પ્રેમી પંખીડાના કંકલ મળ્યાં

Jul 31,2010 Home > Surat > Surat City >Article
 
comment    e-mail    print    
 
Viewed 1053
Rate 0
Rating
Bookmark The Article
 
 

સુરત, નવસારી, અંકલેશ્વર, તા. ૩૦

નવસારી નજીકના વેરાવળ ગામની યુવતી અને અંકલેશ્વરના ઉછાલી ગામના યુવાન વચ્ચે પાંગરેલા પ્રેમ સંબંધનો કરુણ અંત આવ્યો છે. આ પ્રેમી પંખીડાના નરકંકાલ વેરવિખેર હાલતમાં માટીએેડ ગામની સીમમાં આવેલી ઝાડીઓમાંથી મળી આવતા સનસનાટી મચી ગઈ છે. આ મામલો આત્મહત્યાનો છે કે હત્યાનો કે પછી છે ઓનરકિલિંગ એ બાબતે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર માટીયેડ ગામની સીમમાં બે નર કંકાલ પડયાં હોવાની માહિતી મળતાં ઇન્સ્પેકટર પટેલ સ્ટાફ સાથે ત્યાં દોડી ગયા હતા. સ્થળ ઉપર કરાયેલી તપાસમાં પોલીસને યુવકનું ડ્રાઇવિંગ લાઇસન્સ, આઇકાર્ડ તથા છોકરીના કપડાં તેમજ ચેઇન મળી આવી હતી.

આ વસ્તુઓના આધારે પોલીસ એવા તારણ ઉપર પહોંચી હતી કે આ કંકાલ ઉછાલી ગામના યુવક શૈલેષ પટેલ તથા નવસારી નજીકના વિરાવળની વતની રેખાનાં છે.

આ કેસની તપાસ કરી રહેલી પોલીસ તથા સ્થળ ઉપરથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામનો વતની શૈલેષ જગદીશભાઈ પટેલ ( ઉ.વ.૧૯ ) નવસારીમાં તેના મામા નટવરભાઈને ત્યાં ભણવા માટે રહેતો હતો. દરમિયાન તેનો સંપર્ક નવસારીના વિરાવળ ગામમાં જ રહેતી રેખા ધનસુખભાઈ પટેલ સાથે થતાં તેઓ વચ્ચે પ્રેમનાં બીજ રોપાયાં હતાં.

બન્ને વચ્ચેનો પ્રેમ એટલી હદે આગળ પહોંચી ગયો હતો કે તેઓ એક બીજા વગર રહી શકે તેમ ન હતાં. આ સંજોગોમાં શૈલેષ સાથે રેખાના લગ્નને પરિવારજનો દ્વારા લગ્નની મહોર ન લાગતા આ પ્રેમી પંખીડાઓએ ઘરેથી ભાગી જવાનો નિર્ણય કર્યો હતો.

આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત ૬ જુલાઈના રોજ રેખા પ્રેમી શૈલેષ સાથે નવસારીથી ભાગી અંકલેશ્વરના માટીએડમાં તેના ઘરે આવી હતી. શૈલેષના સંબંધીઓના જણાવ્યા અનુસાર નવસારીથી માટીએેડ આવ્યા બાદ અડધો કલાક પછી બન્ને રહસ્યમય રીતે ગાયબ થઈ ગયાં હતાં.

ત્યાર બાદ ભારે શોધખોળ બાદ પણ શૈલેષ અને રેખાનો કોઈ પત્તો લાગ્યો નહતો. દરમિયાન આજે શુક્રવારે સવારે આ પ્રેમી પંખીડાઓનાં નરકંકાલ માટીયેડની સુમસામ ઝાડીઓમાંથી મળી આવ્યાં હતાં. સ્થાનિક રહીશો દ્વારા આ અંગેની જાણ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસને કરવામાં આવતા પીઆઈ આર.આર.પટેલ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે પ્રેમીઓના આ કંકાલનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી હાલ અકસ્માતે મોતનો ગુૂનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રેમી યુગલમાં પ્રેમિકા પ્રેમીથી ત્રણ વર્ષ મોટી

 રેખા અને શૈલેષની લવસ્ટોરી ઘણી બધી રીતે તથા ઘણાં બધા સંજોગોના કારણે યુનિક બની છે. અંકલેશ્વર નજીકના ગામડાનો વતની શૈલેષ ભણતર માટે નવસારી મામાને ત્યાં આવ્યો હતો. અહીં તેની ઓળખ મામાના ઘર નજીક રહેતી રેખા સાથે થઇ હતી. રેખા આમ શેલેષથી ત્રણેક વર્ષ મોટી હતી. ઓગણીસ વર્ષીય શૈલેષની મિત્રતા એકવીસ વર્ષીય રેખા સાથે થઇ. પાછળથી આ મિત્રતા એવી તો જામી કે તેઓ મિત્રો મટી પ્રેમી બની ગયાં.

