નવી દિલ્હી, તા.૩૦
ઓનલાઈન શોપિંગમાં વિશ્વાસ રાખતા અને આ પ્રકારની ખરીદી કરતા લોકોને હવે પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર (પીન) પાસવર્ડ રાખવાની જરૂર પડશે. જો ક્રેડિટ કાર્ડ પીન નહીં હોય તો પહેલી ઓગસ્ટથી ઈન્ટરનેટ શોપિંગ કરી શકાશે નહીં. ઈન્ટરનેટ ઉપર શોપિંગ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કેટલીક બાબતોને હવે ફરજિયાત બનાવી છે. ક્રેડિટ અથવા તો ડેબિટ કાર્ડ માટે પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર (પીન) પાસવર્ડ લોકોને ઝડપથી મેળવવા પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં જ એક આદેશ જારી કરીને વધારાના પ્રમાણિત પાસ કોડ રાખવાને ફરજિયાત બનાવ્યું છે. વિઝા અથવા તો એમએસસી (માસ્ટર કાર્ડ સિક્યોર કોડ) દ્વારા ચકાસણી કરવામાં આવેલા એડિશનલ ઓથેન્ટીકેશન પાસ કોડને ફરજિયાત બનાવવામાં આવ્યા બાદ ઓનલાઈન શોપિંગમાં માનતા લોકોની ભાગદોડ વધી ગઈ છે.
નામ, ક્રેડિટ નંબર, એક્સપાઈરી ડેટ અને સીડબલ્યુ (કાર્ડ વેરીફિકેશન વેલ્યુ) નંબર જેવી કાર્ડ ઉપર રહેલી અન્ય માહિતીઓ કરતા આ વધારાની માહિતી હવે રાખવી પડશે. આ નવા પાસવર્ડ મેળવવા માટે શું કરવું તેને લઈને પણ લોકોની ગૂંચ છે પરંતુ આના માટે જણાવવામાં આવ્યું છે કે ક્રેડિટ અથવા તો ડેબિટ કાર્ડના વપરાશકારોને તેમની બેંકો સમક્ષ ઓનલાઈન નોંધણી કરાવવી પડશે. જેના ભાગરૂપે પર્સનલ અને કાર્ડની વિગત આપવી પડશે. ત્યાર બાદ તેઓને એક પીન અથવા તો પાસવર્ડ આપવામાં આવશે. જે ટ્રાન્ઝેક્શનની પૂર્ણાહુતિ પહેલા ચેકઆઉટ પોઈન્ટ ઉપર સિક્યુરિટીના વધારાના એક સાધન તરીકે વપરાશે. આ પાસવર્ડ માત્ર કાર્ડધારકને જ ખબર રહેશે. જેથી જો કોઈ વ્યક્તિ કાર્ડ નંબરની
નોંધણી કરવામાં પણ સફળ રહેશે તો પણ તે ઓનલાઈન શોપિંગ માટે તેનો દુરુપયોગ નહીં કરી શકે.
આરબીઆઈના આદેશ બાદ એક તારીખ નક્કી થઈ ગયા પછી એડિશનલ ઓથેન્ટીકેશન માટે હજારો વિનંતી બેંકો સમક્ષ પહોંચી ગઈ છે. કેટલીક બેંકો તેમની વેબસાઈટ ઉપર પાસવર્ડ ક્રીએટ કરવા કસ્ટમરોને મંજૂરી આપી રહી છે. જ્યારે અન્ય કેટલીક બેંકો નવેસરના યુઝર આઈડી અને પાસવર્ડ કસ્ટમરોને વાયા પોસ્ટ મારફતે પહોંચાડવામાં વ્યસ્ત છે. સિટી બેંક જેવી કેટલીક બેંકો ઈ કોમર્સ ટ્રાન્ઝીક્શન માટે તેમના પાસવર્ડ તરીકે નેટ બેંકિંગ પાસવર્ડનો ઉપયોગ કરવા કસ્ટમરોને મંજૂરી આપી રહી છે.
નવા પાસવર્ડ માટે શું કરવું
* ક્રેડિટ/ડેબિટ કાર્ડ ધારકોને તેમની બેંકોમાં ઓનલાઈન નોંધણી કરાવવી પડશે.
* પર્સનલ અને કાર્ડની વિગતો આપવી પડશે.
* બેંકો કસ્ટમરોને પીન અથવા તો પાસવર્ડ આપશે.