નવસારી, તા.૩૦
ગરીબ ખેતમજૂરોનો ભોગ લેતા લેપ્ટોસ્પાયરોસિસે નવસારીમાં પ્રવેશ બાદ લેપ્ટો.ના ૭ જેટલા દર્દી નોંધાયાં હતાં જે પૈકી ગતરોજ સુરત સિવિલ હોસ્પિટલમાં લેપ્ટો.થી પીડાતા ચીખલીના સાદકપોર ગામના એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યંુ હતું.
નવસારી જિલ્લાના સાદકપોર ગામના સંજય ઠાકોરભાઇ હળપતિ ( ઉ.વ.૩૦ )ને થોડા દિવસ અગાઉ લેપ્ટો.ના લક્ષણો દેખાતા તેને સારવાર અર્થે નવસારી સિવિલના લેપ્ટો.ના સ્પેશિયલ વોર્ડમાં દાખલ કરાયા હતા. જ્યાં તેની હાલત વધુ કથળતા તેને વધુ સારવાર અર્થે સુરત સિવિલમાં લઇ જવામાં આવ્યો હતો. આ દરમિયાન તેનો લેપ્ટો.નો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
સુરત સિવિલમાં સારવાર દરમિયાન સંજયની તબિયત ગતરોજ લથડી હતી અને ગતરોજ તેનું મૃત્યુ નીપજ્યું હતું. નવસારી જિલ્લામાં શંકાસ્પદ લેપ્ટોના હજુ ૬ જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ગરીબ ખેતમજૂરોનો ભોગ લેતા લેપ્ટોને નાથવા સરકારે છેલ્લા થોડાં વર્ષોથી કમર કસી છે, પરંતુ સરકારને લેપ્ટો. પર કાબૂ મેળવવામાં હજુ સફળતા મળી નથી. આ વર્ષે પણ લેપ્ટો.ને લઇ મોતનો સિલસિલો શરુ થઇ ગયો છે, જેને અટકાવવો ખૂબ જરુરી બન્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોસ્પાઇરોસિસનો રોગ આતંક મચાવે છે. ખેતરોમાં કામ કરતાં મજૂરો તથા ખેડૂતોને આ રોગ ઉંદર જેવા પ્રાણીના મળમૂત્રથી લાગુ પડે છે. સમયસર સારવાર નહીં મળે તો જીવલેણ સાબિત થતો લેપ્ટો. દર વર્ષે સેંકડો ગરીબોને ભરખી જાય છે.
સરકારી હોસ્પિટલોમાં અત્યાધુનિક સારવારની અછત ઉપરાંત ખેડૂતો તથા ખેતમજૂરોમાં આ રોગ સામે જાગૃતિના અભાવે પણ ખતરનાક સ્વરૃપ ધારણ કરી લે છે.