શૈલેષના પિતા માનસિક રીતે અસ્થિર

પ્રેમમાં જાન ગુમાવનાર અંકલેશ્વરનો શૈલેષ મધ્યમવર્ગીય પરિવારનો હતો અને તેના પિતા લાંબા સમયથી માનસિક રીતે અસ્થિર હોવાનું નાના ભાઈ ધર્મેશકુમારે સંદેશ સાથેની વાતચીતમાં જણાવ્યંુ હતું. શૈલેષને ભણવા માટે તેની માતા મંજુલાબેને તેને નવસારી ખાતે રહેતા મામા નટવરભાઈને ત્યાં મોકલી આપ્યો હતો. બાદમાં તેના મામાએ તેને અંકલેશ્વર પાછો મોકલી આપ્યો હતો. આ ઘટનાથી તે ખૂબ ભાંગી પડી હતી.

સુરત ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં કંકાલ મોકલાયાં

અંકલેશ્વરના માટીયેડ ગામની સીમમાંથી પ્રેમી પંખીડાના કંકાલ મળી આવતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. આ પ્રેમીઓના મૃત્યુ પાછળનું કારણ જાણવા, મૃતદેહ રેખા તથા શૈલેષના જ છે એ કન્ફર્મ કરવા તથા સુપર ઇમ્પોઝ ટેકનિક થકી તેઓના ચહેરા બનાવવા માટે ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ લેવામાં આવી છે. પોલીસને જરૃર છે એ આ બધી તપાસ સુરત સિવિલમાં આવેલી ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં ઉપલબ્ધ હોવાથી કંકાલને અંકલેશ્વર પોલીસે સુરત મોકલવા તજવીજ હાથ ધરી છે.

રેખાને શોધવા પ્રેમી શૈલેષના ભાઈનું અપહરણ કર્યું હતું

પ્રેમી પંખીડાઓના મળેલાં કંકાલ ફરતે રહસ્યના તાણાવાણા સર્જાઈ રહ્યા છે. આ દરમિયાન મૃતક શૈલેષના નાના ભાઈ ધર્મેશે ગત ૧૬મી જુલાઈના રોજ અંકલેશ્વર જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટમાં પ્રકાશ ધનસુખભાઈ પટેલ અને અન્ય પાંચથી સાત વ્યકિતઓ વિરૃદ્ધ જબરજસ્તીથી ઉઠાવી ગયા હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત પાંચમી જુલાઈના રોજ શૈલેષ અંકલેશ્વર જીઆઈડીસીમાં નોકરી પર ગયો હતો જ્યાંથી પરત આવ્યો નહતો. આ સંજોગોમાં નવસારીનો પ્રકાશભાઈ તથા તેના ત્રણ મિત્રો ક્વોલીસ ગાડી લઈને આવ્યા હતા. આ શખ્સો  ધર્મેશને જબરજસ્તીથી ગાડીમાં બેસાડી લઈ ગયા હતા.

 તેઓએ કંપની પર જઈ શૈલેષ વિશે પૂછપરછ કરી ત્યાંથી અંકલેશ્વર આઈ.ટી.આઈની સામે આવેલા એસ.પી.ટુર એન્ડ ટ્રાવેલ્સની આોફિસમાં લઈ ગયા હતા, જ્યાં પહેલેથી જ ત્રણ મુસ્લિમ વ્યક્તિ બેઠી હતી. અહીં આવ્યા બાદ  બીજી એક વ્યકિતને બતાવી પ્રકાશ નામના શખ્સે ધર્મેશને જણાવ્યું કે મેં નવસારીથી પીએસઆઈને બોલાવ્યા છે સાચું સાચું જણાવી દે કે તારો ભાઈ શૈલેષ કયાં છે.

ધર્મેશે પોતે કંઈ જાણતો ન હોવાનું કહેતા તેને માર મારવામાં આવ્યો હતો. આજ પ્રકારે તેને રાત્રે વાલિયા ચોકડી, અડોલગામ, હાંસોટ અને બીજા દિવસે અંકલેશ્વર લાવી ગ્રામ્ય પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.

પોલીસે સ્ટેશનેથી નીકળ્યા બાદ  તેને અંજની ગેસ્ટ હાઉસ લઈ જઈ આખી રાત ગોંધી પણ રાખ્યો હતો. ત્યાર બાદ બીજે દિવસે માટીએડમાં છોડી મૂક્યો હતો. આ ફરિયાદમાં ધર્મેશે આરોપીઓ મોટું રાજકીય પીઠબળ ધરાવતા હોવાનું પણ જણાવ્યું હતું. સાથે સાથ આ તમામ બાબતથી અંકલેશ્વર અને નવસારી પોલીસ પણ જાણકાર હતી તેમ દર્શાવવામાં આવ્યું છે.

