રિસર્ચ સ્ટુડન્ટની કારકિર્દી સાથે ચેડાં

Jul 31,2010 Home > Surat > Surat City >Article
 
comment    e-mail    print    
 
Viewed 256
Rate 0
Rating
Bookmark The Article
 
 

સુરત, તા. ૩૦

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રિસર્ચ સ્ટુડન્ટની કારકિર્દી સાથે ચેડાં કરવાના ગંભીર પ્રકરણમાં તંત્રે ગઈ કાલે પણ વિદ્યાર્થીના ગાઈડ સૌરભબેન કે. પટેલ પાસે બોગસ પરિપત્રનો અમલ કરવા માટે રિમાઈન્ડર કર્યો હતો.

વાસ્તવમાં પી.એચડીના નિયમોમાં વાઈવાના સમયે સેમ્પલ રાખવાની કોઈ જોગવાઈ નથી, એટલું જ નહીં વાસ્તવિકતા એ છે કે, વાઈવા સુધી સેમ્પલો સાચવીને રાખી શકાય પણ નહીં. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ રિસર્ચ વર્ક દરમિયાન સેમ્પલોનો ઉપયોગ કરતા હોય છે અને બાદમાં તેનો નિકાલ કરી દે છે.

વળી, પાણી, લોહીના નમૂના કે પછી કેમિસ્ટ્રી જેવા વિષયમાં સિન્થેટિક કેમિકલના કમ્પાઉન્ડ વાઈવા સુધી સાચવી રખાય નહીં. મહત્ત્વની બાબત એ છે કે, ફ્રિઝમાં મૂકી રખાય તો પણ કમ્પાઈન્ડ ડિકમ્પોઝ થઈ જવાની સંભાવના રહે છે. આ સંજોગોમાં તેના પરિણામોમાં વેરિફિકેશન આવી શકે છે. આ સ્થિતિમાં કુલપતિએ મોટા ઉપાડે નીમેલી તપાસ સમિતિ શેની તપાસ કરશે એ સવાલ લાખ રૃપિયાનો બની રહે છે  ત્યારે યુનિવર્સિટીમાં હવે આ મનસ્વી પ્રકારનો પરિપત્ર કોણે કાઢયો એ બાબતની તપાસ આવશ્યક બની રહે છે.

સિન્ડિકેટ સભ્યોના જણાવ્યા મુજબ આ પરિપત્ર ઈનચાર્જ હેડ પ્રા. બી. ટી. ઠાકર દ્વારા કાઢવામાં આવ્યો હોવાની વાતો વહેતી થઈ છે.

 જ્યારે ઠાકરે પોતાને આ કેસ અને પરિપત્ર સાથે કોઈ નિસ્બત નહીં હોવાનું આજે જણાવ્યું હતું. આ સંજોગોમાં પરિપત્ર રજિસ્ટ્રારે કોના ઈશારે કાઢયો એ તપાસનો વિષય બની રહે છે.

બીજી તરફ વિદ્યાર્થીના ગાઈડ સૌરભબેન પટેલે ગઈ કાલે સાંજે આ પરિપત્ર બોગસ હોવાનું જણાવતા તત્કાળ વિદ્યાર્થીનું નોટિફિકેશન જાહેર કરવાની માગણી કરતો પત્ર યુનિ.ને લખ્યો હતો. આ પત્રમાં સેમ્પલ રાખવાનો કોઈ નિયમ નહીં હોવાનું પણ જણાવી દેતા મામલે તંત્ર હવે કેટલી ઝડપે કાર્યવાહી કરે છે એ મહત્ત્વનું બની રહે છે.

રજિસ્ટ્રેશન સમયે જ નિયમ સ્પષ્ટ હોય છે  સામાન્ય રીતે પી.એચડી સ્ટુડન્ટોના રજિસ્ટ્રેશન સમયે જ તેના નિયમો ફોર્મમાં જણાવાયા હોય છે, જેમાં પી.એચડીના સાયન્સના સ્ટુડન્ટો માટે વાઈવા સુધી સેમ્પલ સાચવી રાખવા અશક્ય નહીં મુશ્કેલ છે. આ સંજોગોમાં કેમિસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીના વાઈવા સમયે સેમ્પલ માગીને કરાયેલા હોબાળાના જવાબદારોનો મનસુબો પણ સ્પષ્ટ થઈ જાય છે.

આમ વાઈવાના સમયે રાતોરાત નવો નિયમ બનાવી રિસર્ચ સ્ટુડન્ટની કારકિર્દી સાથે ચેડાં કરવાના પ્રકરણમાં સંડોવાયેલાની તપાસ કરી  તેમની સામે પગલાં ભરવા આવશ્યક બની રહે છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com