નવી દિલ્હી, તા.૩૦
સમગ્ર દેશને હચમચાવી રહેલો શોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસ નિષ્પક્ષ ટ્રાયલ માટે ગુજરાત બહાર ખસેડવાની સીબીઆઇએ આજે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી અને શોહરાબુદ્દીનના એન્કાઉન્ટરમાં કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સંડોવણીના આરોપના સમર્થનમાં પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.
આ ચકચારી કેસમાં છ મહિનાથી ચાલતી તેની તપાસ અંગે સીબીઆઇએ સુપ્રીમમાં રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો આ કેસ સંબંધમાં સીધો ઉલ્લેખ નથી પરંતુ ઇન્ટરનલ મેમોમાં મોદીનો અને ગુજરાતના તત્કાલીન ડીજીપી પી. સી. પાન્ડેનો ઉલ્લેખ છે. નોંધનીય છે કે, પાન્ડેને સીબીઆઇએ ૧૧ ઓગસ્ટે પૂછપરછ માટે હાજર થવા સમન્સ પાઠવ્યું છે. ગુજરાતમાં શોહરાબ કેસની મુક્ત અને નિષ્પક્ષ ટ્રાયલ અંગે સીબીઆઇને શંકા હોવાથી તેણે આ કેસ ગુજરાત બહાર તબદીલ કરવાની રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં નિષ્પક્ષ ટ્રાયલ માટે સાનુકૂળ માહોલ નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નરેન્દ્ર મોદી અને પી. સી. પાન્ડે અંગેનો ઇન્ટરનલ મેમો સ્ટેટસ રિપોર્ટના એક ડોક્યુમેન્ટનો અને સીબીઆઇ દ્વારા દાખલ કરાયેલી એફિડેવિટનો એક ભાગ છે. સીબીઆઇએ રજૂઆતમાં એમ પણ કહ્યું હતું કે, વગદાર રાજકારણીઓ અને અમલદારો ટ્રાયલ ખોરવવા સંભવિત તમામ પ્રયાસો કરે તેમ હોવાની તેને ભીતિ છે.
સીબીઆઇએ ગુજરાતના ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી અને મોદીના નિકટના સાથી અમિત શાહની ધરપકડ ભણી દોરી ગયેલી તપાસની સંપૂર્ણ વિગતો સુપ્રીમમાં રજૂ કરી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. સીલબંધ કવરમાં સ્ટેટસ રિપોર્ટ અને એફિડેવિટ આ કેસના મુખ્ય તપાસ અધિકારી અમિતાભ ઠાકુર દ્વારા રજૂ કરાયા હતા.
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, તે શોહરાબુદ્દીનના એન્કાઉન્ટર કેસના એકમાત્ર સાક્ષી રહી ચૂકેલા તુલસીરામ પ્રજાપતિના બનાવટી એન્કાઉન્ટર મામલે પણ તપાસ કરવા સીબીઆઇ વધુ સમય માંગશે તેમ જ શોહરાબ કેસમાં તપાસ રાજસ્થાન સુધી વિસ્તારશે.
સુપ્રીમ કોર્ટે ગત ૧૨ જાન્યુઆરીએ સીબીઆઇને તપાસ સોંપી હતી અને તપાસમાં સધાયેલી પ્રગતિ અંગે છ મહિનાની અંદર (૩૧ જુલાઇ સુધીમાં) અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ કર્યો હતો. શોહરાબ કેસમાં અમિત શાહ ઉપરાંત ગુજરાત કેડરના આઇપીએસ અધિકારીઓ ડી. જી. વણઝારા અને રાજકુમાર પાંડિયન તથા રાજસ્થાન કેડરના આઇપીએસ અધિકારી દિનેશ એમ. એન. મુખ્ય આરોપીઓ છે. સીબીઆઇએ તપાસનો દોર સંભાળ્યા બાદ ગુજરાત કેડરના અન્ય વરિષ્ઠ અધિકારી અભય ચુડાસમાની ગત ૨૮ એપ્રિલે ધરપકડ કરી હતી.
