રીસહજ લાક્ષણિકતા માટે ઊતરતી કમેન્ટ કરીને વધાવી લેવી! એક સફળ સીઈઓ પોતાની હૈયાવરાળ ઠાકલતાં કહે છે કે અમે બધા એક સેમિનાર પતાવીને ડિનરમાં જોડાયા હતા ત્યારે મારી સાથે રહેલાં એક મહિલા અધિકારીએ મારી સાડી તથા જ્વેલરીનાં વખાણ કર્યાં. અમારી જ્વેલરી તથા સાડીની ચર્ચા ચાલુ જ હતી ત્યારે એક પુરુષ અધિકારી વચ્ચે ટપકી પડયા અને બોલ્યા કે ‘બસ બે સ્ત્રીઓ મળી એટલે થઈ રહ્યું કપડાં ને દાગીના સિવાય કોઈ ત્રીજી વાત જ નહી!’ સીઇઓ આગળ જણાવે છે કે હું તો આશ્ચર્યાઘાતથી જોતી જ રહી ગઈ. હજી કલાક પહેલાં તો હું તેમના સહિત ત્રીસ જેટલા ઓફિસરોને મેનેજમેન્ટની તાલીમ આપીને આવી હતી ને તેઓ શું બોલે છે? મેં તો તેમને લાગલું જ સંભળાવી દીધું કે સ્ત્રીઓ પાસે વ્યવસાયની આંટીઘૂંટીને સમજવા ઉપરાંત આર્ટ ઓફ ડ્રેસિંગ અને એપ્રિસિએશન પણ હોય છે.
આ હતી સાવ સીધી વાત કે સીઇઓ મહિલાએ તે અધિકારીને મોં પર સ્પષ્ટ વાત કહી દીધી, પરંતુ સ્ત્રીએ ઘરમાં પણ આવા પ્રશ્નોને ટેકલ કરવા પડે છે. તે પછી કામવાળી બાઈ હોય, ધોબી હોય કે શાકભાજી વેચનાર કાછિયો હોય. ધોબી પાસેથી તે કપડાં ગણીને લે, શાક લેવામાં તોલ પર બાજનજર રાખે, નાની વાતમાં પણ બાંધછોડ ન કરે, પરિવારમાં કોઈને કશું સમજાવવાનંુ હોય તો પણ તેની જવાબદારી તો સ્ત્રીના માથે જ. આટઆટલું કામ અને તેનું સંચાલન છતાં તને ખબર પડતી નથી, તારી બુદ્ધિ ઘાસ ચારવા ગઈ છે...વગેરે મહેણાં સાંભળવા પડતા હોય છે.
આ ચર્ચા ઘણી વિસ્તરી શકે, પરંતુ સાર એટલો જ છે કે આપણા સમાજની સ્ત્રીઓ બદલાઈ છે, પણ તેના પ્રત્યેની સમાજની દૃષ્ટિ હજુ સુધી બદલાઈ નથી. સમાજને આ બદલાયેલી સ્ત્રી નહિ દેખાય તો આંધળાની માફક તેણે જ ક્યાંક ને ક્યાંક ભટકાઈ જવા માટે તૈયાર રહેવું પડશે. આજની સ્ત્રી હવે તમારાં મહેણાં બહુ વાર સુધી સાંખી લેવાની નથી. ઇંટનો જવાબ વહેલો-મોડો આપી જ દેશે, કારણ કે હવે તે બિચારી, અબળા રહી નથી, જેવી તમે તેને માનવાની ભૂલ કરી રહ્યા છો.
બિચારી બનીને નથી રહેવું
ઘણી વાર આશ્ચર્ય થતું હોય છે કે સ્ત્રીને બિચારી કહેવામાં આવે છે તો ક્યારેક જબરીનંુ છોગું પણ હોય જ, પરંતુ આજની પ્રોફેશનલ સ્ત્રી બખૂબી જાણે છે કે ન તો તે બિચારી છે, ન તો તે જબરી છે, તે છે કુશળ મેનેજર. અને એટલે જ તે ઘર અને બહાર, વ્યવહારના બેવડા ને ત્રેવડાં મોરચા સંભાળી જાણે છે. હવે તો સ્ત્રી તેના વિશે થતાં સાચાં-ખોટાં સર્વેક્ષણો સાંભળીને મનમાં ને મનમાં હસતી થઈ ગઈ છે કે તમારે જે કહેવું હોય તે કહો, અમારા વિકાસનું આકાશ તો વિસ્તરતું જ જવાનું.