બાય અમેરિકન, અમેરિકાની સંકુચિતતા અમેરિકાને જ ભારે પડશે(અંડર કરંટ)

Feb 07,2009 Home > Supplements > Columnist >Article
 
comment    e-mail    print    
 
Viewed 2130
Rate 5.0
Rating
Bookmark The Article
 
 

વિશ્વમાં અમેરિકા જેવો સ્વાર્થી બીજો કોઈ દેશ નથી અને પોતાનાં હિતોની વાત આવે ત્યારે અમેરિકાને કોઈ નીતિમત્તા, કોઈ મિત્રતા કે બીજું કશું જ નડતું નથી તે આપણે વારંવાર જોયું છે. અમેરિકા એ વખતે સાવ નફ્ફટાઈથી બધું બાજુ પર મૂકીને એકદમ લુચ્ચાઈ પર જ ઉતરી આવે છે અને અમેરિકાની આ લુચ્ચાઈનો તાજો દાખલો બરાક ઓબામાના અમેરિકન અર્થતંત્રને બચાવવા માટેના ૮૧૯ અબજ ડોલરના સ્ટિમ્યુલસ પેકેજનો બાય અમેરિકન ક્લોઝ છે. આ ક્લોઝને કારણે સમગ્ર વિશ્વનાં આર્િથક વર્તુળો સ્તબ્ધ છે અને કેમ સ્તબ્ધ છે તે સમજવા માટે પહેલાં તો આ બાય અમેરિકન ક્લોઝ શું છે તે સમજવું જરૃરી છે.

ભયંકર મંદીમાં સપડાયેલા અમેરિકાના અર્થતંત્રને બચાવવા માટે બરાક ઓબામાએ અમેરિકાની સરકારી તિજોરીમાંથી ૮૧૯ અબજ ડોલરની તોતિંગ રકમ અમેરિકન કંપનીઓ અને અમેરિકન કરદાતાઓને રાહત પેટે આપવાનો નિર્ણય લીધો છે અને તે માટે એક ખરડો અમેરિકન કોંગ્રેસમાં દાખલ કરાયો છે. આ ખરડો અમેરિકન કોંગ્રેસના નીચલા ગૃહ મનાતા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા પસાર કરી દેવાયો છે અને અત્યારે સેનેટમાં તેની ચર્ચા ચાલી રહી છે. સેનેટમાં ઓબામાનો પક્ષ લઘુમતીમાં છે એટલે આ પેકેજ પસાર થાય છે કે નહીં તે અંગે અવઢવ છે પણ આ ખરડામાં એક જોગવાઈ એવી છે કે આ પેકેજ દ્વારા અમેરિકન સરકાર જે નાણાં આપે તેનો ઉપયોગ માત્ર ને માત્ર અમેરિકન કંપનીઓ દ્વારા ઉત્પાદિત માલ ખરીદવા માટે જ થવો જોઈએ.

આ જોગવાઈનો સીધો ને સરળ ભાષામાં અર્થ એ થાય કે જે કંપની આ પેકેજનો લાભ લેવા માંગતી હોય તેણે પોતાના કાચા માલથી માંડી મશીનરી સુધીનું બધું અમેરિકન જ ખરીદવું પડે. વિદેશી માલ ના ચાલે. એ જ રીતે અમેરિકન સરકાર પણ આ પેકેજનાં નાણાંમાંથી જે કોઈ પ્રોજેક્ટ હાથ ધરે તે માટે તેણે અમેરિકન કંપનીઓ પાસેથી જ માલ ખરીદવો પડે. અમેરિકન સરકાર અમેરિકનોને રોજગારી મળે તે માટે વોશિંગ્ટનમાં નવું એરપોર્ટ બાંધવા માંગતી હોય તો તે માટે સ્ટીલથી માંડી સિમેન્ટ અને કોમ્પ્યુટરથી માંડી કાચ સુધીનું બધું જ અમેરિકામાં બનેલું હોવું જોઈએ. કોઈ ખાનગી કંપનીને આ પ્રોજેક્ટ મળ્યો હોય તો તેણે પણ આ શરતોનું પાલન કરવું જરૃરી છે. એ જ રીતે જેમણે પણ આ સ્ટિમ્યુલસ પેકેજની કરરાહતોનો લાભ લીધો હોય તેમણે આ રાહતનાં નાણાંમાંથી માત્ર ને માત્ર અમેરિકન કંપનીઓનો માલ જ ખરીદ્યો છે તેનાં બિલ જમા કરાવવાં પડે. એ સિવાય તેમને કરરાહતનો લાભ ના મળે. ટૂંકમાં આપણે ત્યાં સ્વદેશીનાં ઢોલ પીટનારા જે વાત કરે છે તેવી જ આ વાત છે. અમેરિકાનો માલ ખરીદો અને અમેરિકનોને મદદ કરો.

