રાજકોટ તા.૩૦ :
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પાછળ વહીવટી તંત્ર દ્વારા કરોડોનો ખર્ચ થવાનો છે ત્યારે કોર્પોરેશન તરફથી પણ ૧પમી ઓગસ્ટના સાંસ્કૃતિક કાર્યક્રમ માટે લાખ્ખોના ખર્ચ કરવામાં આવી રહ્યાનું બહાર આવ્યું છે. સ્વાતંત્ર્ય પર્વના નામે પ્રજાના પૈસાનો ધૂમાડો થઈ રહ્યાની શહેરીજનોમાં ચર્ચા થઈ રહી છે. ૧પમી ઓગસ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખી રેસકોર્સના ક્રિકેટ સ્ટેડીયમ રંગરોગાનથી માંડી સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્પર્ધાઓ લાઈટ રોશની શણગાર પાછળ રૃ.૪૦ લાખનો થનારા ખર્ચને એક જ ઝાટકે સ્ટેન્ડીંગે મંજૂર કરી દીધો છે.
એક તરફ કલેકટર લોકભાગીદારી જેવા રૃપાળા નામ હેઠ ઉઘરાણા કરી રહ્યું છે તો બીજી તરફ સરકારે જે ગ્રાન્ટની રકમ ફાળવી છે તે ફકત કલેકટર તંત્ર પૂરતી જ સિમિત હોઈ કોર્પોરેશનને પ્રજાના પૈસામાંથી ખર્ચ કરવાનો વારો આવ્યો છે. સ્વાતંત્ર્ય પર્વ પાછળ જૂદા જૂદા વોર્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા માટે રૃ.૧પ લાખનો ખર્ચ કોર્પોરેશન કરશે.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે સરકારી કચેરીઓ, ઝોન ઓફિસ, બોર્ડ ઓફિસ સિવિક સેન્ટર વિગેરે ઉપર રોશની કરવા માટે રૃ.પ.૮૧નો ખર્ચ કરાશે. આ માટે દોશી ઈલેકટ્રીક એન્ડ ડેકોરેશનને કોન્ટ્રાકટ અપાયો છે. માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્ટેડીયમમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવાની છે. ત્યારે બિલ્ડિંગને રંગરોગાન તેમજ મુખ્યમંત્રી અને રાજયપાલની મુલાકાતવાળા ફૂટબોલ તેમજ હોકી ગ્રાઉન્ડમાં ફલોટીંગ વગેરે પાછળ સાડા નવ લાખનો ખર્ચ કરાશે.