તુલસીરામની સફરઃ શાંતિનગરથી પરમશાંતિનગર સુધી
-તુલસીરામ પ્રજાપતિ ઉર્ફે પ્રફુલ્લ ગંગારામ પ્રજાપતિ (રહે.નાના ખેજ રોડ, શાંતિનગર, જી.ઉજ્જૈન, મધ્યપ્રદેશ)એ ૧૪ વર્ષની ઉંમરે ગુનાખોરીમાં ડગ મંાડયા હતા અને ચોરીના ગુનામાં તે જેલમાં ધકેલાયો હતો.
- જેલમાં જ તેને શોહરાબુદ્દીન શેખનો ભેટો થયો હતો અને આ મુલાકાતમાં જ શોહરાબ જાણી ગયો હતો કે તુલસી કામનો છોકરો છે તેથી શોહરાબુદ્દીને પોતે જેલમાંથી બહાર નીકળ્યો તે પછી તેણે તુલસીને જામીન ઉપર છોડાવ્યો હતો અને બંનેએ સાથે કામ શરૃ કર્યું હતું.
- શોહરાબે પહેલા મધ્યપ્રદેશમાં અને પછી રાજસ્થાનમાં ખંડણીખોરીનું નેટવર્ક વિકસાવ્યું તેમાં તુલસીરામ કેન્દ્રસ્થાને હતો. તુલસી ઉપરાંત આઝમ અને સિલ્વેસ્ટર શોહરાબ સાથે કામ કરતા હતા.
-શોહરાબ કૌસરના પ્રેમમાં પડયો પછી તેણે કૌસરના પહેલા પતિ અને નાગદાના કરિયાણાના વેપારી બશરત અલીને કૌસરને તલાકની ફરજ પાડવા તુલસીને મોકલ્યો હતો તેવું કહેવાય છે. કૌસર-શોહરાબે ૨૦૦૪માં કોર્ટમાં લગ્ન કરી લીધાં ત્યારે તેમાં સાક્ષી તરીકે તુલસી હતો.
-અમદાવાદમાં નવરંગપુરા ખાતે આવેલી પોપ્યુલર્સ બિલ્ડર્સની ઓફિસમાં તુલસીરામ અને સિલ્વેસ્ટરે ગોળીબાર કર્યો હતો અને ગોળીઓ છોડયા પછી બંને શોહરાબુદ્દીનના મોબાઈલ ફોન સાથેની ચિઠ્ઠી છોડીને જતા રહ્યા તે વખતે તે પહેલી વાર ગુજરાત પોલીસની નજરે ચડયો હતો.
-રાજસ્થાનમાં માર્બલના વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતા હમીદલાલાની ૩૧ ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ ઉદેપુરના હાથીપોલ ચાર રસ્તા પાસે શોહરાબુદ્દીન,તુલસી વગેરેએ ગોળી મારી હત્યા કરી દીધી હતી અને ત્યાંથી ભાગી ગયા હતા.
-રાજસ્થાન પોલીસે તુલસી પર ધોંસ વધારતાં તે ભાગીને રાજસ્થાનના ભીલવાડામાં છૂપાઈ ગયો હતો અને પોલીસની નજરે ના ચડાય એટલા માટે તેણે ફ્રૂટ અને શાકભાજીનો ધંધો શરૃ કર્યો હતો.
-જો કે પોલીસને ખબર પડી જતાં આ બાતમી તે વખતના એસ.પી.દિનેશ.એમ.એન.ને મળી હતી અને તેમણે ડીવાયએસપી સુધીર જોશીને સૂચના આપી તુલસીની ધરપકડ કરાવી તેને ઉદેપુર જેલમાં મોકલી દીધો હતો.
-જેલમાંથી તુલસીએ ઉદેપુરના એક ખ્યાતનામ માર્બલના વેપારી પાસેથી ૨૫ કરોડની ખંડણી માંગી હતી અને તેમાંથી જ શોહરાબુદ્દીન-તુલસી પર તવાઈ શરૃ થઈ હતી.
-૨૦૦૫માં તુલસી ગમે તે રીતે જામીન પર બહાર આવ્યો હતો અને પછી ફરાર થઈને શોહરાબ સાથે કામે લાગી ગયો હતો.
-૨૦૦૫માં શોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર થયું તે વખતે ગુજરાત પોલીસે તેને ફરી રાજસ્થાન પોલીસને હવાલે કર્યો હતો અને તેને ઉદયપુરની જેલમાં મોકલી અપાયો હતો.
