વડોદરા,તા.૩૦
એમ.એસ.યુનિર્વિસટીની પરફોમિંગ્ આર્ટસ ફેકલ્ટીના તબલા વિભાગના વિદ્યાર્થીએ તાજેતરમા મુંબઇ ખાતે યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામા પખવાજ વાદનમા પ્રથમ ક્રમ મેળવ્યો છે.સૂર સિંગાર સંસદ દ્વારા છેલ્લા ૪૯ વર્ષથી યોજાતી આ સ્પર્ધા સંગીત ક્ષેત્રે ખુબ પ્રતિષ્ઠિત મનાય છે. જેમા પ્રથમ ક્રમાંક મેળવ્યો હોય તેવી ગુજરાતની આ પ્રથમ ઘટના છે. પં.બ્રિજનારાયણજીએ સન ૧૯૪૭માં સ્થાપેલી સૂર સિંગાર સંસદ છેલ્લા ૬૩ વર્ષથી સંગીત ક્ષેત્રે અવિરત સેવા આપી રહી છે. આ સંસ્થા દ્વારા છેલ્લા ૪૯ વર્ષથી મુંબઇમાં ‘કલ કે કલાકાર’ નામથી રાષ્ટ્રીય કક્ષાની સંગીત સ્પર્ધા યોજાય છે. જેમા દર વર્ષ મલેશિયા, મોરેસિયસ અને ભારતના તમામ રાજ્યોમાથી ઉભરતા કલાકારો ભાગ લે છે.
તાજેતરમા મુંબઇ ખાતે ૪૯મા ‘કલ કે કલાકાર’ સમારોહનું આયોજન કરાયુ હતુ.જેમા વડોદરાથી પરફોમિંગ્ગ આર્ટસ ફેકલ્ટીના નૃત્ય વિભાગના પ્રધ્યાપક ભરત ગાંગાણીના પુત્ર અને તબલા વિભાગના વિદ્યાર્થી મોહિતે પખવાજ વાદનની સ્પર્ધામા ભાગ લીધો. મોહિતની સામે પુના, વારાણસી, કલકત્તા, અલહાબાદ મળીને કુલ છ શહેરોમાથી પખવાજનો ૬ કલાકારો પડકાર સમાન હતા. પરંતુ ત્રણ રાઉન્ડમા યોજાયેલી આ સ્પર્ધામા મોહિતના જબરજસ્ત પરફોર્મન્સથી નિર્ણાયકો મોહિત થઇ ગયા હતા અને મોહિત ગાંગાણીને ‘કલ કા કલાકાર’ ઘોષિત કર્યો હતો.મોહિતના પ્રેઝન્ટેશન અને વાદનની વિવિધતા તથા સમય મર્યાદામા વાદન પૂર્ણ કરવાની વાત નિર્ણાયકોને ગમી ગઇ હતી અને વડોદરાની કલાને તથા મોહિતના પખવાજ વાદનને બિરદાવ્યુ હતુ.હવે ડિસેમ્બરમાં મુંબઇ ખાતે યોજાનારા હરિદાસ સંમેલનમાં મોહિતને એવોર્ડ આપીને સન્માન કરવામા આવશે.