મેડ્રિડ, તા.૩૦
વિવેકબુદ્ધિ અને ‘લાઇફ’ ધરાવતો વિશ્વનો સૌપ્રથમ રોબો સ્પેનમાં તૈયાર કરાયો છે. આ રોબો તેને ખરીદનારા મનુષ્યોનું મનોરંજન કરશે અને તેની પાસેથી ઘણું શીખવા પણ મળશે. બીજા શબ્દોમાં કહીએ તો આ રોબો તેના ખરીદદારનો સાથી બની રહેશે.
ઓગસ્ટમાં બજારમાં મુકાનારો AISoy 1 નામનો આ રોબો સ્પેનિશ ફર્મ AISoy દ્વારા વિકસાવવામાં આવ્યો છે. AISoyના પ્રોડક્ટ એન્જિનિયરિંગ એન્ડ ડેવલપમેન્ટ ડિવિઝનના વડા અને રોબોના જનકો પૈકી એક ડિયેગો ર્ગાિસયાએ જણાવ્યું કે, "આ રોબો વિજ્ઞાનકથા જેવો લાગે છે, પરંતુ તે એક વાસ્તવિકતા છે. તે તેના યુઝરનું મનોરંજન કરશે અને તેને કંપની આપશે પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ તો આપણી જેમ જિંદગી જીવવાનો છે, જે માટે તે આપણી માફક જ વિવેકબુદ્ધિ અને લાગણીઓ ધરાવે છે."
૨૫ સે.મી. ઊંચાઇ અને દોઢ કિલો વજન ધરાવતો AISoy 1 રોબો તેની પ્રવૃત્તિઓની રીતે જોઇએ તો જીવતાજાગતા મનુષ્ય જેવો જ છે. પ્રેમ, સ્વતંત્રતા, સલામતી અને પોષણ સહિતની તેની શ્રેણીબદ્ધ મૂળભૂત જરૃરિયાતો પણ છે, જેમાં જિંદગીને માણવાની અને લોકો સાથે હળવાભળવાની બાબત સૌથી ઉપર છે.
ર્ગાિસયાએ ઉમેર્યું હતું કે, અત્યાર સુધી વિકસાવવામાં આવેલા અન્ય રોબોથી AISoy 1 એ રીતે અલગ પડે છે કે તેની રચના મર્યાદિત કાર્યો કે પ્રોગ્રામ્ડ રિસ્પોન્સીસ પર આધારિત નથી. તેની પોતાની જિંદગી છે અને ક્યારેક તે અનપ્રેડિક્ટેબલ પણ બની જાય છે. તે પાછલા અનુભવોમાંથી શીખીને પોતાનું વર્તન, મૂલ્યો અને કાર્યો સુધારી પણ શકે છે. જો બે AISoy 1ને બે જુદા જુદા પરિવારોમાં રાખવામાં આવે તો અલગ માહોલ અને અનુભવોને કારણે થોડા સમય બાદ બન્નેનું વર્તન એકબીજાથી સાવ અલગ થઇ જશે.
ઓગસ્ટથી કોઇ પણ પરિવાર આ રોબો ખરીદી શકશે, જે ઉત્પાદનના હાલ ઉત્પાદનના અંતિમ તબક્કામાં છે. તેનું વેચાણ AISoy 1 વેબસાઇટ દ્વારા કરાશે. તેની કિંમત હજુ જાહેર કરાઇ નથી.
-
ઓગસ્ટથી બજારમાં આવનારો આ રોબો ખરીદદારનો સાથી બની રહેશે
-
૨૫ સે.મી. ઊંચાઇ, દોઢ કિલો વજનનો AISoy 1 જીવતાજાગતા મનુષ્ય જેવો છે