બાય અમેરિકન જોગવાઈ અમેરિકન ઉત્પાદકો અને અમેરિકન કંપનીઓનાં હિતોની જાળવણી માટે છે અને અમેરિકન સરકાર તેના કરદાતાઓની લોહી-પરસેવાની કમાણીથી ભરાતી તિજોરીનાં નાણાંમાંથી રાહતોની લહાણી કરે અને અબજો ડોલર છૂટા કરે ત્યારે આ અબજો ડોલર અમેરિકામાં જ રહેવા જોઈએ અને આ અબજો ડોલર વિદેશી કંપનીઓ ના ઉસેટી જાય તે માટે આ જોગવાઈ કરાઈ છે તેવું આ જોગવાઇ દાખલ કરનારા શાણા અમેરિકનો કહે છે. જોકે દુનિયાના બીજા દેશો આ દલીલને સ્વીકારતા નથી. તેમના મતે અમેરિકા એકદમ લુચ્ચાઈથી વર્તી રહ્યું છે અને પોતાનાં હિતો સાચવવા માટે બીજા દેશા સાથે ગદ્દારી કરી રહ્યું છે. આ વાત સાવ સાચી છે. અમેરિકનો ભલે બાય અમેરિકન ક્લોઝને રાષ્ટ્રવાદ ગણાવે પણ આ અમેરિકાનો પલાયનવાદ છે. આજે અમેરિકાના પાપે આખી દુનિયા ભયંકર મંદીમાં સપડાયેલી છે ત્યારે અમેરિકાએ આગેવાની લઈને આખી દુનિયાને મંદીમાંથી બહાર કાઢવા માટે મથામણ કરવાની હોય તેના બદલે  અમેરિકા માત્ર પોતાનો જ વિચાર કરે છે. બીજાને પડવું હોય તો પડે ખાડામાં એમ વિચારીને હાથ ખંખેરી નાંખે છે એ ખરેખર આઘાતજનક તો છે જ સાથેસાથે આખી દુનિયાની આંખ ઉઘાડનારું પણ છે.

બાય અમેરિકન ક્લોઝને કારણે દુનિયાના દેશોની શું હાલત થશે તે પણ સમજવા જેવું છે. અત્યારે દુનિયાના ૬૦ દેશો માટે અમેરિકા સૌથી મોટું બજાર છે અને ૬૦ જેટલા દેશો અમેરિકામાં થતી નિકાસ પર જ નભે છે. કેનેડા, ચીન,મેક્સિકો, જાપાન, જર્મની, બ્રિટન, દક્ષિણ કોરિયા, તાઈવાન, વેનેઝુએલા, ફ્રાન્સ વગેરે અમેરિકામાં નિકાસ કરતા ટોપ ટેન દેશો છે અને આ ૧૦ દેશોની દર વર્ષની નિકાસ જ ૮૦૦ અબજ ડોલર કરતાં વધારે છે. બાય અમેરિકન ક્લોઝ અમલમાં આવે તો આ બધા દેશોની હાલત બગડી જાય અને તેમનાં અર્થતંત્ર પણ લબડી જાય. આ બધા દેશો દુનિયાના સૌથી મોટાં અર્થતંત્ર ધરાવતા દેશો છે અને તેની અસર આખી દુનિયાના અર્થતંત્ર પર પડે ને મંદી વધારે વકરે. આ બધા દેશો તો પ્રમાણમાં સધ્ધર છે પણ બીજા કેટલાય દેશો એવા છે કે જે માત્ર અમેરિકાની નિકાસ પર ટકે છે. અમેરિકનો તેમનો માલ ખરીદવાનું બંધ કરે તો તેમની તો રીતસર વાટ જ લાગી જાય.

