વસંત પંચમી : ધાર્મિક, સામાજિક અને ઋતુ આધારે ઊજવાતો મહત્ત્વનો તહેવાર

Jan 28,2009 Home > Supplements > Shraddha >Article
 
comment    e-mail    print    
 
Viewed 3081
Rate 1.0
Rating
Bookmark The Article
 
 

વસંત એક માઘોત્સવ તરીકે ઓળખાય છે પરંતુ તેની શરૃઆત મહા સુદ પાંચમથી થાય છે, જેને આપણે વસંત પંચમી કહીએ છે. વસંતઋતુ એટલે સૃષ્ટિની નવચેતના કહેવાય. વસંતનાં પગલાં મંડાય એટલે દેવમંદિરોમાં અને સમગ્ર પૃથ્વી પર નવું ચેતન આવે છે. મંદિરોમાં ભાવિકભક્તો અને વ્રતધારીઓ વસંતનાં વધામણાં કરી રમણે ચઢે છે. વસંતદેવને સત્કારવા, વસંત પંચમીનું વ્રત કરવા સમગ્ર સૃષ્ટિમાં ખૂબ ઉત્સાહ અને ઉત્સવ પ્રવર્તે છે. વસંત આવતાંની સાથે જ વૃક્ષ - વનસ્પતિ વગેરેમાં નવી કૂંપણો ફૂટ્વા લાગે છે અને પાન બેસવા લાગે છે. નિર્જન લાગતાં વન લીલીછમ વનરાઇથી ઝૂમવા લાગે છે. વાતાવરણ એટલું સુંદર અને રસમધુર થઇ જાય છે કે વગડાઓમાં અને આંબાડાળે કોયલોના ટહુકાઓ પણ વધી જાય છે. આ બધું વસંતના પ્રતાપે થાય છે અને તેને કારણે જ વસંતને ઋતુઓનો રાજા ઋતુરાજ વસંત તરીકે ઓળખવામાં આવે છે.  

આપણા ઋષિમુનીઓ હંમેશા વસ્તીથી દૂર રહીને વનમાં શિક્ષા આપતા હતા. શિષ્યો વસંતના સાંનિધ્યમાં પ્રકૃતિના ખોળમાં રહીને બૂદ્ધિમાન, તેજસ્વી અને પ્રવીણ બનતા કારણ કે આ બધા પાછળ પ્રકૃતિનું બળ કામ કરતું. પ્રકૃતિ આપણને ગમે છે કારણ કે તેમાં પવિત્રતા, સરળતા અને સાહજિક્તા છે. તેનામાં કોઇ પણ પ્રકારનો દંભ કે અભિમાન નથી. પાનખર આવતાં તે ગભરાઇ જતી નથી, પરંતુ વસંત આવવાની રાહ જુએ છે. તેનો આ ગુણ માનવીએ પણ અપનાવવા જેવો છે. જીવનમાં પાનખર - વસંત તો આવ્યા જ કરે , પરંતુ માણસે તેનાથી ગભરાટ અનુભવવો જોઇએ નહીં અને હંમેશા જીવનમાં વસંતની રાહ જોવી જોઇએ.

ધાર્મિક સ્થળો અને દેવમંદિરોમાં વસંતપંચમીનો ઉત્સવ ધામધૂમથી ઊજવાય છે. ઋતુરાજ વસંતનું આગમન થતું હોવાથી મહા સુદ પાંચમના દિવસે વસંતપંચમીના વ્રત - ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે. આજે ભગવાન વિષ્ણુની પૂજા તથા અન્ય મંદિરોમાં ઇષ્ટદેવોની પૂજા અબીલ - ગુલાલ અને સુગંધી દ્રવ્યો વડે નીચે આપેલ શ્લોક મંત્ર આપીને કરવામાં આવે છે.

ઓમ શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં

વિશ્વાધારં ગગનસદ્દશં મેઘવર્ણં શુભાઙ્ગમ્

લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યં

વન્દે વિષ્ણું ભવનભયહરં સર્વલોકૈકનાથમ્

વસંતપંચમીનું વ્રત કરનારને ઉપરોક્ત શ્લોક આવડતો ન હોય તો બ્રાહ્મણો બોલે અને વ્રતીએ બે હાથ જોડીને તેનું શ્રવણ કરવું જોઇએ. મંત્ર પૂર્ણ થાય તે પછી આરતી ઉતારી ભગવાનને પ્રસાદ ધરાવવો અને ભગવાન વિષ્ણુને કે ઇષ્ટદેવને વારંવાર વંદન કરવા. સ્ત્રી અને પુરુષોએ પિતૃઓને સંતૃપ્ત કરી બ્રાહ્મણોને દાન - દક્ષિણા આપી રાજી કરવા. વસંતપંચમીના વ્રત - વિધિનંુ અલૌકિક માહાત્મ્ય છે. વસંતપંચમીનું વ્રત એ માત્ર વ્રત જ નહી, પરંતુ વ્રતપર્વ પણ છે. તેનું ઘણી રીતે આગવું મહત્ત્વ છે.

મહા સુદ પાંચમ એ તો પતિ-પત્નીનું મહાપર્વ કહેવાય. આ દિવસે કામદેવ અને રતિનું સુગંધિત પુષ્પો અને આંબાના મોરથી પૂજન કરવું અને પ્રેમની વૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરવી. રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરવાં, શણગાર સજવા અને રંગબેરંગી ચિત્રો તથા ધજા - પતાકાથી ઘરને શણગારવું. હિમાલયમાં તપ કરતાં ભગવાન શંકરનો તપોભંગ કરવા કામદેવને પણ વસંત ઋતુની જ મદદ લેવી પડી હતી. ભગવાન શંકરે ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો. પાંડુરાજા કુંતા અને માદ્રી સાથે વાનપ્રસ્થાશ્રમ વ્યતિત કરે છે ત્યારે કુંતાજી કોઇક કારણસર બહાર ગયાં હોય છે. માદ્રીએ ઝીણાં વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા હોય છે. વસંતઋતુનું આગમન થયું હોઇ અને કામદેવનો નહીં પણ વસંતનો વિજય થાય છે. પાંડુરાજા અને માદ્રીનું નૈતિક સ્ખલન થાય છે અને ઋષિના શાપને લીધે પાંડુ રાજા મૃત્યુને ભેટે છે. 

સરસ્વતી પૂજાનું મહત્ત્વ

જે રીતે નવરાત્રિમાં શક્તિની, દેવી દુર્ગા કે કાલીની અને દિવાળીમાં સંપત્તિની દેવી લક્ષ્મીની પૂજા થાય છે તે રીતે વસંતપંચમીના દિવસે વિદ્યાની દેવી સરસ્વતીની આરાધના થાય છે. સમગ્ર વિશ્વના બધા જ હિંદુઓ ખૂબ ઉત્સાહથી આ દિવસને ઉજવે છે. વસંતપંચમીનો આ દિવસ સરસ્વતી દિન તરીકે પણ ઊજવાય છે. એક માન્યતા એવી છે કે વસંતપંચમીનો દિવસ સરસ્વતીનો જન્મદિન છે. આ દિવસે પીળા રંગનું ખાસ મહત્ત્વ ગણાય છે. પીળાં વસ્ત્રો અને ઘરેણાં ધારણ કરેલી સરસ્વતી દેવીની પૂજા, હવન દ્વારા આરાધના કરવામાં આવે છે. આમ કરવાથી દેવી સરસ્વતીની આજીવન કૃપાદૃષ્ટિ રહે છે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com