અમદાવાદ, રવિવાર
ઊંચા ઊંચા બિલ્ડિંગ પરથી ઠેકડા મારતો જાય, જાળ છોડતો જાય, છગનકાકાનો મનિયો મારો દેશી કરોડિયો રે... કાઠિયાવાડી લઢણ, મજાક અને મસ્તી સાથે વેલકમ સ્પાઇડરભાઈ. વેબસાઈટ ‘યુ ટયુબ’ પર મૂકાયેલું ગુજરાતીમાં લખાયેલ સ્પાઇડરમેનના પરાક્રમો ગાતું ગીત અને સંવાદ “ગુજરાતી સ્પાઇડરમેન” વિશ્વભરમાં ધૂમ મચાવી રહ્યું છે. બચ્ચન પરિવારની અમેરિકાની “અનફર્ગેટેબલ ટૂર” દરમિયાન ગાયક શેખર રવજીયાણીએ આ ગીત દર્શકો સમક્ષ ગાઈને બધાને મંત્રમૂગ્ધ કરી દીધા હતા.
આ ગીતની શરૃઆત સુરતથી થઈ હતી. સુરતના એમોચ્યોર સંગીતના ચાહકોએ આ ગીત કંપોઝ કરીને તેને નેટ ઉપર મૂકી દીધું હતું. ‘દેશી સ્પાઇડરમેન’ તરીકે ઓળખાતું આ ક્લિપ સાઇબર સ્પેસમાં અત્યંત લોકપ્રિય બની ગયું. શેખરે અન્ય ગાયક વિશાલ સાથે અભિષેક બચ્ચન અને રિતેષ દેશમુખ જ્યારે પર્ફોમ કરી રહ્યા હતા ત્યારે આ ગીત લલકારીને પ્રેક્ષકોને પ્રભાવિત કરી દીધા હતા. “આ ગીત સાંભળવા માટે પ્રેક્ષકોના ટોળેટોળાં ખાસ કરીને ગુજરાતીઓ ઊમટી પડયાં હતાં” એવું શેખરે જણાવ્યું હતું.
- ત્રણ મિનિટ લાંબું ‘વીર કરોળિયો જાળવાળો’ ઇન્ટરનેટ પર છવાઇ ગયું છે
ન્યૂ જર્સીથી ન્યુયોર્ક, હ્યુસ્ટન, સેન ફ્રાન્સિસ્કો અને શિકાગો સુધીના પ્રેક્ષકો વધુને વધુ આ ગીત સાંભળવા માગતા હતા. “આ ગીતનું સર્જન સુરતના યુવાન કલાકારોએ કર્યું હતું અને યુ ટયુબ ઉપર તે ‘હિટ અને હોટ’ બની ગયું હતું. મેં ગીતને બ્લફમાસ્ટરના ટ્રેક સાથે જોડી દીધું હતું. અમે જ્યારે પણ આ ગીત લલકારતા હતા, ત્યારે પ્રેક્ષકો અમોને ઘેરી વળતા હતા અને અમારી સાથે સમૂહમાં ગાતા હતા” - એવું શેખરે ઉમેર્યું હતું.
“મને ખાસ કરીને ન્યૂયોર્કમાં યોજાયેલ શોની ઘટના યાદ આવે છે. મેં જ્યારે જાહેર કર્યું કે, હું ગુજરાતી છું ત્યારે લોકોએ મારા ઉપર પ્રશંસાના ફૂલો વર્ષાવ્યા હતા” એવું મૂળ કચ્છના એવા શેખરે જણાવ્યું છે કે જેમણે વિશાલ સાથે બોલીવૂડને અનેક હીટ ગીતો આપ્યા છે.
પ્રેક્ષકોને આ ગીતમાં તેના દેશી સંવાદો સાથે કાઠયાવાડી લઢણવાળો ટ્રેક સ્પર્શી ગયો છે.
“આ કાંડામાં ગલગલિયા શેનાં થાય છે, કંઈ નીકળવાનું લાગે છે” અને “આ મારું બેટુ શું થયું, આ તો અંગૂઠામાં દાઢી ઊગી” - ગીતની આ લાઈનો એકદમ હીટ નીવડી છે. ત્રણ મિનિટ લાંબુ ક્લિપ - ‘વીર કરોડિયો જાળવાળો’ છેલ્લાં છ મહિનાથી નેટ ઉપર છવાઈ ગયું છે.