-૨૦૦૬માં તુલસીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું ત્યારે તેની ઉંમર માત્ર ૨૪ વર્ષની હતી અને ૧૪થી ૨૪ વર્ષ દરમિયાન એટલે કે દસ વર્ષના ટૂંકા ગાળામાં તુલસી વિરુદ્ધ ૨૦ જેટલી ફરિયાદો લૂંટ, હત્યા અને ચોરીની દાખલ થઈ હતી.
તુલસી પ્રજાપતિ કેસ : આરંભથી અંત સુધી
રર નવેમ્બર, ર૦૦પ
હૈદરાબાદથી સાંગલી જતી બસને મોડી રાત્રે આંતરીને ગુજરાત એટીએસ-રાજસ્થાન પોલીસે શોહરાબુદ્દીન, કૌસરબી અને તેમના મિત્ર તુલસીરામ પ્રજાપતિને ઉતારી લીધાં. કૌસરબીને ટાટા સુમોમાં જ્યારે તુલસી-શોહરાબને ક્વોલિસમાં બેસાડી વલસાડ લઇ જવાયાં. તે સમયે અભય ચુડાસમા વલસાડના પોલીસ અધિક્ષક હતા. વલસાડમાં પહેલેથી જ રાજસ્થાન પોલીસ તુલસીનો કબજો લેવા તૈનાત હતી અને તેને લઇને ટ્રેન મારફતે સુરતથી રાજસ્થાન જવા નીકળી હતી.
૨૩ નવેમ્બર, ૨૦૦૫: વલસાડથી તુલસીનો કબજો મેળવ્યા બાદ રાજસ્થાનના હાથીપોલના ઇન્સ્પેક્ટર ભંવરસિંહ હાડાએ પાંચ દિવસ સુધી તેને ગેરકાયદે કસ્ટડીમાં ગોંધી રાખ્યો હતો અને પાંચ દિવસ પછી એક ગુનામાં ધરપકડ બતાવી હતી. આમ, સમય આવ્યે તેને પતાવી દેવા અગાઉથી જ તખતો ઘડાયો હતો.
ર૪-રપ નવેમ્બર, ર૦૦પ
ગુજરાત પોલીસ શોહરાબ અને કૌસરબીને ગાંધીનગરની બહાર આવેલા જમિયતપુરા ગામ પાસે દિશા ફાર્મહાઉસ ખાતે લઇ આવી હતી. શોહરાબુદ્દીન અને કૌસરબીને દિશા ફાર્મહાઉસમાં એક રૃમમાં અટકાયત હેઠળ રાખવામાં આવ્યાં.
ર૬ નવેમ્બર, ર૦૦પ
વહેલી સવારે ૪.૦૦ કલાકે રાજસ્થાન-ગુજરાત પોલીસ દ્વારા શોહરાબુદ્દીનનં એન્કાઉન્ટર
ર૬ નવેમ્બર, ર૦૦પ
કૌસરબીને જમિયતપુરાના દિશા ફાર્મહાઉસમાંથી સવારે ગુજરાત પોલીસના સાદા ડ્રેસમાં રહેલા જવાનો દ્વારા સફેદ રંગની મારુતિ કારમાં લઇ જવાઇ.
ર૬-ર૮ નવેમ્બર, ર૦૦પ
આ બે દિવસ દરમિયાન કૌસરબીનું શું થયું તેનો ઉલ્લેખ કોઇ તપાસ અહેવાલમાં નથી. કેટલાય પોલીસ કર્મચારીઓએ જણાવ્યું હતું કે કૌસરબીને મોટા ભાગે કોબા-અડાલજ રોડ પરના અર્હમ ફાર્મહાઉસમાં રાખવામાં આવી હશે.
ર૮ નવેમ્બર, ર૦૦પ
આર. કે. પાંડિયનના સહાયક કોન્સ્ટેબલ અજય પરમારે જણાવ્યા મુજબ કૌસરબીને ડી. જી. વણઝારાના વતન ઇલોલ લઇ જઇને મારીને સળગાવી દેવામાં આવી હતી. પછીથી અધિકારીઓએ આ અપરાધની કબૂલાત કરી હતી.