ઓનર કિલિંગની આશંકા

અંકલેશ્વરના માટીએડ ગામેથી મળી આવેલા પ્રેમી પંખીડા શૈલેષ અને રેખાનાં કંકાલનું પ્રકરણ પણ ઓનર કિલિંંગ તો નથી ને? તેવી આશંકાઓ ઊભી થઈ રહી છે. રેખા અને શૈલેષનાં મૃતદેહ જે હાલતમાં મળ્યાં એ જોતા તેમના મોતની ફરતે રહસ્યના ઘણાં તાણાવાણા સર્જાયા છે. આ પ્રેમી પંખીડાઓ પરિવારની મરજી વિરૃદ્ધ સંસાર માંડવા ઇચ્છતાં હતાં. રેખા અને શૈલેષ વચ્ચેનો પ્રેમ તેમના અને ખાસ કરીને યુવતીના પરિવારજનોને મંજૂર હોય એવું લાગતું નથી. રેખા ઘરેથી ગયા બાદ તેનો અતોપતો મેળવવા માટે તેના નજીકના સંબંધીઓ શૈલેષનો ભાઇ ધર્મેશ જ્યાં નોકરી કરે છે એ કંપનીમાં ગયા હતાં.

 સાતથી આઠ જણાની આ ટોળકીએ રેખા અંગે માહિતી મેળવવા ધર્મેશને ઊંચકી લીધો હતો. ગાડીમાં લઇ જઇ બે દિવસ આમ તેમ ફેરવીને તેના ઉપર જોર જુલમ ગુજાર્યો હતો. ધર્મેશને કેવો ત્રાસ અપાયો એનો ઉલ્લેખ તેણે કોર્ટમાં કરેલી ફરિયાદમાં સ્પષ્ટ થાય છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઇએ તો રેખા અને શૈલેષનું મૃત્યુ ઓનરકિલિંગ હોય શકે એની શક્યતા બળવત્તર બને છે.

આ બાબતે પૂછવામાં આવતાં ઇન્સ્પેક્ટર પટેલે કહ્યું હતું કે આ અંગે હાલ કંઇ પણ કહેવું વહેલું લેખાશે. અમે પહેલા તો આ બંનેનાં મોત કઇ રીતે નીપજ્યાં છે, એની તપાસ કરીશું. બંનેના હાડપિંજર મળ્યાં હોય મૃત્યુ કઇ રીતે થયું  એ શોધવું પણ કપરૃ થઇ પડયું છે. આ માટે અમે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ પણ લીધી છે. ફોરેન્સિકનો રિપોર્ટ આવ્યા બાદ જ આ કેસમાં તપાસની દિશા નક્કી થઇ શકે એવું પણ પટેલે ઉમેર્યું હતું.

લગ્નના અઠવાડિયા અગાઉ જ રેખા શૈલેષ સાથે ભાગી ગઈ હતી

રેખા અને શૈલેષ વચ્ચેનો પ્રેમ સંબંધ પ્રગાઢ બન્યો હતો. તેઓ એક બીજાને સાથે જીવવા મરવાના કોલ આપી ચૂક્યાં હતાં. આ દરમિયાન એકવીસ વર્ષની રેખાના લગ્ન અન્યત્ર નક્કી થયા હતાં. રેખા અને શૈલેષ લગ્ન કરવા માંગતાં હતાં. તેઓએ પરિવારની મરજી વિરૃદ્ધ લગ્નનું મન પણ બનાવી લીધું હતું. પરંતુ આ લગ્નમાં મોટું કમઠાણ તેઓની ઉંમરને લીધે સર્જાયું હતું. સામાન્ય સંજોગોમાં મોટા ભાગના પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાની ઉંમર લગ્નમાં આડે આવતી હોય છે, પરંતુ રેખા અને શૈલેષના કિસ્સામાં આનાથી વિરૃદ્ધની સ્થિતિ હતી. રેખાની ઉંમર ૨૧ વર્ષ હતી. જ્યારે શૈલેષ માત્ર ૧૯ વર્ષનો હતો. લગ્ન કરી તેની નોંધણી કરાવવા માટે સરકારી કાયદા પ્રમાણે યુવકની ઉંમર ૨૧ વર્ષ આવશ્યક હોય છે. આ ઉંમર બાધના કારણે તેઓ લગ્ન કરી શક્યા ન હતાં. બીજી તરફ રેખાના લગ્ન અન્ય યુવક સાથે નક્કી થયા એટલું જ નહીં, પણ અષાઢી બીજના દિવસોમાં લગ્ન લેવાનું નક્કી પણ થઇ ગયું હતું. લગ્નના દિવસો જેમ જેમ નજીક આવતાં જતાં હતાં તેમ તેમ આ પ્રેમી પંખીડાની અકળામણ વધતી જતી હતી. આખરે તેઓ રેખાના લગ્નના અઠવાડિયા અગાઉ જ ભાગી ગયા હતાં.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com