સહારનપુર, તા. ૩૦
ઉત્તર પ્રદેશમાં એક તરુણીએ તેની શાળાના આચાર્ય દ્વારાટોયલેટ સાફ કરવાની આજ્ઞાા કરાયા બાદ આત્મહત્યા કરી દીધી હતી. લક્ષ્મી નામની આ છોકરી ટોયલેટ સાફ કરતી ત્યારે તેની બહેનપણીઓ તેની મશ્કરી કરતી હતી. નવ દિવસ બાદ લક્ષ્મીએ તેના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. લક્ષ્મીને દરરોજ જાજરૃ સાફ કરવાની ફરજ પાડવામાં આવતી હતી.
લક્ષ્મીનો નાનો ભાઈ પણ એ જ શાળામાં ભણે છે. તેણે જણાવ્યું હતું કે તેને શાળાના ફળિયામાંથી કૂતરાનું મળ સાફ કરવાનું પણ કહેવામાં આવતું હતું. શાળાના આચાર્ય રાજેશ પવારે કહેવાતી રીતે લક્ષ્મીનાં માતા રીનાને શાળાના બાથરૃમ સાફ કરવા માટે મહિને એક હજાર રૃપિયાની નોકરી આપતો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ દૈનિક મજૂરી કરતા રીનાએ આ ઓફરને ફગાવી દીધી હતી. આથી આચાર્યએ લક્ષ્મીના અભ્યાસ માટે તેની પાસેથી ફી ઉઘરાવવાની ધમકી આપી હતી. પરિવારની નિમ્ન આવકને કારણે સ્થનિક અધિકારીઓએ લક્ષ્મીની ફી માફ કરી હતી.
રીનાએ કહ્યું હતું કે નોકરી સ્વીકારવા માટે આચાર્ય તેમના પર દબાણ કરતા હતા એ વાતની લક્ષ્મીને ખબર હતી અને તેથી તે બાથરૃમ સાફ કરવાની સેવા બજાવતી હતી.