નવી દિલ્હી,તા. ૩૦
ભાવવધારાના મુદ્દે સંસદમાં આજે પણ સ્થિતિમાં કોઇ સુધાર થયો ન હતો. સતત ચોથા દિવસે ભાવવધારાના મુદ્દે ધાંધલધમાલ વચ્ચે સંસદની કાર્યવાહી મોકૂફ કરી દેવામાં આવી હતી.
સંયુક્ત વિરોધ પક્ષ મક્કમ રહેતા સ્થિતિ સુધરી ન હતી. ભાવવધારાના મુદ્દે ચર્ચા અને ત્યાર બાદ મતદાનની માગણી સભ્યો દ્વારા કરવામાં આવી હતી. લોકસભા સવારે ૧૧ વાગ્યે મળ્યા બાદ વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજના નેતૃત્વમાં વિરોધ પક્ષના સભ્યોએ દેખાવો શરૃ કરી દીધા હતા.
ભાવવધારાના મુદ્દે મોકૂફી દરખાસ્તની માગણી કરવામાં આવી હતી. સુષ્મા સ્વરાજે અધ્યક્ષ મીરા કુમાર સમક્ષ નિયમ ૧૮૪ હેઠળ ચર્ચા માટેની માગણી કરી હતી. પ્રશ્ન કલાકને મોકૂફ રાખીને મોકૂફ દરખાસ્ત માટેની નોટિસ સ્વીકારી લેવા વિનંતી કરી હતી. જો કે સ્પીકરે માગણી ફગાવી દીધી હતી જેથી ધાંધલધમાલ શરૃ થઇ ગઈ હતી. મીરાકુમારે દિવસભર માટેના પ્રશ્નોની શરૃઆત કરવા કહ્યું હતું ત્યારે મુખ્ય વિપક્ષના સાંસદો અધ્યક્ષના મંચની વચ્ચોવચ આવી ગયા હતા અને તેમની માગણીને લઇને સૂત્રોચ્ચાર શરૃ કરી દીધા હતા. સંસદીય બાબતોના પ્રધાન પવનકુમાર બંસલે વિપક્ષની માગણી સામે વાંધો ઉઠાવ્યો હતો અને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાનો આક્ષેપ કર્યો હતો.
શરૃઆતમાં ગૃહ બપોર સુધી મોકૂફ કરાયાં હતાં. પરંતુ સ્થિતિમાં સુધારો નહીં થતા દિવસભર માટે મોકૂફ થયાં હતાં. સોમવારે શરૃ થયેલા મોનસૂન સત્રના પ્રથમ ચાર દિવસ દરમિયાન હજુ સુધી કોઇપણ કામગીરી થઇ શકી નથી.