૨૯ નવેમ્બર, ૨૦૦૫: તુલસીની રાજસ્થાનના ગેંગસ્ટર હમીદ લાલાની ૩૧ ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ શોહરાબ અને તેના સાગરીતો દ્વારા થયેલી હત્યામાં ધરપકડ બતાવી તેને ઉદયપુરની જેલમાં મોકલી અપાયો.
માર્ચ ૨૦૦૬: શોહરાબુદ્દીન એન્કાઉન્ટરની ખબર પડયા પછી તુલસીએ પોતાના એન્કાઉન્ટરની ભીતિ વ્યક્ત કરતા સંખ્યાબંધ પત્રો રાજસ્થાનની વિવિધ અદાલતોને લખ્યા હતા.
જૂન, ર૦૦૬
શોહરાબુદ્દીનના એન્કાઉન્ટર પછી તેની પત્ની કૌસરબી ગુમ થયા બાદ શોહરાબના ભાઇ રૃબાબુદ્દીને સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા. તેના પત્રને અરજી ગણીને આગળ તપાસ માટે ગુજરાતના ડીજીપી પી. સી. પાન્ડેને સોંપાયો. તેમણે ૭ જૂન, ૨૦૦૬ના રોજ ગુજરાત સીઆઇડી (ક્રાઇમ)ના આઇજીપી ગીતા જોહરીને પત્ર લખ્યો અને ત્યાર બાદ સીઆઇડી (ક્રાઇમ)માં કેસ દાખલ કરાયો.
જુલાઇ, ર૦૦૬
ગીતા જોહરીની ટીમે તપાસ દરમિયાન આઘાતજનક સત્યો પ્રસ્થાપિત કરવાનું શરૃ કરતાં વણઝારા કંપની ફફડી ગઇ. તેમને લાગ્યું કે, તેમના જૂઠ્ઠાણાં ઉઘાડા પાડવા શોહરાબનો દોસ્ત તુલસી પ્રજાપતિ જીવતો છે. તેથી તેમણે તુલસીનો પણ કાંટો કાઢવાનું નક્કી કર્યું.
ડીસેમ્બર, ૨૦૦૬: તુલસીના એન્કાઉન્ટરના કાવતરાને અંજામ આપવા માટે વમારાની બોર્ડર રેન્જ ડીઆઈજી તરીકે બદલી
૨૫, ડિસેમ્બર, ૨૦૦૬
વણઝારા, પાંડિયન અને દિનેશ એમ. એન.ની ત્રિપુટીએ રચેલા કાવતરાના ભાગરૃપે તુલસીને ૨૦૦૪માં નવરંગપુરામાં પોપ્યુલર કન્સ્ટ્રક્શનની ઓફિસે થયેલા ફાયરિંગના કેસમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવા ઉદયપુર પોલીસ તેને અમદાવાદ લાવવા માટે નિકળી.
૨૬ ડીસેમ્બર, ૨૦૦૬: ઉદયપુર પોલીસના 'દાવા' મુજબ, તુલસીને અમદાવાદની કોર્ટમાં હાજર કર્યા બાદ તેને લઇને તેઓ ટ્રેનમાં ઉદયપુર પરત ફરી રહ્યા હતા ત્યારે હિંમતનગર સ્ટેશને ટ્રેન ઊભી રહી તે સમયે બે શખસો તેમની આંખમાં મરચાની ભૂકી છાંટીને તુલસીને છોડાવી ગયા .
૨૮ ડીસેમ્બર, ૨૦૦૬: વહેલી પરોઢે રાજસ્થાન-ગુજરાત પોલીસની એક ટીમ અંબાજીમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ત્રણ શખસો એક મેટાડોર રોકવા પ્રયાસ કરતા હતા. મેટાડોર ન ઊભી રહેતાં તેમણે પેટ્રોલિંગ ટુકડીની પોલીસ વાન રોકવા પ્રયાસ કર્યો હતો. તે સમયે એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરને તે ત્રણ પૈકી એક શખસ તુલસી હોવાનું માલૂમ પડયું હતું, જેણે પોલીસ પર ફાયરિંગ પણ કર્યું હોવાનું પોલીસ એફઆઇઆર જણાવે છે. ત્રણેયનો પીછો કરાતા અન્ય બે શખસો નાસી છૂટયા હતા જ્યારે તુલસી ઊભો રહી ગયો હતો અને તેણે પોલીસ પર ફાયરિંગ ચાલુ રાખ્યું હતું અને પોલીસના વળતા ફાયરિંગમાં તે માર્યો ગયો હતો.
