વસતિ પર નિયંત્રણ માટે ગામડાંઓમાં વીજળી જરૂરી

Jul 11,2009 Home > National >Article
 
comment    e-mail    print    
 
Viewed 2381
Rate 5.0
Rating
Read in English
Bookmark The Article
 
 

નવી દિલ્હી, તા. ૧૧

કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન ગુલામ નબી આઝાદે દેશની વસતિમાં થઇ રહેલો ઝડપી વધારો અટકાવવા માટે ગામડાંઓમાં ઝડપી વીજળીકરળની હિમાયત કરી હતી. તેઓ માને છે કે વીજળી આવવાથી લોકોને મનોરંજન માટે ટેલિવિઝન જેવાં સાધનો ઉપલબ્ધ થઇ જશે અને તેને કારણે વસતિમાં વધારો અટકશે.

આજે વિશ્વ વસતિ દિવસે એક સમારોહને સંબોધતાં તેમણે કહ્યું હતું કે "અમારા ગામડાંઓમાં વીજળી પહોંચાડવામાં આવે તો વસતિ વધારો અટકી શકે છે. વીજળીને કારણે ઘરોમાં ટેલિવિઝન આવશે, જેના કારણે વસતિ પર અંકુશ આવશે. વીજળી નહિ હોવાથી લોકો વસતિ વધારાની પ્રક્રિયામાં રચ્યાંપચ્ચાં હોય છે."

  • વસતિને અટકાવવા માટે આઝાદની સલાહ

તેમણે સ્પષ્ટતા કરી હતી કે "એવું ન માનો કે હું મજાક કરી રહ્યો છું કે હળવાશની પળો માણી રહ્યો છું. હું ગંભીર છું. ટીવીની ઘણી અસર પડશે. આ સમસ્યાના ઉકેલ માટે આ એક સારું માધ્યમ છે."

હાલના સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ની સરકાર ગ્રામ્ય વીજળીકરણની દિશામાં કામ કરી રહી છે તેમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ગામડાંઓમાં વીજળી પહોંચે તો વસતિમાં ૮૦ ટકા સુધી વધારો અટકાવી શકાય છે. તેમણે મીડિયાને પણ ગુણવત્તાસભર બાબતો અને હકારાત્મક સમાચારોને ચમકાવવાની અપીલ કરી હતી.

વધુમાં તેમણે કહ્યું હતું કે વસતિમાં વધારો અટકાવવાની તાતી જરૂર છે કારણ કે તેની તમામ ભારતીયો પર હકારાત્મક અસર પડશે. તમામ સાંસદો, પ્રધાનો અને વ્યક્તિઓએ વસતિ નિયંત્રણની જવાબદારી સ્વીકારી લેવી જોઇએ.

વિશ્વની સંપૂર્ણ વસતિમાં ભારતનો ફાળો ૧૭ ટકા જેટલો છે તેમ જણાવતાં તેમણે કહ્યું હતું કે પરંતુ ભારતનો જમીની વિસ્તાર સંપૂર્ણ વિશ્વના માત્ર ૨.૫ ટકા જેટલો નજીવો છે. આપણે એ બાબત સમજી લેવું જોઇએ કે વધુ બાળકોનો મતલબ વધુ સમસ્યાઓ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વસતિની દૃષ્ટિએ ભારત સંપૂર્ણ વિશ્વમાં ચીન પછી બીજા ક્રમે છે. દેશની વસતિ એક અબજ વસતિને વટાવી ગઇ છે. નિષ્ણાતો માને છે કે જો હાલના દરે વસતિમાં વધારો ચાલુ રહેશે તો ૨૦૩૦ સુધીમાં ભારત ચીનને પાછળ રાખી દેશે.

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com