રાજપીપલા, તા. ૭
રાજપીપલાના પ્રજા વત્સલ મહારાજા વિજયસિંહ મહારાજે ૧૯૩૪માં બ્રિટનમાં રમાતી ડર્બી રેસ જીતીને રાજપીપલા સ્ટેટ અને ભારતનું નામ વિશ્વમાં રોશન કર્યુ હતું. ડર્બી રેસ જીતનાર મહારાજા વિજયસિંહજી તથા વિશ્વના એક માત્ર ભારતીય હોઈ વિજયસિંહનો ફેવરીટ ઘોડો વિન્ડસરનો વિક્રમ આજદિન સુધી કોઈ તોડી ન શકયુ હોઈ આ ગૌરવને વધુ ગૌરવાન્વીત બનાવવા ડર્બી રેસ જીત્યાને ૭૫ વર્ષ પુરા થતાં આજે રાજપીપલા રાજવંત પેલેસમાં મહારાજા રઘુવીરસિંહ મહારાજ તથા યુવરાજ માનેવેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં વડોદરાના જનરલ પોસ્ટ માસ્તર અરવિંદકુમાર જોષીએ પોસ્ટ કવરનું વિમોચન કર્યુ હતું. આ પ્રસંગે રાજવી પરિવાર બાબતની દુર્લભ ગણાતી રાજવી પરિવારની પોસ્ટ ટિકીટો, પોસ્ટ કવરનું પ્રદર્શન પણ યોજાયુ હતું. ઉપરાંત મહારાજા વિજયસિંહની યાદને તાજી કરતી ડર્બી રેસની ફિલ્મ પણ દર્શાવાઈ હતી.
આ પ્રસંગે યુવરાજ માનવેન્દ્રસિંહે ડર્બીનું ગૌરવ ભેર ઉજવણી કરતા જણાવ્યુ હતું કે, રાજપીપલાના ઇતિહાસને ૧૦૦ વર્ષુ પણ પુરા થયા છે. તેની યાદમાં પણ ડર્બી રેસના ચિત્રો વાળા વિશેષ ૧૦૦૦ કવર બહાર પાડી તેનું વિમોચન કરાયુ છે. રાજપીપલાના ફિલોટેલીસ્ટ પ્રશાંત પંડયાના સહકારથી બહાર પાડેલ આ કવર ઉપર ડર્બી રેસ જીતેલ અશ્વની સાથે વિજયસિંહની તસવીરને યાદગાર બનાવી છે.