અમદાવાદ, તા.૩૦
ધો. ૧૨ સાયન્સ પછીના ડિગ્રી ઇજનેરી-ફાર્મસી અભ્યાસક્રમમાં ૮૩૮૫ ખાલી જગ્યા પડી છે. આ ખાલી જગ્યા માટે ચોઇસ ફિલિંગ કરવાની તા. ૩૦ જુલાઇ નક્કી કરાઇ હતી અને તેમાં જે વિદ્યાર્થીઓએ તા. ૨૬ જુલાઇ સુધીમાં હેલ્પ સેન્ટર પર રિશફલિંગમાં ભાગ લેવાની લેખિતમાં મંજૂરી આપી હોય તેવા વિદ્યાર્થીઓને જ રિશફલિંગમાં ભાગ લેવા દેવો તેવું નક્કી કરાયું હતું પરંતુ હવે સમિતિએ પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓએ રિશફલિંગની મંજૂરી આપતા જે વિદ્યાર્થીઓએ રિશફલિંગ માટે લેખિતમાં મંજૂરી નથી આપી તેવા વિદ્યાર્થીઓ પણ તા. ૧ ઓગસ્ટ સુધી ચોઇસ ફિલિંગ કરી શકશે તેવો સમિતિએ નિર્ણય લીધો છે.
ડિગ્રી ઇજનેરી-ફાર્મસીમાં અગાઉ ૩૯૧૩૫ વિદ્યાર્થીઓેને પ્રવેશ ફાળવી દેવાયો હતો. તેમાંથી ૮૩૮૫ વિદ્યાર્થીઓએ પ્રવેશ ન મેળવતા એટલી બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો માટે રિશફલિંગ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જે વિદ્યાર્થીઓએ તા. ૨૬ જુલાઇ સુધીમાં હેલ્પ સેન્ટર પર જઇને રિશફલિંગમાં ભાગ લેવાની મંજૂરી આપી હોય તેવા વિદ્યાર્થીઓ જ રિશફલિંગમાં ભાગ લઇ શકનાર હતા. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ હેલ્પ સેન્ટર પર જઇને લેખિતમાં રિશફલિંગમાં ભાગ લેવાની મંજૂરી આપી શકયા નથી તેવી ફરિયાદ સમિતિને મળી હતી. જેથી સમિતિએ તમામ વિદ્યાર્થીઓ રિશફલિંગમાં ભાગ લઇ શકશે
તેવી જાહેરાત કરી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ હવે તા. ૩૦ જુલાઇને બદલે તા. ૧ ઓગસ્ટ સુધી રિશફલિંગ માટે ચોઇસ ફિલિંગ કરી શકશે. વિદ્યાર્થીઓએ ભરેલી ચોઇસ તા. ૨ ઓગસ્ટે તેઓ જોઇ શકશે અને આ ચોઇસમાં કોઇ ફેરફાર થઇ ગયો હોય તેવી તેમને ફરિયાદ હોય તો સમિતિનો તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે. જ્યારે પુનઃ પ્રવેશ તા. ૫ ઓગસ્ટે ફાળવાશે.