જાન્યુઆરી, ર૦૧૦
સુપ્રીમ કોર્ટે શોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇની સઘન તપાસનો હુકમ કર્યો તેમાં તુલસીનુ એન્કાઉન્ટર થયાનં બહાર આવ્યું.
જૂન, ૨૦૧૦: તુલસી એન્કાઉન્ટર કેસમાં સાબરકાંઠાના તત્કાલિન એસ.પી. વિપુલ અગ્રવાલની ધરપકડ, પીઆઈ આશિષ પંડયા પણ જેલભેગા
૩૦ જુલાઈ, ર૦૧૦
તુલસીરામ એન્કાઉન્ટર કેસમાં વણઝારા, વિપુલ અગ્રવાલ, દિનેશ એમ. એન. સાત પોલીસ અધિકારીઓ સામે ચાર્જશીટ દાખલ
તુલસીએ શોહરાબ સાથે નહીં, અભયે તુલસી સાથે ગદ્દારી કરી હતી?
શોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તુલસીરામ પ્રજાપતિએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને તેણે જ ગુજરાત પોલીસને શોહરાબુદ્દીન કૌસરબીને સારવાર માટે હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી લઈ જવાનો છે તેની માહિતી આપી હતી. તુલસી શોહરાબુદ્દીનની એટલી નજીક હતો કે તે કૌસર સાથે જે પણ સાંગલી જતો ત્યારે તુલસીને સાથે જ લઈ જતો હતો. ૧૩,૧૪ નવેમ્બર, ૨૦૦૫ના રોજ પણ શોહરાબ, કૌસર અને તુલસી સાથે ઝરણિયાથી હૈદરાબાદ જવા નીકળ્યાં હતાં. ત્યાં કલીમુદ્દીનને ત્યાં સાથે જ ઈદ મનાવી હતી અને તે પછી ત્રણેય મારુતિ કારમાં હૈદરાબાદ જવા સાથે નીકળ્યાં હતાં. કૌસરને સારવાર માટે હૈદરાબાદથી સાંગલી લઈ જતી વેળાએ પણ તુલસી સાથે જ હતો અને તેણે જ ગુજરાત પોલીસને શોહરાબુદ્દીન ક્યાં છે તેની માહિતી આપી હતી. આ માહિતીને કારણે જ વણઝારા આણિ મંડળીએ રાજકુમાર પાંડિયન સહિતના પોતાના માણસોને અગાઉથી હૈદરાબાદ મોકલ્યા હતા અને શોહરાબ, કૌસર અને તુલસી હૈદરાબાદથી નીકળ્યાં પછી હૈદરાબાદ નજીક લકઝરી બસને રોકી ગુજરાત પોલીસે શોહરાબ, કૌસર અને તુલસી ત્રણેયનું અપહરણ કર્યુ હતું. તુલસીએ જ અભય ચુડાસમાને શોહરાબુદ્દીન પોતાની સાથે હોવાનું લોકેશન આપ્યું હતું અને તેના આધારે ગુજરાત પોલીસે ત્રણેયનું અપહરણ કર્યુ હતું ત્યાંથી ત્રણેયને કાર મારફતે વલસાડ લવાયાં હતાં અને તે પછી શોહરાબ અને કૌસરથી તુલસીને અલગ કરાયો હતો.
તુલસી-શોહરાબુદ્દીન ખાસ મિત્ર હતા પણ તે મિત્રતાની પરવા કર્યા વગર ફૂટી ગયો તેને કારણે તે ફૂટી ગયો તેવી છાપ ઊભી કરાઈ છે પણ સીબીઆઈના ચાર્જશીટમાં કંઈક જુદી જ વાત કરાઈ હોવાનું મીડિયાના કેટલાક અહેવાલો કહે છે. આ અહેવાલો પ્રમાણે તુલસીરામે શોહરાબુદ્દીન સાથે ગદ્દારી કરી નહોતી પણ અભય ચુડાસમા સહિતના ગુજરાત પોલીસના માણસોએ તેની સાથે ગદ્દારી કરી હતી.
