વડોદરા તા.૩૦
કરજણ તાલુકાના ભરથાણા અને ચોરંદાના યુવાનો વચ્ચે બે દિવસથી ટ્રેનમાં બેસવાની જગ્યા માટે ચાલતા ઝઘડાના ગઇકાલે સાંજે લોહીયાળ પડઘા પડયા હતા.ભરથાણાના યુવાનોએ ગઇકાલે સાંજે ટ્રેન ગામના રેલવે સ્ટેશન પર આવતા જ ચોરંદાના યુવાનોને ટ્રેનમાંથી બહાર ખેચી કાઢી લાકડીના ફટકા અને કુહાડીના ઘા ઝીંકી ચારને જીવલેણ ઇજા પહોંચાડી હતી.આ બનાવમાં સંડોવાયેલા ૧૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનુ કરજણથી મળતા અહેવાલ જણાવે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કરજણથી મોટી કોરલ વચ્ચે નેરોગેજ ટ્રેન દોડે છે.આ ટ્રેનમાં ભરથાણા અને ચોરંદા સહિતના અન્ય ગામના લોકો અપડાઉન કરે છે.આ બન્ને ગામના યુવાનો વચ્ચે વિતેલા બે દિવસથી ટ્રેનમાં બેસવાની જગ્યા બાબતે ઝઘડા ચાલતા હતા.દરમિયાન ગઇકાલે સાંજે ટ્રેન આવી પહોંચી ત્યારે ભરથાણા ગામના ધર્મેશ જશુભાઇ વાળંદ,દિલિપ છીતુભાઇ પટેલ દિપક જશભાઇ વાળંદ પ્રહ્રલાદ મોહનભાઇ ,કિરણ રાજેન્દ્રભાઇ સહિતના ૨૦ થી ૨૫ જણાંનુ ટોળુ લાકડીઓ અને ધારિયા સાથે ગામના રેલવે સ્ટેશન પર દોડી ગયા હતા.
ટ્રેન સાંજે સાડા છ વાગે આવતા જ ટ્રેનમાંથી ચોરંદા ગામના શકીલ હબીબ મલેક,ઇમરાન મહેબુબ બેગ,સીરાજ મહેબુબ બેગ, અનેમોહસીન હૈદર પર લાકડીઓ અને કુહાડી વડે હુમલો કરી જીવલેણ ઇજા પહોંચાડી હતી.ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે શકીલ અહેમદ બેગે કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી આ ગુનામાં સંડોવાયેલા દિલિપ છીતુભાઇ પટેલ,કામીલ નવનીતભાઇ પટેલ,કલ્પેશ વિનુભાઇ પટેલ, હેમંત જયતિંભાઇ પટેલ, રાકેશ વિઠ્ઠલભાઇ પટેલ સહિત ૧૭ની ધરપકડ કરી હોવાનુ કરજણથી મળતા અહેવાલ જણાવે છેે. બે કોમના યુવાનો વચ્ચે બીચકેલા મામલાના પગલે જિલ્લા પોલીસ વડા ગગનદીપ ગંભીર કરજણ પોલીસ મથકે દોડી આવ્યા હતા.સામાન્ય તકરારના પગલે સર્જાયેલી અથડામણના કોઈ પડઘા ન પડે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.