બાય અમેરિકન ક્લોઝ અમલમાં આવે તે પહેલાં તેના ટ્રેલર જેવી જોગવાઈનો અમેરિકાએ અમલ શરૃ કરી જ દીધો છે અને સ્ટીલ તથા લોખંડ માત્ર અમેરિકન કંપનીઓનું જ વાપરવું એવો ફતવો બહાર પાડી દીધો છે. આ ફતવાને કારણે કેનેડા જેવા દેશોની હાલત તો અત્યારથી જ બગડવા માંડી છે. કેનેડા તેને ત્યાં જે કંઈ સ્ટીલનું ઉત્પાદન થાય છે તેમાંથી ૪૦ ટકા સ્ટીલ અમેરિકાને વેચે છે. અમેરિકાએ અમેરિકન સ્ટીલ જ વાપરવાનો ફતવો બહાર પાડયો તેમાં તેમની હાલત તો અત્યારથી જ બગડી ગઈ છે અને કેનેડાએ તો કકળાટ કરી મૂક્યો છે. બ્રિટન સહિતના યુરોપીયન યુનિયનના દેશો અને ઓસ્ટ્રલિયા પણ આ ક્લોઝ સામે ખફા છે અને તેમણે પણ અમેરિકાને આ જોગવાઈ પડતી મૂકવા માટે કહ્યું છે.

અમેરિકનો માને છે કે આ જોગવાઈને કારણે અમેરિકાના અર્થતંત્રને મોટો ફાયદો થશે, પણ એ માન્યતા પણ ભૂલભરેલી જ છે. અમેરિકનો બીજા દેશોનો માલ ખરીદવાનું  બંધ કરે અને સામે બીજા દેશો કંઈ ના કરે એ શક્ય જ નથી. હકીકતમાં તો યુરોપીયન યુનિયન અને કેનેડા સહિતના દેશોએ તો અમેરિકાને ધમકી પણ આપી છે કે જો અમેરિકા બાય અમેરિકન ક્લોઝ અમલમાં મૂકશે તો સામે અમારે પણ અમેરિકન કંપનીઓ સામે એવું જ વલણ અપનાવવું પડશે. અમેરિકા બીજા દેશો પાસેથી જે માલ ખરીદે છે તેટલો જ માલ બીજા દેશોને પધરાવે પણ છે અને જો તે બીજા દેશોની કંપનીઓને પોતાનો માલ અમેરિકામાં ના વેચવા દે તો બીજા દેશો અમેરિકન કંપનીઓનો માલ પોતાના દેશમાં વેચવા દે એટલા મૂર્ખ તો નથી જ. અમેરિકા પોતાનો સૌથી વધારે માલ કેનેડામાં પધરાવે છે, અને કેનેડાએ તો સાફ શબ્દોમાં કહ્યું છે કે જો અમેરિકા તેનું સ્ટીલ નહીં લે તો પોતે પણ અમેરિકાની કંપનીઓનો માલ નહીં લે. ઓબામા ૧૯ ફેબ્રુઆરીથી કેનડા જવાના છે ને એ વખતે આ સમસ્યા તેમણે ઉકેલવી જ પડશે. આ ક્લોઝથી અમેરિકાની બોઈંગ જેવી મોટી કંપનીઓ પણ ફફડી ગઈ છે અને તેમને પોતાના અબજો ડોલરના કોન્ટ્ર્ક્ટ કેન્સલ થઈ જાય તેનો ફફડાટ અત્યારે તો છે. માત્ર બોઈંગ જ નહીં, ઘણી બધી અમેરિકન કંપનીઓ લપેટમાં આવી જાય અને અમેરિકન કંપનીઓના ઉધ્ધારની વાત તો બાજુ પર રહી પણ ત્યાં કેટલીય કંપનીઓને તાળાં વાગી જાય. થોડાક અમેરિકનોને નોકરીઓ આપવા જતાં લાખો અમેરિકનો બેકાર થઈ જાય. બીજી વાત એ કે અમેરિકા બહારના દેશો પાસેથી જે માલ ખરીદે છે તે તેમના પર ઉપકાર કરવા માટે નથી ખરીદતું પણ તેને એ માલ સસ્તો પડે છે એટલા માટે ખરીદે છે. અમેરિકા કેનેડા પાસેથી જે સ્ટીલ ખરીદે છે તે અમેરિકામાં બનતા સ્ટીલ કરતાં ૨૫ ટકા સસ્તું પડે છે એટલા માટે ખરીદે છે. બાય અમેરિકન ક્લોઝને કારણે અમેરિકાએ એ ફાયદો ગુમાવવો પડે અને અમેરિકનોએ વણજોઈતા દેશપ્રેમમાં તણાઈને મોંઘો માલ ખરીદવો પડશે તેવો ડર પણ અમેરિકાન અર્થશાસ્ત્રીઓ બતાવે છે.

આ જોગવાઈ પસાર થાય છે કે નહીં તે ખબર નથી પણ અમેરિકા જેવો મુક્ત વ્યાપારનો હિમાયતી દેશ આવી સંકુચિતતા પર ઉતરી આવે એ ઘટના આઘાતજનક તો છે જ.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com