નવી દિલ્હી, ૩૦
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા આગામી નવેમ્બરમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવનાર છે. મુલાકાત દરમિયાન તેઓ ભારતીય સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધે એવી ધારણા છે. જો કે ઓબામાના પુરોગામી જ્યોર્જ બુશને ભારતીય સંસદને સંબોધવાનું બહુમાન મળ્યું ન હતું.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ઓબામા ૯ નવેમ્બરના રોજ સંયુક્ત બેઠકને સંબોધન કરશે. આ બાબતને ધ્યાનમાં રાખીને સંસદનું શિયાળ સત્ર વહેલું ચાલુ થશે. સામાન્ય રીતે આ સત્રનો પ્રારંભ નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં થતો હોય છે. ઓબામાએ જાન્યુઆરી, ર૦૦૯માં સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં. બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ પહોંચડાવાના ઉદ્દેશથી તેઓ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવશે.
જ્યોર્જ બુશ માર્ચ ર૦૦૬માં ભારતની મુલાકાતે આવ્યા હતા પરંતુ તેમને દુનિયાના સૌથી મોટા લોકતંત્રની સંસદનાં બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધવાનું માન મળ્યું ન હતું. પ્રારંભમાં તેઓ આ પ્રકારની બેઠકને સંબોધે એવો પ્લાન હતો પરંતુ ડાબુરી પક્ષોએ આવા સત્રનો બહિષ્કાર કરવાની ધમકી આપ્યા બાદ તેને પડતો મૂકાયો હતો. ઈરાક સામે અમેરિકાએ છેડેલા યુદ્ધથી ડાબેરીઓ બુશની ટીકા કરતા હતા. પરંતુ બીજા એક અમેરિકી રાષ્ટ્રપતિ બીલ ક્લિન્ટન ર૦૦૦માં ભારત આવ્યા ત્યારે તેમણે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું હતું.
ભારતીય સાંસદોની સંયુક્ત બેઠકને સંબોધન કરનારાઓમાં જાપાનના પ્રધાનમંત્રી શીન્જો આબેનો પણ સમાવેશ થાય છે. તેઓ ર૦૦૭માં ભારતની મુલકાતે આવ્યા ત્યારે સંસદના ઉપલા એને નીચલા ગૃહની સહિયારી બેઠકને સંબોધન કર્યું હતું.