આ અહેવાલો પ્રમાણે અભય ચુડાસમાએ શોહરાબુદ્દીનને ગુજરાત લઈ આવવા તુલસીરામને એ શરતો સમજાવ્યો હતો કે તેઓ શોહરાબુદ્દીનને ચાર-પાંચ મહિના જેલમાં રાખશે અને પછી તેને ભગાડી દેશે. અભય ચુડાસમાએ એ વખતે તુલસીને એવું કહ્યું હતું કે શોહરાબુદ્દીને માર્બલના વેપારીઓને ધમકી આપી તેથી તેમણે ભાજપના નેતાઓને ફરિયાદ કરી છે તેથી શોહરાબુદ્દીનને સમજાવવા માટે ભારે રાજકીય દબાણ છે એટલે શોહરાબુદ્દીનને ચાર-પાંચ મહિના જલમાં રાખીને પછી છોડી દેવામાં આવશે ચુડસામાએ શોહરાબુદ્દીનનો વાળ પણ વાંકો નહીં થાય તેવી ખાતરી આપી તે પછી તુલસી તેની માહિતી આપવા તૈયાર થયો હતો પણ ચુડાસમાએ તુલસી સાથે દગો કર્યો અને તેને આપેલી ખાતરીને ઘોળીને પી જઈ શોહરાબુદ્દીનને વણઝારા આણિ મંડળીને હવાલે કરી દીધો અને એ લોકોએ તેને એન્કાઉન્ટરમાં પતાવી દીધો. અભય ચુડાસમા એ વખતે વલસાડમાં ડીએસપી હતા એટલે તુલસીને વલસાડ લઈ જવાયો હતો અને ત્યાંથી તેને રાજસ્થાન પોલીસને હવાલે કરી દેવાયો હતો.
તુલસી વટાણા વેરી દેશે તે ભયે તેને પણ પતાવી દેવાયો
શોહરાબુદ્દીનની ૨૬ નવેમ્બરે હત્યા થઇ અને ત્યારથી તેની પત્ની કૌસરબી ગુમ થઇ. શોહરાબના ભાઇ રૃઆબુદ્દીન શેખે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો. તેના પત્રને પિટિશન તરીકે માન્ય રખાયો અને તે વધુ તપાસ માટે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ઓફ ગુજરાત (ડીજીપી) પી.સી. પાંડેને વધુ તપાસ માટે મોકલવામાં આવ્યો. પાંડેએ આઇજીપી સ્ટેટ સીઆઇડી (ક્રાઇમ) ગીતા જોહરીને સાત જૂન ૨૦૦૬એ લેખિતમાં તેની જાણ કરી અને સ્ટેટ ક્રાઇમમાં એક કેસ ઇન્કવાયરી નં. ૬૬/૦૬ તરીકે નોેંધાયો.
સીઆઇડીનો હવાલો એક વિવાદાસ્પદ અધિકારી ઓ.પી. માથુરને સોંપીને અમિત શાહે તેમના અને તેમના સાથીઓ તરફથી તપાસમાં દેખીતી રીતે વધુ નરમાશ લાવવાનો તેમનો ઇરાદો જાહેર કરી દીધો હતો.
જોહરીની ટીમે આ આઘાતનજનક સત્યને બહાર લાવવાની શરૃઆત કરી ત્યારે એન્કાઉન્ટરની ઘટનાને અંજામ આપનારા ડી.જી.વણઝારાને પરિસ્થિતિ મુશ્કેલ બનવાનો અહેસાસ થયો. તેમને લાગ્યું કે શોહરાબુદ્દીનનો મિત્ર તુલસી પ્રજાપતિ હજુ જીવે છે અને તે તેમનાં કરતૂતોનો ભાંડો ફોડી નાખશે. શોહરાબુદ્દીનના એન્કાઉન્ટર બાદ તુલસીને ઉદયપુરમાં પકડાયેલો બતાવવામાં આવ્યો. ત્યારથી તે ઉદયપુરની જેલમાં રહ્યો હતો. પ્રજાપતિ આ કેસમાં મહત્ત્વનો સાક્ષી હતો તેવી જાણ બાદ આ ત્રણ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટોએ વધુ એક ઘાતકી યોજના બનાવી. ૨૬ ડિસેમ્બર, ૨૦૦૬એ પ્રજાપતિને અમદાવાદમાં નવરંગપુરા પોલીસસ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાના સંદર્ભમાં ૧૩મી મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવા માટે ઉદયપુર પોલીસ દ્વારા અમદાવાદમાં લાવવામાં આવ્યો.
