વાપી. તા. ૩૦
વાપી નગરપાલિકાની શુક્રવારે બપોરે પ્રમુખશ્રી રૃદ્રનારાયણ સીંગની અધ્યક્ષતામાં મેળલ સામાન્યસભામાં એજન્ડાના ૨૦ મુદ્દાઓમાંથી વાહન અને પાણીવેરો તેમજ પાલિકાની બોલેરો ગાડી તથા જી.આઇ.ડી.સી. અંતર્ગત આવતો ડુંગરાનો ૬ એકર રહેણાંક વિસ્તારને પાલિકામાં સમાવવા સહિતના મુદ્દા સાથે હાઇડ્રોલીક એન્જીનિયર સંજય ઝાના પિતાને કોન્ટ્રાકટ ન આપવા માટે જોરદાર રજૂઆત થઇ હતી.
વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં શરૃઆતના એકથી પાંચ જેટલા મુદ્દાઓને થોડી વત્તી ચર્ચા બાદ બહાલી આપવામાં આવ્યા બાદ વાહન અને પાણી વેરાનો બિન સત્તાધારી જૂથના સભ્યોનો થોડા વિરાધ વચ્ચે બહાલી અપાઇ હતી. જ્યારે પાલિકાની બોલેરો ગાડીને બધા જ સભ્યોની મંજૂરી વગર રીપેર માટે મોકલવામાં આવેલ હોય એનો વિરોધ નોંધાવવાની સાથે નવી ગાડી ખરીદવા નિયામકશ્રીની મંજુરી મેળવી લેવાનું નક્કી થયુ હતુ તથા મહાત્મા ગાંધી શોપીંગ સેન્ટરના પ્લાન તથા અંદાજોનો મુદ્દો આગામી સભામાં લેવાનું નક્કી થયુ છે.
સાથે વોટર વર્કસ કંટ્રોલીંગ સમિતિની ભલામણ મુજબની ટાંકી ફળિયાની જૂની હયાત લાઇન પાસેથી નવા સંપની સુધીની ઇનલેટ પાણીની પાઇપલાઇન નાંખવાની ચર્ચા સાથે સહમતિ દર્શાવાઇ હતી તેમજ પાણીના દરમાં ઓછામાં ઓછા વધારો લાદવાનું નક્કી થયુ હતુ.
જ્યારે ડુંગરા રહેણાંક વિસ્તારની પાણી પુરવઠા ભુગર્ભ ગટર તથા શેરી બત્તી અને રસ્તાઓની સેવાઓ માટે આગામી ૧૫ દિવસ બાદ સમિતિએ નિર્ણય લેવાનું નક્કી કર્યુ હતુ. સાથે અન્ય બેથી ત્રણ મુદ્દાઓ પર ખાસ કોઇ વધુ ચર્ચા ન કરતા ૧૮ અન ૧૯ માં મુદ્દાનો આગામી સભામાં ચર્ચામાં લેવાનું નક્કી થયુ હતુ.
જ્યારે છેલ્લા ૨૦ મા મુદ્દામાં પાલિકા પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાનેથી નાના-નાના ૯ જેટલા કાર્યો રજૂ થતા બહાલી અપાઇ હતી.
આ સભા દરમ્યાન હાઇડ્રોલીક એન્જીનીયર સંજય ઝાના પિતાને આપવામાં આવેલ કોન્ટ્રાકટરનો વહીવટ ખુબ જ કથળેલ હોય આગામી સમયમાં ન આપવાની સૌ સભ્યોએ ભલામણ કરતા ૫ વર્ષ પૂર્ણ થતા છૂટો કરવાની ખાત્રી ચીફ ઓફિસરે આપી હતી.
સાથે આ કોન્ટ્રાકટ સ્થાનિક વ્યક્તિને જ આપવાની રજૂઆત થઇ હતી જ્યારે સભાના અંતે પાલિકા કોર્પોરેટ નરેન્દ્ર પટેલ સહિત ૧૧ સભ્યોએ આજની તા. ૩૦ મી ની સામાન્ય સભામાં થયેલ ઠરાવોમાંથી ૬ જેટલા મુદ્દાનો લેખિત વિરોધ નોંધાવ્યો હતો. જોકે, આ વિરોધ માત્ર ફોર્માલિટી જેવો સાબિત થયો હતો.