નવી દિલ્હી, તા.૩૦
રોગગ્રસ્ત કે સાંકડા એઓર્ટિક વાલ્વની તકલીફ ધરાવતા કાર્ડિયાક પેશન્ટ્સ હવે સર્જરી વિના તેમનું હૃદય બચાવી શકશે, કેમ કે સર્જરી માટે ફિટ ન હોય તેવા દર્દીઓ માટે નવી પ્રોસીજર સાથેની સારવાર હવે ભારતમાં પણ શરૃ થઇ છે. હરિયાણાના ગુડગાંવની મેદાન્તા મેડિસિટીના ડોક્ટર્સ ટૂંક સમયમાં ઓપન હાર્ટ સર્જરી વિનાનું દેશનું પ્રથમ પરક્યુટેનિયસ વાલ્વ રિપ્લેસમેન્ટ કરવાના છે.
એઓર્ટિક વાલ્વ હૃદયની ડાબી તરફના પોલાણ અને એઓર્ટા (મુખ્ય ધોરી નસ)ની વચ્ચે આવેલો હોય છે અને આ વાલ્વમાં કોઇ ખામી સર્જાય તો તેના કારણે હૃદયમાં રક્તપ્રવાહ અવરોધાતો હોય છે. વાલ્વના રિપ્લેસમેન્ટ માટે અત્યાર સુધી ભારતમાં સર્જરી સિવાય કોઇ વિકલ્પ ઉપલબ્ધ નહોતો. તેથી જેમની સર્જરીમાં જોખમ હોય તેવા દર્દીઓએ પણ નાછૂટકે સર્જરી કરાવીને જીવ જોખમમાં મૂકવો પડતો હતો. જોકે, હવે વાલ્વ રિપ્લેસમેન્ટ માટે સર્જરીની જરૃર જ ન રહી હોવાથી વૃદ્ધો અને ફેફસાં તથા કિડનીની બીમારીઓનું ઊંચું જોખમ ધરાવતા દર્દીઓએ જોખમભરી સ્થિતિમાં મુકાવું પડશે નહીં.
મેદાન્તા હાર્ટ ઇન્સ્ટિટયૂટના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીના ચેરમેન ડો. પ્રવીણ ચંદ્રાએ જણાવ્યું હતું કે, એઓર્ટિક વાલ્વની ડિફેક્ટ્સ માટે અત્યાર સુધી સર્જરી સિવાય કોઇ વિકલ્પ નહોતો, પરંતુ હવે પરક્યુટેનિયસ એઓર્ટિક વાલ્વ ઇમ્પ્લાન્ટેશન (પાવી)ના રૃપમાં એક વિકલ્પ ઉપલબ્ધ છે. આ પ્રોસીજરમાં દર્દીના ગ્રોઇન (પેટ અને જાંઘ વચ્ચેના ભાગ)માં નાનકડો છેદ કરીને સ્ટેન્ટ દ્વારા વાલ્વ કાઢવામાં આવે છે અને ત્યાર બાદ એક્સ-રે વિઝનની મદદથી કૃત્રિમ વાલ્વ બેસાડવામાં આવે છે. આ પ્રોસીજરમાં એક કલાક લાગે છે અને પેશન્ટને ચાર-પાંચ કલાકમાં રજા આપી શકાય છે જ્યારે ફુલ-ફ્લેજ્ડ સર્જરીમાં ચાર-પાંચ કલાક લાગે છે અને દર્દી સંપૂર્ણપણે સાજો થતાં ત્રણ મહિના વીતી જાય છે.
ઇન્સ્ટિટયૂટના ડોક્ટર્સ આવતા મહિને યુરોપના છ સર્જનની મદદથી આ પ્રોસીજર હાથ ધરવાના છે.