સુરત, તા. ૮
દુધ વધુ મેળવવા માટે ડાંગમાં પશુપાલકો પોતાની ગાયોને શું ખવડાવતા હશે? જવાબ છે- કેટલીક દવાઓ મિશ્રિત બિસ્કીટ! ડાંગમાં આર્યુવેદીક જાણકારો અને અભુમકા હર્બલ પ્રા.લિ.નામની કંપનીએ સાથે મળીને એવી હર્બલ બિસ્કીટ તૈયાર કરી છે જે ગાય, ભેંસોને ખવડાવવાથી મહિનામાં અંદાજે ૨૦થી ૩૦ ટકા જેટલુ દુધ વધુ પ્રાપ્ત કરી શકાય છે. છેલ્લા ચાર વર્ષથી વૈજ્ઞાનિકો આ દવાવાળા બિસ્કીટ બનાવવા માટે સંશોધન કરી રહ્યા હતા. અગાઉ ગાયભેંસોના રોગનો ઈલાજ કરતા અને હવે પ્રાઈવેટ લિમીટેડ કંપની સાથે મળીને દવા બનાવતા ડાંગ ભગતોને નફામાં ૨૫ ટકા જેટલો ભાગ મળે છે. ગાય ભેંસો માટે સંશોધન કરવા બદલ તેમને સ્થાનિક લોકો ડાંગ ભગત કહે છે. શરુઆતમાં આ બિસ્કીટનો પ્રયોગ ડાંડના પશુપાલકોને ત્યાં પાળેલા પશુઓ પર કરવામાં આવ્યો હતો. જેમાં ઘણા સારા પરિણામ મળ્યા બાદ હવે એએચપીએલ કંપનીએ દુધસાગર, અમુલ, બનાસ અને મહેસાણા ડેરીમાં પણ ટ્રાયલ શરુ કર્યા છે. ડિસેમ્બરના અંત સુધીમાં એએચપીએલ રૃ. ૧૫૦ની કિંમતનું ૧૦ બિસ્કીટવાળુ પેકેટ બજારમાં મુકવા ધારે છે. ડાંગીભગત મંડળીના પ્રુખ જનુભાઈ ભગત કહે છે કે ડાંગ અને મધ્યપ્રદેશના સાતપુડાના જંગલોમાંથી મળતી ૧૬ જેટલી આયુર્વેદીક બુટી આ બિસ્કીટમાં વપરાય છે. દુધારા પ્રાણીને મહિનામાં ૧૦ બિસ્કીટ ખવડાવવી જોઈએ જે ૪૦ ગ્રામની એક હોય છે. એએચપીએલના ડાયરેક્ટર દિપક આચાર્ય કહે છે કે આ ડાંગી ભગત દ્વારા શોધાયેલા ડાંગના હર્બલ પર આધારીત કંપનીની પહેલી પ્રોડક્ટ છે. વન અને પર્યાવરણ સચિવ એસ.કે.નંદાએ જણાવ્યુ હતું કે ડાંગી ભગતના આયુર્વેદીક જ્ઞાનને હાઈલાઈટ કરવાનો આ મોકો છે. જો આ પ્રોડક્ટ સફળ રહી તો ડેરી સેક્ટરમાં આ એક ક્રાંતિ સર્જશે.