નવી દિલ્હી, તા. ૩૦
અમદાવાદ અને થિરુવનંતપુરમના અત્યાધુનિક હવાઇમથકોનો ઉપયોગ કરનારાઓએ હવે આગામી મહિનાથી યૂઝર ડેવલપમેન્ટ ફી (યુડીએફ) ચૂકવવી પડશે. અમદાવાદમાં ઘરઆંગણાના વિમાનોમાં મુસાફરી કરનારાઓએ રૃ. ૧૧૦ ચૂકવવા પડશે જ્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરોને રૃ. ૪૧૫ આપવાના રહેશે. અમદાવાદમાં ૧૬ અને થિરુવનંતપુરમાં પહેલી ઓગસ્ટથી આ દરો અમલમાં આવી જશે.
આ હવાઇમથકો પર યુડીએફ લેવાની એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ)ની દરખાસ્તને સરકારે બહાલી આપી દેતાં મુસાફરો પર આ વધારાનો બોજ પડયો છે તેમ એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું.
થિરુવનંતપુરમથી ઘરેલુ વિમાનોના મુસાફરોને ફી નહિ ચૂકવવી પડે જ્યારે વિદેશની મુસાફરી કરનારાઓએ ટિકિટના ભાવ અને ટેક્સ ઉપરાંત વધારાના રૃ. ૭૫૫ ચૂકવવા પડશે. અત્યારસુધી એએઅઆઇએ વિકસાવેલાં તમામ એરપોર્ટ્સ પર યુડીએફ લાદી દેવામાં આવી છે. આમાં અમૃતસર (ડોમેસ્ટિક માટે રૃ. ૧૫૦, ઇન્ટરનેશનલ માટે રૃ. ૯૧૦), ઉદયપુર (ડોમેસ્ટિક માટે રૃ. ૧૫૦, ઇન્ટરનેશનલ માટે કશું નહિ, ત્રિચી (ડોમેસ્ટિક માટે રૃ. ૧૫૦, ઇન્ટરનેશનલ માટે રૃ. ૩૬૦) અને વિઝાગ (ડોમેસ્ટિક માટે રૃ. ૧૫૦, ઇન્ટરનેશનલ માટે કશું નહિ)નો સમાવેશ થાય છે. આ હવાઇમથકો પર ૧૫ જૂનથી યુડીએફ લાદી દેવામાં આવી છે.