નવી દિલ્હી, તા.૩૦
વિશ્વની નંબર બે મહિલા બેડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલની પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્ન સમ્માન માટે પસંદગી કરવામાં આવી છે. સાઇના નેહવાલને એક પછી એક ટુર્નામેન્ટમાં જીત અને શ્રેષ્ઠ રેન્કિંગ મેળવવા બદલ દેશના સર્વોચ્ચ રમત-ગમત પુરસ્કાર મળશે. ભારતની મહાન દોડવીર પી.ટી.ઉષાની અધ્યક્ષતા હેઠળની પુરસ્કાર સમિતિએ સાઇના નેહવાલની ખેલ રત્ન માટે પસંદગી કરી છે. જ્યારે રમત મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અર્જુન અને ધ્યાનચંદ પુરસ્કાર માટેનાં નામોની જાહેરાત એક સપ્તાહ બાદ કરવામાં આવશે. સાઇના નેહવાલને ૨૮ ઓગસ્ટે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ મેડલની સાથે ૭.૫ લાખ રૃપિયા પુરસ્કાર પેટે આપશે.
ભારતની સાઇના નેહવાલે ૨૦૧૦માં ઈન્ડોનેશિયન ઓપન સુપર સિરીઝ બેડમિન્ટન ટાઈટલ, સિંગાપુર ઓપન અને ઈન્ડિયન ઓપન ગ્રાન્ડ પિક્સમાં વિજય મેળવ્યો હતો. આ ટાઈટલોની હેટ્રિક સાથે સાઇના નેહવાલના ક્રમાંકમાં ઉછાળો આવતાં તે બીજા સ્થાને પહોંચી ગઈ હતી. ભારતની સાઇના નેહવાલ બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ ૨૦૧૦માં પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ અગાઉ સાઇના નેહવાલ ૨૦૦૯માં ઈન્ડોનેશિયન ઓપન સુપર સિરીઝ ટાઈટલ જીતી ચૂકી હતી. સાઇનાએ ચાલુ વર્ષે ઓલ ઈંગ્લેન્ડ સુપર સિરીઝની સેમિફાઈનલ સુધી પહોંચીને ઇતિહાસ સર્જયો હતો. જ્યારે ૨૦૦૮માં બીજીંગમાં આયોજિત ઓલિમ્પિકસમાં ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી હતી.
ભારતમાં નવી દિલ્હીમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની બ્રાન્ડ એમ્બેસેડર સાઇના નેહવાલને વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. સાઇનાને ગત વર્ષે અર્જુન એવોર્ડ અને ચાલુ વર્ષે પદ્મ શ્રી પુરસ્કાર મળી ચૂક્યો છે.