અહીં ફરીથી એક દાવ શરૃ થયો. કોર્ટમાં હાજરી આપ્યા બાદ પ્રજાપતિને જે ટ્રેનમાંથી ઉદયપુર પાછા લઇ જવામાં આવતો હતો તે ટ્રેન હિંમતનગર રેલવે સ્ટેશને અટકી હતી. પછી ઉદયપુર પોલીસે દાવો કર્યો કે પ્રજાપતિને લઇ જઇ રહેલા પોલીસ પર બે માણસોએ મરચીની ભૂકી નાખી હતી અને તેને છોડાવી ગયા હતા. પછી પોલીસનો દાવો એવો હતો કે બે દિવસ પછી ૨૮ ડિસેમ્બરે રાજસ્થાન અને ગુજરાત પોલીસની એક ટીમ અંબાજી શહેરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમણે જોયું કે ત્રણ વ્યક્તિઓ એક મેટાડોરને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ મેટાડોર રોકાઇ ન હતી. પછી ત્રણેય જણાએ જેમાં પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે પોલીસ વાનને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારે એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરે ત્રણમાંથી એક તુલસીને ઓળખી કાઢયો હતો અને ત્યારે પ્રજાપતિએ પોલીસ વાન પર ફાયરિંગ કર્યું હતું તેમ પોલીસે એફઆઇઆરમાં જણાવ્યું છે. ગોળી જીપને વાગી હતી અને ત્રણેય જણાએ ભાગવાની શરૃઆત કરી હતી. તેમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસે તેમનો પીછો કરતાં બે જણા ભાગી ગયા હતા જ્યારે પ્રજાપતિએ રોકાઇને પોલીસ પર ફરીથી ગોળીબાર કર્યો હતો. વળતા જવાબમાં પોલીસે ગોળી છોડતાં પ્રજાપતિ માર્યો ગયો હતો. શિયાળાની વહેલી સવારે આશરે પાંચના કલાકે આ એન્કાઉન્ટરની ઘટના બની હતી. આવા ઘોર અંધારામાં પોલીસ પ્રજાપતિને કેવી રીતે ઓળખી ગઇ તે બાબત બધાની સમજથી પર છે.
બનાસકાંઠા જિલ્લાના એસપીએ રેકોર્ડમાં જણાવ્યું છે કે, પ્રજાપતિની ભાગી છૂટવાની માહિતી ઉદયપુરના એસપી દિનેશ એમએનને આપી દેવામાં આવી હતી. આ એ જ અધિકારી છે જે શોહરાબુદ્દીનને મારી નાખવાની ટીમમાં હતા. બીજો સવાલ એ છે કે હિંમતનગરથી નાસી છૂટયા બાદ તુલસી કેમ અંબાજીમાં ફરતો હતો. જોગાનુજોગ એ પણ છે કે વણઝારાએ બનાસકાંઠા જિલ્લાને આવરી લેતાં બોર્ડર રેન્જના ડીઆઇજીનો હવાલો સંભાળ્યો તેના બે અઠવાડિયાંની અંદર જ આ ઘટના બની ગઇ. શોહરાબુદ્દીનના કેસની જેમ પ્રજાપતિ એન્કાઉન્ટરમાં પણ ગુજરાત અને રાજસ્થાનની પોલીસ સામેલ હતી.
-
ગુજરાતમાં નિષ્પક્ષ ટ્રાયલ માટે સાનુકૂળ માહોલ ન હોવાની રજૂઆત
-
સીબીઆઇએ સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપ્યો
-
ઇન્ટરનલ મેમોમાં નરેન્દ્ર મોદી, પી. સી. પાન્ડેનો ઉલ્લેખ